ભારતમાં 15 વર્ષમાં 100 બિલિયન ડોલરનું રોકાણ આવશેઃ 10 લાખ નોકરીનું સર્જન થશે

ભારત - ઇફટીએ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર

Tuesday 12th March 2024 17:16 EDT
 
 

નવી દિલ્હી: ભારત અને ચાર યુરોપીય દેશો સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિટનસ્ટેઇનના બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારને વેગવંતો બનાવવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર થયા છે. ચાર યુરોપીય દેશોના સમૂહ અને ભારત વચ્ચે રવિવારે થયેલા આ ઐતિહાસિક કરાર અંતર્ગત સહભાગી દેશો વચ્ચે મૂડીરોકાણ અને ચીજવસ્તુઓથી લઇને સેવાઓના ક્ષેત્રે આદાનપ્રદાન વધારાશે.
આ કરારમાં ભારત સૌથી મોટા લાભાર્થી તરીકે ઉભર્યો છે એમ કહી શકાય. ભારતે આ મહત્ત્વાકાંક્ષી મુક્ત વ્યાપાર કરાર માટે ઇએફટીએ સમક્ષ શરત રાખી હતી કે સમજૂતી લાગુ થયા બાદ આ ચારે દેશો આગામી 10 વર્ષમાં ભારતમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને તે પછીના પાંચ વર્ષમાં બીજા 50 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આમ ઇએફટીએ આગામી 15 વર્ષમાં 100 બિલિયન ડોલર અથવા આઠ લાખ કરોડ રૂપિયાનું ભારતમાં રોકાણ કરશે. આ કરારને પગલે દેશમાં લગભગ 10 લાખ નવી નોકરીઓ પેદા થશે.
ભારતે યુરોપિયન સમૂહના ચાર દેશો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) કર્યો છે. આ એવા દેશો છે જેઓ યુરોપિયન યુનિયનના સભ્યો નથી. વાણિજ્ય અને વેપાર મંત્રીના કહેવા પ્રમાણે યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિયેશન (ઇએફટીએ) સાથે થયેલા આ કરારને કારણે ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ આવશે. ઇએફટીએમાં સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિટનસ્ટેઇન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને બ્રિટન વચ્ચે એફટીએને લઈને છેલ્લાં બે વર્ષથી વાતચીત ચાલે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘આ કરારને લેન્ડમાર્ક તરીકે જોવો જોઈએ અને તે અમારી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની અને યુવાનો માટે નવી તકો ઊભી કરવાની નીતિને દર્શાવે છે. આવનારા સમયમાં વધુ સમૃદ્ધિ અને પરસ્પર વિકાસને કારણે ઇએફટીએ દેશો સાથે આપણું જોડાણ વધુ મજબૂત થશે.’
16 વર્ષ લાંબી વાટાઘાટો પછી કરાર
લગભગ 16 વર્ષ થયેલી વાટાઘાટો પછી આ કરાર થયા છે. આ કરાર હેઠળ ભારત આ ચાર દેશોમાંથી આવતા ઔદ્યોગિક પુરવઠા પરનો આયાત કર હઠાવી દેશે. આ દેશો ભારતમાં રોકાણ કરશે તેના બદલામાં ભારત આ નિર્ણયનો અમલ કરશે. આ રોકાણ કોઈ એક ક્ષેત્રે નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં થશે જેમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી અને ઉત્પાદનક્ષેત્ર પણ સામેલ હશે.
ઇએફટીએએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ‘આ કરારને કારણે બજારોની સુગમતા વધશે અને કસ્ટમમાં થતી લાંબી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. જેના કારણે ભારત અને ઇએફટીએ હેઠળ આવતા વેપારધંધા તેમનો વધુ ફેલાવો આ બજારોમાં કરી શકશે અથવા તો એમ કહી શકાય કે તેમને મોટું બજાર મળશે.’
ભારતમાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર ચૂંટાવા માટે લડી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં ભારતે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ આરબ અમીરાત સાથે પણ વેપાર સોદા કર્યા છે.
ગત અઠવાડિયે, યુકેના વેપાર મામલાના પ્રધાન કેમી બેડેનોચે સૂચવ્યું હતું કે ભારતમાં ચૂંટણી યોજાય તે પહેલાં બ્રિટન મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે તે શક્ય છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તે પડકારરૂપ છે. તેઓ કહે છે, ‘આમ તો ઉતાવળ જરૂરી નથી કેમ કે હું ચૂંટણીનો સમયમર્યાદા તરીકે ઉપયોગ કરવા માંગતી નથી.’
નોર્વેના વેપાર પ્રધાન જાન ક્રિશ્ચિયન વાસ્ત્રેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે’. તેઓ આ વાક્ય હિન્દીમાં બોલ્યા હતા. ‘આ ખરેખર ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધાય તેવો દિવસ છે. આ ટકાઉ વેપારની કરવાની આ એક નવી રીત છે. રોકાણ વધારવા અને નોકરીઓનું સર્જન કરવાની અમારી પ્રતિબદ્ધતા છે જેથી કરીને અમે આ કરારમાં નિર્ધારિત ઉદ્દેશ્યો હાંસલ કરી શકીએ.’
ભારતને આ કરારથી શું ફાયદો થશે?
જે ચાર દેશો સાથે કરાર થયા છે તેમાં સ્વિટ્ઝર્લેન્ડ ભારતનો સૌથી મોટો સાથીદાર દેશ છે. વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચે થયેલો દ્વિપક્ષીય વેપાર 17.14 બિલિયન ડોલરનો રહ્યો છે જ્યારે આ ચાર દેશો સાથે મળીને વેપાર 18.66 બિલિયન ડોલરનો હતો. સ્વિટ્ઝર્લેન્ડ સરકારે આ કરારને ખૂબ અગત્યનો ગણાવ્યો છે. આ કરાર બાદ ભારત સ્વિસ ઘડિયાળો, ચોકલેટ, બિસ્કિટ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી સ્વિસ પ્રોડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી થોડા સમય માટે હઠાવી દેશે.
કરાર મુજબ ભારત સોના સિવાય સ્વિટ્ઝર્લેન્ડમાંથી લગભગ 95 ટકા ઔદ્યોગિક આયાત પર તરત જ અથવા તો થોડા સમય બાદ કસ્ટમ ડ્યુટી દૂર કરશે. આ સાથે ભારતમાં ટૂના, સાલ્મન જેવા સીફૂડ, કોફી, વિવિધ પ્રકારનાં તેલ, અનેક પ્રકારની મિઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડની કિંમતમાં ઘટાડો થશે. આ સિવાય સ્માર્ટફોન, સાયકલ એસેસરીઝ, મેડિકલ ઇક્વિપમેન્ટ, રંગ, કાપડ, સ્ટીલનો સામાન અને મશીનરી પણ સસ્તાં થશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના વડા અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે, ‘ભારતમાં સ્વિસ માલસામાનની કિંમત સસ્તી થવા જઈ રહી છે કારણ કે તેના પર લાદવામાં આવેલા કરને દૂર કરાશે. પાંચ ડોલરથી લઈને 15 ડોલર સુધીની કિંમતની વાઇન પરની ડ્યુટી લગભગ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરાશે.’ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર આગામી વર્ષોમાં કટ-પોલિશ હીરા પરની પાંચ ટકા ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરાશે.
રોકાણ સાથે નોકરીઓની વિપુલ તકો
આ કરારને ઐતિહાસિક ગણાવાઇ રહ્યો છે કારણ કે આવનારાં 15 વર્ષોમાં આ ચાર દેશો ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને સાથેસાથે 10 લાખ નોકરીઓનું સર્જન થશે. આ દેશોએ આ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડના આર્થિક બાબતોનાં પ્રધાન હેલેન બડલિગર આર્ટિડાએ ‘ધ હિન્દુ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘હું તમને કહી શકું છું કે સ્વિસ કંપનીઓ અને અન્ય કંપનીઓને ભારતમાં વ્યાપક રુચિ છે, તેમણે અમારી સાથે વાત કરી છે. એક અંદાજ પ્રમાણે 100 બિલિયન ડોલરના આંકડા પર પહોંચ્યા છીએ. આ માટે અમે 2022માં એફડીઆઈનો આંકડો ધ્યાનમાં રાખ્યો છે, જે 10.7 બિલિયન ડોલર છે. ભારતના જીડીપી અંદાજો અને અહીંના વિશાળ બજારને આધાર બનાવીને અમે આ રોકાણની રકમ નક્કી કરી છે.’
‘ઈએફટીએ બ્લોક અમારા યુરોપિયન પાડોશી (એટલે કે યુરોપિયન યુનિયન) પહેલાં જ આ સોદાને પાર પાડવામાં સફળ થયો છે. જેના કારણે ભારતમાં બાકીના દેશોની રુચિ ખૂબ વધી ગઈ છે. પરંતુ હું એ વાતને સ્પષ્ટ કરવા માંગું છું કે આ રોકાણ સ્વિસ સરકાર નહીં, પણ ખાનગી કંપનીઓ કરશે. જો કોઈ કારણોસર અમે 100 બિલિયન ડોલરનું રોકાણ નહીં કરી શકીએ, તો અમે પાછા જતા રહીશું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter