નવી દિલ્હીઃ સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા નવા બદઇરાદા ખુલ્લાં પડી રહ્યા છે.
દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આતંકીઓ દેશમાં એકાદ-બે સ્થળે નહીં, જુદા જુદા કુલ 32 સ્થળે વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા. અને આ બદઇરાદો પાર પાડવા લાંબા સમયથી તૈયારી કરી રહ્યા હતા. ફરિદાબાદમાંથી ઝડપાયેલો 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો આ યોજનાના ભાગરૂપે જ એકત્ર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે વિસ્ફોટકોના આ જથ્થો ઝડપાયા પછી તેની તપાસ દરમિયાન જ સુરક્ષા એજન્સીઓને ડો. શાહીન, કાર વિસ્ફોટમાં માર્યા ગયેલા તેના કાશ્મીરી સાથી ડો. ઉમર સહિતના આતંકી ડોક્ટરોનું પગેરું મળ્યું હતું.
આતંકીઓ બાબરી ધ્વંસની વરસી - છઠ્ઠી ડિસેમ્બરે શ્રેણીબદ્ધ વિસ્ફોટોનું કાવતરું પાડવાની ફિરાકમાં હતા, પરંતુ સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે ખરીદાયેલી 4 કાર પણ જપ્ત કરી છે. દિલ્હી કાર વિસ્ફોટે કુલ 15 માનવજિંદગીનો ભોગ લીધો છે, પરંતુ આ કમનસીબ ઘટના છતાં એટલું અવશ્ય કહી શકાય કે શૂળીનો ઘા સોયથી ટળ્યો છે.
15થી વધુ તબીબો તપાસના ઘેરામાં
પાટનગરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાએ ભારતમાં આકાર લઇ રહેલા આતંકના એક નવા જ ચહેરાને ઉજાગર કર્યો છે એમ પણ કહી શકાય. ‘વ્હાઇટ કોલર ટેરર’ તરીકે કુખ્યાત બનેલા આ ષડયંત્રમાં ઉચ્ચ શિક્ષિત ડોક્ટરોની સંડોવણી છતી થઇ છે. સમાજમાં માનવંતું સ્થાન ધરાવતા વ્યવસાય સાથે સંકળાયેલા તબીબો સફેદ કોટના અંચળા તળે દેશવિરોધી કૃત્યને આકાર આપી રહ્યા હતા તે વાતે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ આતંકી ષડયંત્ર સંદર્ભે 15થી વધુ તબીબો સામે તપાસ ચાલી રહી છે.
આતંકી ષડયંત્રનું તૂર્કિયે કનેક્શન
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ગત 10 નવેમ્બરે થયેલા કાર વિસ્ફોટ મામલે એનઆઈએએ વધુ એક આતંકવાદીની ધરપકડ કરી છે. જસીર બિલાલવાની ઉર્ફે દાનિશ નામનો આ આતંકી કાર વિસ્ફોટમાં માર્યા ગયેલા સ્યુસાઇડ બોમ્બર ઉંમર નબી સાથે હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હતો. એનઆઇએની ટીમે સોમવારે શ્રીનગરથી તેની ધરપકડ કરી હતી. દાનિશ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાજીગુંડનો રહેવાસી છે. તેણે અગાઉ ડ્રોનમાંથી રોકેટ બનાવવા પણ પ્રયાસ કર્યો હતો. વિસ્ફોટના આ ષડયંત્રમાં તૂર્કિયે કનેક્શન પણ બહાર આવ્યું છે.
એનઆઈએ તપાસમાં ખૂલ્યું છે કે આતંકી ડો. ઉમરે દિલ્હીમાં કે ભીડભાડવાળા ધાર્મિક સ્થળે વિસ્ફોટકો ભરેલી કાર મૂકીને ગાયબ થવાનું પડયંત્ર રચ્યું હતું. દાનિશના કહેવા પ્રમાણે ઉમર 2021માં વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલના સભ્ય ડો. મુઝમ્મિલ અહેમદ સની સાથે તુર્કિયેના પ્રવાસે ગયા બાદ કટ્ટરપંથી બન્યો હતો. ત્યાં બન્ને જૈશ-એ-મોહમ્મદના ઓવરગ્રાઉન્ડ વર્કરને મળ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટમાં ઉમરે 30થી 40 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરાયો હતો. વિસ્ફોટને શક્તિશાળી બનાવવા એમોનિયમ નાઇટ્રેટ સાથે અન્ય કેટલાક વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ થયાની પણ આશંકા છે. તેણે એકલાએ વિસ્ફોટક તૈયાર કર્યા કે કોઇએ તેની મદદ કરી હતી એ જાણવા તપાસ એજન્સીઓએ આખા વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો છે. તપાસ એજન્સીઓએ દિલ્હી-એનસીઆર અને હરિયાણાના અંદાજે 5,000 સીસીટીવી કેમેરાની મદદથી તેનો રૂટ જાણી લીધો છે.઼


