ભારતમાં #MeTooઃ ચકરાવે ચઢ્યા છે દિગ્ગજોના નામ

Wednesday 10th October 2018 06:17 EDT
 
 

નવી દિલ્હીઃ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ટોચના અભિનેતા નાના પાટેકર સામે પોતાનું શોષણ કર્યાનો આક્ષેપ કરતાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. હવે આ જ વંટોળે ભારતમાં #MeToo વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એક પછી એક સ્ત્રીઓ હિંમતભેર આગળ આવી રહી છે અને સેલિબ્રિટીઝની ‘અસલિયત’ને ઉઘાડી પાડી રહી છે. ફિલ્મનિર્માણ ક્ષેત્રે જગતભરમાં નામના ધરાવતા બોલીવૂડથી શરૂ થયેલી આ ઝૂંબેશમાં ટીવી અને મીડિયા ક્ષેત્રના દિગ્ગજો સામે આંગળી ચીંધાઇ રહી છે. ફિલ્મ અભિનેતા રજત કપૂરે પોતાની કથિત ગેરવર્તણૂક અંગે માફી માગી છે તો ટોચના દિગ્દર્શક વિકાસ બહલ સામે ફેન્ટમ ફિલ્મ્સની એક જુનિયર કર્મચારીએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે. બહલ સાથે ‘સુપર ૩૦’ ફિલ્મ કરી ચૂકેલા જાણીતા અભિનેતા હૃતિક રોશને સ્પષ્ટ કરી દીધું છે કે આ પ્રકારની ગંભીર ગેરવર્તણૂક કરનાર પુરુષ કે સ્ત્રી સાથે કામ કરવાનું મારા માટે અશક્ય છે. હૃતિકે જણાવ્યું છે કે મેં સુપર ૩૦ના પ્રોડ્યુસર્સને અનુરોધ કર્યો છે કે તેઓ હકીકતને લક્ષ્યમાં જરૂર પડ્યે આકરું વલણ અપનાવે. ઉલ્લેખનીય છે કે નેશનલ એવોર્ડ વિજેતા જાણીતી અભિનેત્રી કંગના રણૌટે પણ અનુરાગ બહલ સામે દુર્વ્યવહારના આરોપ મૂક્યા છે. 

અમેરિકામાં ૨૦૧૭માં #MeToo મૂવમેન્ટની શરૂઆત થઈ અને હવે તેના એક વર્ષ બાદ ભારતીય મહિલાઓ આ ચળવળમાં આગળ આવી રહી છે. મહિલાઓ પોતાની ઉપર થયેલો ત્રાસ, શોષણની ઘટનાઓ વિશે મોકળા મને વાત કરી રહી છે. જેમાં નાના પાટેકર, વિકાસ બહલ, ઉત્સવ ચક્રવર્તી પછી સામે આવેલું સૌથી તાજું નામ અભિનેતા આલોક નાથનું છે. પડદા ઉપર ‘સંસ્કારી’ છાપ ધરાવનારા આલોક નાથ ઉપર તેમના ટીવી શો 'તારા'નાં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર વિંતા નંદાએ બળાત્કારનો આરોપ મૂક્યો છે.

પોતાની લાંબી ફેસબુક પોસ્ટમાં વિંતા નંદાએ સીધું નામ ના લખીને પોતાના શો 'તારા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા ઉપર આરોપ મૂક્યો છે. વિંતા લખ્યું છે કે એ કોઈ ઓછી કરુણતા નથી કે જેણે મારો બળાત્કાર કર્યો તેની છાપ ઇન્ડસ્ટ્રીમાં ‘સંસ્કારી અભિનેતા’ની છે. આલોકનાથ આ શોમાં દીપક શેઠની મુખ્ય ભૂમિકામાં હતા. આલોકનાથે આરોપોને ‘કાલ્પનિક’ ગણાવીને ‘યોગ્ય સમયે’ ખુલાસો કરવાની વાત કહી છે.
પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે આવી ઘટનાઓ હવે જાહેરમાં ચર્ચાઈ રહી છે.

વરિષ્ઠ મહિલા પત્રકાર સંધ્યા મેનને ટ્વીટ કરીને કે. આર. શ્રીનિવાસ પર આરોપ લગાવ્યો છે કે હાલમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના હૈદરાબાદમાં રેસિડેન્ટ એડિટરે એક વખત મારી સમક્ષ ઘરે મૂકી જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઘટના વર્ષ ૨૦૦૮ની છે. એ વખતે બેંગલૂરુ મારા માટે નવું શહેર હતું અને અહીં તેઓ અખબારની એક આવૃતિને લોન્ચ કરવા આવ્યા હતા.

આ ફરિયાદના જવાબમાં કે. આર. શ્રીનિવાસે લખ્યું છે, ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. એક વરિષ્ઠ મહિલાનાં વડપણ હેઠળની સમિતિ આ મામલે તપાસ કરી રહી છે. હું આ મામલે પૂરો સહયોગ કરીશ.’ એક સમયે હફિંગ્ટન પોસ્ટમાં કામ કરતા અનુરાગ વર્મા સામે પણ ઘણી યુવતીઓએ વાંધાજનક મેસેજ મોકલવાનો આરોપ મૂક્યો છે. આ મામલે અનુરાગ વર્માએ માફી માગતા ટ્વીટ સાથે લખ્યું છે કે તેણે આ તમામ મેસેજ મજાકમાં મોકલ્યા હતા. તેને આ વાતનો અંદેશો નહોતો કે આનાથી કોઇની લાગણી દુભાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter