ભારતમાં આપનું સ્વાગત છે...

ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે આકાશ ખુલ્લું મૂકતું ભારત

Tuesday 29th March 2022 17:19 EDT
 
 

મુંબઇઃ કોરોના મહામારીના કારણે ખોરંભે પડેલા ભારતીય પર્યટન ઉદ્યોગમાં બે વર્ષના લાંબા અરસા બાદ ખુશાલીનું પુનરાગમન થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. યાત્રા-પ્રવાસ પરથી પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે, અને રવિવારથી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા પણ શરૂ થઇ છે. વિદેશી પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખુલી ગયા છે. ટુરિઝમ સેક્ટર સાથે જોડાયેલી તમામ સેવાઓ અતિથિ દેવો ભવઃના સૂત્ર સાથે પર્યટકોને આવકારવા તત્પર છે. પર્યટન સ્થળો મહેમાનોની રાહ જોઇ રહ્યા છે. કેરળથી જમ્મુ-કાશ્મીર સુધી અને હિમાચલ-ઉત્તરાખંડથી મહારાષ્ટ્ર-ગુજરાત સુધીના પર્યટન વિભાગોએ સહેલાણીઓને આકર્ષવા માટે કમર કસી છે. હોટેલ-રેસ્ટોરાં, ટૂર ઓપરેટર, ગાઇડ, હવાઇ સેવા - લક્ઝરી બસ - કેબ સર્વીસ આપનારા પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે.
40 દેશો માટે 66 એરલાઇન્સની ફ્લાઇટ્સ
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રવિવારથી શરૂ થઈ ગઇ છે. 40 દેશો માટે 6 ભારતીય અને 60 વિદેશી એરલાઈન્સ એમ કુલ 66 કંપનીઓ ફ્લાઈટ ઓપરેટ કરશે. ભારતમાંથી સાપ્તાહિક 3,249 ફ્લાઈટ્સ ઉડાન ભરશે, પરંતુ તેમાંથી ચીન માટે એક પણ ફ્લાઈટ નથી.
બુકીંગ અને ઇન્કવાયરીમાં ઉછાળો
એરપોર્ટ ઓથોરિટીએ વિમાનમાં બેઠકો ખાલી રાખવાના અને પીપીઇ કિટ પહેરવા જેવા તમામ પ્રતિબંધો હટાવ્યા છે. માત્ર માસ્ક પહેરવું જરૂરી છે. સ્થાનિક અને ઘણી વિદેશી કંપનીઓ નિયમિત ફ્લાઇટ શરૂ કરવા કેટલાય સમયથી સજ્જ હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે આકાશ ખુલ્લું મૂકવાની સરકારની જાહેરાત બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બુકિંગમાં 30 ટકા અને પૂછપરછમાં 170 ટકાનો વધારો થયો છે.
પડોશી દેશ પહેલી પસંદ
EasyMyTripના પ્રેસીડેન્ટ હિમાંક ત્રિપાઠીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગમાં V-આકારની રિકવરીની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, અમારા પ્લેટફોર્મ પર ટિકિટના એડવાન્સ બુકિંગમાં 40થી 50%નો વધારો થયો છે. મેકમાયટ્રિપના સીઇઓ વિપુલ પ્રકાશે જણાવ્યું હતું કે 96 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉનાળાની રજાઓ માટે સર્ચ કરવામાં આવી રહી છે. ભારતીય લોકો દુબઈ, થાઈલેન્ડ, માલદીવ, શ્રીલંકા, લંડન અને પેરિસ જેવા સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે.
થોમસ કૂક (ભારત)નાં પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ કાલેએ જણાવ્યું કે એપ્રિલ અને જૂન વચ્ચે ઉનાળાના વેકેશનનું બુકિંગ 25થી 35 ટકા વધારે છે. આ ઉપરાંત પૂછપરછ પણ 170 ટકા વધી છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને ડેસ્ટિનેશન બુકિંગ પશ્ચિમ યુરોપ, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રિયા, ઇટાલી તેમજ યુકે, યુએસએ માટે કરવામાં આવી રહી છે.
ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સના મહારાષ્ટ્ર, દાદરા, નગર હવેલી અને દમણ પ્રદેશના અધ્યક્ષ જિતેન્દ્ર કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકોએ આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને એક્ઝીબિશન યાત્રા કરવાનું શરૂ કર્યું છે. મધ્ય પૂર્વમાં, લોકો આરટી-પીસીઆર ટેસ્ટ અને એક દિવસ ક્વોરેન્ટાઇનની જરૂરિયાતને કારણે ત્યાં જવાનું ટાળી રહ્યા છે.
ઘણા દેશોની કંપનીઓએ ફરી ફ્લાઇટ શરૂ કરી દીધી છે તો કેટલીક એરલાઇન પહેલી એપ્રિલ કે પહેલી જૂનથી ફ્લાઇટ શરૂ કરી રહી છે. એમિરેટ્સ પહેલી એપ્રિલથી દુબઈથી ભારતની સાપ્તાહિક 170 ફ્લાઈટ્સ ફરી શરૂ કરશે. જ્યારે બ્રિટિશ વર્જિન એટલાન્ટિકે પહેલી જૂનથી લંડન-દિલ્હીને જોડતી બીજી ડેઇલી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જ રીતે થાઈ એરવેઝે પણ ઉનાળામાં ભારત માટે 35 સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકન એરલાઇન્સ વર્ષના અંતમાં સિએટલ-બેંગલુરુ ફ્લાઇટ્સ શરૂ કરશે. જ્યારે ફિનએર 3 નવી સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરશે. જર્મનીની લુફ્થાન્સાએ 29 એપ્રિલથી અઠવાડિયામાં ચેન્નાઈ-ફ્રેન્કફર્ટની 3 ફ્લાઈટ શરૂ કરી છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ને એવી અપેક્ષા છે કે 60 થી વધુ શહેરો માટે કનેક્ટિવિટી શરૂ થશે.
દેશના સૌથી વ્યસ્ત દિલ્હી એરપોર્ટ પરથી હવાઈ ટ્રાફિકની અવરજવર આ ઉનાળામાં દરરોજ 165થી વધીને 300 ટકા થઈ શકે છે.

ભારતની જીડીપીમાં ટ્રાવેલ-ટૂરિઝમનું 6.8 ટકા યોગદાન
ઉલ્લેખનીય છે કે ભારતની જીડીપીમાં ટ્રાવેલ-ટૂરિઝમનું યોગદાન 6.8 ટકા છે. ભારત સરકારના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં ટૂર-ટ્રાવેલ સેક્ટરમાં 2.15 કરોડ લોકો બેરોજગાર થયા છે. સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં કોવિડની પહેલી લહેરમાં 1.45 કરોડ બીજી લહેરમાં 52 લાખ અને ત્રીજી લહેરમાં 18 લાખ લોકોએ રોજગારી ગુમાવી છે. પર્યટન ઉદ્યોગથી દુનિયામાં 33 કરોડ લોકોની રોજીરોટી ચાલે છે. યુનાઇટેડ નેશન્સના વિશ્વ પર્યટન સંગઠનના મતે પ્રવાસ પર પ્રતિબંધના કારણે 2021માં વૈશ્વિક અર્થતંત્રને 150 લાખ કરોડ રૂપિયાથી વધુનો આર્થિક ફટકો પડ્યો છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઇ છે અને પ્રવાસ-પર્યટન પરના નિયંત્રણો દૂર થયા છે તેવા સંજોગોમાં જો અપેક્ષા પ્રમાણે સહેલાણીઓ દેશમાં આવ્યા તો મોટી સંખ્યામાં રોજગારીની તકો સર્જાશે. આર્થિક નિષ્ણાતો કહે છે કે કોરોનાએ મારેલા આર્થિક ફટકાની કળ વળતાં દોઢથી બે વર્ષ લાગી શકે છે. નુકસાનની ભરપાઇ અને નાણાંકીય તંગીમાંથી બહાર નીકળ્યા વગર પર્યટન ઉદ્યોગ ખીલવાનો નથી તે હકીકત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter