ભારતમાં સજાતીય સંબંધો કાયદેસર

Wednesday 12th September 2018 06:39 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદામાં બે પુખ્તો વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ઠરાવ્યા છે. એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર) સમુદાયની લાંબા સમયથી પડતર માગણી સ્વીકારતાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે ઇંડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ ૩૭૭ની જોગવાઇઓને આંશિક રીતે રદ કરી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરિમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ ચાર અલગ-અલગ, પરંતુ એકસમાન ચુકાદા આપ્યા હતા. ચીફ જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે સંયુક્ત ચુકાદામાં જણાવ્યું હતું કે, હોમોસેક્સ્યુઅલ, હિટરોસેક્સ્યુઅલ, લેસ્બિયન અને અન્ય સેક્સ્યુઅલ માઇનોરિટી સમુદાયોમાં સંમતિથી બંધાતા શારીરિક સંબંધોને આઇપીસી કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે નહીં. જોકે આની સાથોસાથ તેમણે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સગીર સાથે બંધાતા સજાતીય સંબંધ તેમજ પ્રાણી સાથે થતા સમાગમ કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે.
સુરેશ કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશન કેસમાં વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ઊલટાવી નાખતાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, સ્વ-અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૃત્યુ સમાન છે. કલમ ૩૭૭ ગેરવ્યાજબી, અસંરક્ષિત અને પક્ષપાતી છે. એલજીબીટી સમુદાયનાં લોકો ભારતના નાગરિકને મળતા અધિકાર ધરાવે છે.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સામાજિક નૈતિકતા બંધારણીય નૈતિકતા પર હાવી થઇ નાગરિકના મૂળભૂત અધિકારોને છિનવી શકે નહીં. શરીરની જરૂરિયાત જૈવિક લક્ષણ છે. કોઇ વ્યક્તિ પ્રત્યે થતા આકર્ષણને કોઇ અટકાવી શકતું નથી. તેના પર પ્રતિબંધ લાદવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે.

સામાજિક નૈતિકતાના નામે નૈતિકતાનો બલિ નહીં

સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. મતલબ કે હવે સજાતીય લોકો વચ્ચે લગ્ન કાનૂની રીતે શક્ય બની શકશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમના અને જસ્ટિસ એ. એમ. ખાનવિલકર તરફથી લખાયેલો ૧૬૬ પેજનો ચુકાદાનો મુખ્ય ભાગ વાંચતાં કહ્યું કે એલજીબીટી સમુદાયના લોકોમાં પણ સામાન્ય નાગરિકોની જેમ જ સમાનતા છે. નૈતિકતાનું સામાજિક નૈતિકતાના આધાર પર બલિદાન ન આપી શકાય. આપણા દેશમાં માત્રને માત્ર બંધારણીય નૈતકિતાને જ સ્થાન છે, સામાજિક નૈતિકતાને કોઈ સ્થાન નથી.
ચુકાદો સાંભળતી વખતે કોર્ટમાં હાજર એલજીબીટી સમુદાયના લોકોની આંખો ભીની થઈ ગઈ. તેઓ કોર્ટરૂમમાંથી બહાર નીકળતી વખતે ખુશીથી ઝૂમી ઊઠ્યા. કેટલાકે તો જાહેરમાં એકબીજાને ચૂમવાનું અને ભેટવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ પહેલેથી સાથે લાવેલાં સપ્તરંગી કપડાં પહેરીને ઓળખ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમલૈંગિકતાના આ મુદ્દે આઇઆઇટીના ૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પણ અરજી કરી હતી. અનેક સ્વયંસેવક સંગઠન પણ કોર્ટ પહોંચ્યા હતા. ચુકાદા બાદ આઇઆઇટી-મુંબઈના વિદ્યાર્થી કૃષ્ણાએ જણાવ્યું કે મારી આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા છે. આટલો આનંદ મને આઇઆઇટીમાં એડમિશન વેળા પણ નહોતો થયો, જેટલો આજે થઇ રહ્યો છે. હવે અમે કોઈ પણ પ્રકારના ભય કે તણાવ વિના જીવી શકીશું. અરજદાર વકીલ આનંદ ગ્રોવરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેમાં મીડિયાએ પણ ઘણો સહયોગ કર્યો હતો.

...છતાં સરકાર સમલૈંગિક લગ્નોનો વિરોધ કરશે

સુપ્રીમ કોર્ટે ભલે કલમ ૩૭૭ રદ કરીને સમલૈંગિક સંબંધોને ગુનો નહીં ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો સરકાર સમલૈંગિક લગ્નનો વિરોધ કરશે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળે છે.
બીજી તરફ, સમલૈંગિક સંબંધોને ગુનો નહીં ગણવાની કાનૂની લડાઈમાં વિજય થયા પછી ભારતમાં લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુલ, ટ્રાન્સજેન્ડર સમુદાયે હવે સરકાર સામે સમલૈંગિક લગ્નો, મિલકતના વારસાઈ હકો, વીમા કવચમાં હિસ્સો જેવા મુદ્દાઓ પર સરકાર સામે લડવાનો નિર્ધાર જાહેર કર્યો છે.
ભારત સરકારે કલમ ૩૭૭ અંગેનો ચુકાદો આપવાનું ભલે સુપ્રીમ કોર્ટ પર છોડયું હોય પણ સમલૈંગિક લગ્નોની કોઈ પણ દરખાસ્ત કે અરજીનો તે કોર્ટમાં વિરોધ કરશે. સરકારી અધિકારીએ કહ્યું હતું કે, સમલૈંગિક સંબંધોના ચુકાદાને સરકારે ભલે સ્વીકાર્યો પણ સમલૈંગિક લગ્નોને કાયદેસરતા આપીને માન્ય રાખવાની દરખાસ્તને સરકાર કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર નથી.

સંપૂર્ણ મૂળભૂત અધિકારનું પહેલું કદમ

• યુનાઇટેડ નેશન્સ (યુએન)એ જણાવ્યું હતું કે, એલજીબીટી સમુદાયને સંપૂર્ણ મૂળભૂત અધિકારોની દિશાનું આ પહેલું કદમ છે. એલજીબીટી સાથે થતાં પક્ષપાત, હિંસા અને અત્યાચાર માનવઅધિકારનું ઉલ્લંઘન છે. અમને આશા છે કે આ ચુકાદાથી એલજીબીટીની સમસ્યાઓ નાબૂદ થશે. જ્યારે
• એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો સમાનતા અને ન્યાય માટે લડતાં લોકો માટે આશા સમાન છે. ભારતમાં કરોડો લોકો માટે સમાનતાના નવા યુગનો પ્રારંભ થયો છે. આ ચુકાદાએ ભારતના ઇતિહાસનાં કાળા પ્રકરણને બંધ કર્યું છે.
• બોલિવૂડના સિતારાઓએ પણ ચુકાદાને આવકાર્યો હતો. કરણ જોહરે જણાવ્યું હતું કે, ઐતિહાસિક ચુકાદાથી ગૌરવ અનુભવી રહ્યો છું. દેશને ઓક્સિજન પાછો મળ્યો છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે જણાવ્યું હતું કે, અરજકર્તાઓના પ્રયાસોને કારણે ભારત દેશ હવે તમામ લોકો માટે મુક્ત સ્થળ બન્યો છે. ફરહાન અખ્તરે ટ્વિટમાં લખ્યું હતું કે, બાય બાય ૩૭૭.

સજાતીય સંબંધોને ૨૬ દેશોમાં સ્વીકૃતિ, નેધરલેન્ડ પ્રથમ

વર્ષ ૨૦૦૦માં નેધરલેન્ડ સજાતીય સંબંધોને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો હતો. અત્યાર સુધીમાં ૨૬થી વધુ દેશો સજાતીય સંબંધોને માન્યતા આપી ચૂક્યા છે. અગાઉ બ્રિટનના શાસન તળે રહેલા ૪૨ દેશોમાં કલમ ૩૭૭ લાગુ છે, પણ સૌપ્રથમ ૧૮૬૧માં તે ભારતમાં લાગુ કરાઈ હતી.
હજારો વર્ષ જૂની સંસ્કૃતિમાં માન્યતા
• રોમન શાસક હાદ્રિયાન અને તેમના પ્રેમી એન્ટિન્યોસના સંબંધોને દર્શાવતું ૧૧ હજાર વર્ષ જૂનું આર્ટવર્ક છે. તે ઇઝરાયલના જુડેન રેગિસ્તાનમાંથી મળ્યું હતું. સદીઓ પૂર્વે ઘણા વિચારક, ચિંતક, લેખક અને રાજકીય કાર્યકરો પોતાને ગે ગણાવતા હતા.
• મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં સજાતીય સંબંધોને માન્યતા મળી હતી. પ્રાચીન યુનાનમાં સજાતીય સંબંધોને કળા, બૌદ્ધિકતા અને નૈતિક ગુણ તરીકે જોવાતા હતા.
• જર્મનીના મૈગનસ હર્શફિલ્ડે ૧૯૧૪માં આ વિષય પર ‘ફીઅર હોમોસેક્સ્યુઅલિટી’ પુસ્તક લખ્યું, જે સજાતીય સંબંધોનો એન્સાઇક્લોપીડિયા ગણાતો હતો.

ભારતમાં કલમ ૩૭૭ વિરુદ્ધ જંગ છેડનારા...

એનજીઓઃ એડ્સ ભેદભાવ વિરોધી (અભાવ) આંદોલન સૌથી પહેલા ૧૯૯૨માં આ કેસ કોર્ટમાં લઈ ગયું.
નવતેજ સિંહ જોહરઃ પ્રસિદ્ધ ડાન્સર છે. સંગીત નાટક એકેડમી પુરસ્કાર મળ્યો છે. પાર્ટનર સાથે સુપ્રીમ કોર્ટ ગયા.
સુનીલ મેહરા (૬૩)ઃ વ્યવસાયે પત્રકાર છે. પાર્ટનર નવતેજ સિંહ સાથે સ્ટુડિયોની સ્થાપના કરી છે.
ઋતુ દાલમિયા (૪૫)ઃ કોલકાતાના મારવાડી પરિવારમાંથી આવતાં સેલિબ્રિટી શેફ છે. રેસ્ટોરન્ટ ચેઇન દીવાનાં માલિક.
અમન નાથઃ નીમરાણા હોટલ ચેઇનના માલિક છે. ઇતિહાસકાર અને આર્કિટેક્ચર છે. ૧૩ પુસ્તકો લખ્યા છે.
આયશા કપૂર (૨૩)ઃ એક્ટર અને બિઝનેસ વૂમન. ફિલ્મ ‘બ્લેક’માં રાણી મુખર્જીનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter