ભારતનો વિકાસ કોરોના જેવી આપદા અટકાવી નહીં શકેઃ મોદીનો પ્રજાને પત્ર

Friday 05th June 2020 07:45 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં ભારત વિજયપથ પર આગળ વધી રહ્યો છે અને તેનો વિજય સુનિશ્ચિત છે તેમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
એનડીએ સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરું થવાના અવસરે ૩૦ મેના રોજ ભારતીયોને સંબોધીને લખેલા ખુલ્લા પત્રમાં વડા પ્રધાન મોદીએ જનતાની સામૂહિક શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, ‘૧૩૦ કરોડ ભારતીયોનું વર્તમાન અને ભવિષ્ય કોઈ આપત્તિ અથવા મુશ્કેલી નક્કી કરી શકે નહીં.’ એનડીએ સરકારના છેલ્લા એક વર્ષના કામકાજના લેખા-જોખાં રજૂ કરતાં વડા પ્રધાને કહ્યું કે સરકાર સંપૂર્ણ સજાગતા, સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે.
લોકડાઉનના કારણે રાજકીય રેલીઓ પર પ્રતિબંધ અને શારીરિક અંતરના દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાને ખુલ્લા પત્રના માધ્યમથી જનતા સાથે સંવાદ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. વડા પ્રધાને જણાવ્યું કે લોકડાઉનના કારણે લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવા છતાં સામુહિક સંકલ્પ શક્તિના બળે આપણે કોરોનાને ભારતમાં જેવી આશંકા વ્યક્ત થઈ રહી હતી તે રીતે ફેલાતો અટકાવ્યો છે. કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણો વિજયરથ અગ્રેસર છે અને તેમાં આપણો વિજય સુનિશ્ચિત છે. તેના માટે સામાન્ય રોકોએ કોરોનાથી બચવા માટે જાહેર કરાયેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાની જરૂર છે. આપણા એક હાથમાં કર્મ અને કર્તવ્ય છે, તો બીજા હાથમાં સફળતા નિશ્ચિત છે.
વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે કોરોના પછી અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા દુનિયા સામે સૌથી મોટો પડકાર બની ગયો છે. ભારતમાં આર્થિક ક્ષેત્રમાં દુનિયાને આશ્ચર્યચકિત અને પ્રેરિત કરવાનું સામર્થ્ય છે, પરંતુ તેના માટે પહેલા દેશને આત્મનિર્ભર બનાવવું પડશે. વડા પ્રધાને આશા વ્યક્ત કરી કે ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજના આધારે ભારત આયાત પર નિર્ભરતા ઓછી કરીને આત્મનિર્ભર બનવામાં સફળ થશે.
વડા પ્રધાને છેલ્લા એક વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કલમ ૩૭૦, રામમંદિર, ટ્રીપલ તલાક અને નાગરિકતા કાયદામાં સંશોધન લાંબા સમય સુધી યાદ રખાશે. આ નિર્ણયોને ઐતિહાસિક ગણાવતાં તેમણે કહ્યું કે તેનાથી ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ મળી છે. દેશના ત્રણેય સૈન્યો વચ્ચે સમન્વય વધારવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચના અને ૨૦૨૨માં મિશન ગગનયાનની તૈયારીઓને તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.
વડા પ્રધાને કહ્યું કે છેલ્લા એક વર્ષમાં સરકારે પીએમ કિસાન ભંડોળ મારફત ૯.૫ કરોડ ખેડૂતોને ૭૨,૦૦૦ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો, ખેત મજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા મજૂરો માટે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે. ૫૦ કરોડ પશુઓના રસીકરણ અને ૧૫ કરોડ ગ્રામીણ ઘરોમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવાનું કામ પણ ચાલુ છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે પહેલી વખત દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા શહેરોની સરખામણીમાં ગામોમાં ૧૦ ટકા વધુ થઈ ગઈ છે.
આ જ ક્રમમાં વડા પ્રધાને તેમના છેલ્લા કાર્યકાળમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, વન રેન્ક વન પેન્શન અને જીએસટી જેવા નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ ટ્વિટર પર વિકાસ યાત્રાનો વીડિયો શેર કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની સરકારના બીજા કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ, સશક્તિકરણ અને સેવા અથવા ‘વિકાસ યાત્રા’ની ઝાંખી કરાવતો એક વીડિયો ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં દેશના વિકાસ અને પ્રગતિ માટે તેમની સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓ અંગે માહિતી આપવામાં આવી છે.
આ વીડિયો ૧૫ ટાઇટલ હેઠળ વિભાજિત છે, જેમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, ભ્રષ્ટાચાર નાબૂદી અને કોરોના વાઈરસ સામે દેશની લડતનો સમાવેશ થાય છે. વડા પ્રધાને આ વીડિયો સાથે ટ્વીટ કરી છે કે, વિકાસ યાત્રા પર એક નજર કરો, જે વિકાસ, સશક્તિકરણ અને સેવાના આપણા સામૂહિક પ્રયાસની ઝાંખી રજૂ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter