ભારતીય અર્થતંત્રને ઇકોબૂસ્ટ વેક્સિનનો ડબલ ડોઝ

Wednesday 03rd February 2021 03:40 EST
 
 

નવી દિલ્હીઃ સદીની સૌથી મોટી મહામારી સામે લડી રહેલા ભારતે હવે આર્થિક વિકાસની સાથોસાથ આરોગ્ય સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરતાં આરોગ્ય ક્ષેત્રે રૂ. ૨,૨૩,૮૪૬ કરોડની તોતિંગ ફાળવણી કરી છે, જે ગત બજેટ (રૂ. ૯૪,૪૫૨ કરોડ) કરતાં ૧૩૭ ટકા વધુ છે. આ જ બજેટમાં સરકારી ખર્ચ અને ખાનગીકરણને પણ વિશેષ પ્રાધાન્ય અપાયું છે. આર્થિક નિષ્ણાતોના મતે, કોરોનાના કપરા કાળમાં રજૂ થયેલું આ બજેટ ભારતીય અર્થતંત્ર માટે ખરા અર્થમાં ઇમ્યુનિટી બૂસ્ટર સમાન સાબિત થશે, એટલું જ નહીં અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ લઇ જશે.
સોમવારે રજૂ થયેલા મોદી સરકારના આ બજેટમાં ખર્ચ અને બચતનું સંતુલન જોવા મળે છે. આરોગ્ય પર ફોકસ અને અર્થતંત્રમાં રોકાણ વધારવાના ઉપાય છે, પરંતુ મધ્યમ વર્ગને કોઈ રાહત મળી નથી. અલબત્ત, અર્થતંત્રના મુશ્કેલ સમયમાં પણ કોઈ નવો ટેક્સ ન લાદવો તે સામાન્ય કરદાતા માટે મોટી રાહત જેવું જ ગણી શકાય.

આરોગ્ય સાથે આત્મનિર્ભર ભારત

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં કહ્યું કે, આરોગ્ય અને વેલબીઇંગનું બજેટ રૂ. ૨,૨૩,૮૪૬ કરોડ હશે. આરોગ્ય સેક્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાઇ છે. જેની પાછળ છ વર્ષમાં ૬૪,૧૮૦ કરોડ ખર્ચાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું બજેટ વધારીને રૂ. ૭૧,૨૬૯ કરોડ કરાયું છે. કોરોના વેક્સિનેશન માટે રૂ. ૩૫,૦૦૦ કરોડની જંગી જોગવાઇ કરાઇ છે.
આરોગ્યની સાથે જ સરકારે ‘આત્મનિર્ભર ભારત’ થીમને વધુ મજબૂત કરી છે. અર્થતંત્રને બૂસ્ટ આપવા વીમા કંપનીઓમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)ની મર્યાદા ૭૪ ટકા કરવાની જાહેરાત થઈ છે, જ્યારે વધુ બે સરકારી બેન્કોના વિલિનીકરણની જાહેરાત પણ નાણા પ્રધાને કરી છે. સરકારે કૃષિ ક્ષેત્ર માટે ખાસ આકર્ષક જાહેરાત કરી નથી, પરંતુ કૃષિ માળખાને મજબૂત કરવા નવા સેસની જાહેરાત કરી છે. ગામડામાં માળખાગત ક્ષેત્ર માટે રૂ. ૪૦ હજાર કરોડ ફાળવ્યા છે.
કોરોના સામેના જંગમાં સમયસર યોગ્ય પગલાં લેવાયાનો ઉલ્લેખ કરતાં નાણા પ્રધાને કહ્યું હતું, આત્મનિર્ભર ભારતના છ મુખ્ય સ્તંભમાં આરોગ્ય અને સારસંભાળ મુખ્ય છે. આરોગ્ય માળખામાં રોકાણ વધારાયું છે. બજેટથી ૭૦ હજાર ગામોના વેલનેસ સેન્ટરને મદદ મળશે. પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના માટે ફાળવાયેલા રૂ. ૬૪,૧૮૦ કરોડ રૂપિયાનું બજેટ રાષ્ટ્રીય આરોગ્ય મિશનથી વધારાનું હશે. નિષ્ણાતોના મતે આનાથી લોકોની ચિકિત્સા સેવા સુધી પહોંચ સરળ બનશે.

કરવેરા લાદીને નહીં, મજબૂત અર્થતંત્ર દ્વારા આવક

નિર્મલા સીતારમણે સોમવારે સવારે ૨૦૨૧-૨૨ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં પ્રારંભે જ દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦૦ વર્ષમાં ન આવ્યું હોય તે પ્રકારનું આ બજેટ રહેશે. તેમણે આવકવેરા સ્લેબમાં કોઇ ફેરફાર કર્યાં નહોતા.

ફક્ત ૭૫ વર્ષ અને તેની ઉપરના ફક્ત પેન્શન અને વ્યાજની આવક ધરાવતા સીનિયર સિટિઝનને આઇટી રિટર્ન ફાઇલ કરવામાંથી શરતી મુક્તિ આપી છે. સાથે સાથે જ તેમણે સંકેત આપ્યો હતો કે, જનતા ઉપર કરવેરા લાદીને નહીં પરંતુ મજબૂત અર્થતંત્ર દ્વારા આવક ઊભી કરાશે. મધ્યમ અને પગારદાર વર્ગને સરકારના વિકાસલક્ષી બજેટમાં ભલે નવી રાહત ન મળી હોય પરંતુ શેરબજારોએ ધમધમાટ સાથે તેને વધાવી લીધું હતું.

પ્રાઇવેટાઇઝેશન અને ડિસઇન્વેસ્ટમેન્ટ પર સરકારની નજર

આત્મનિર્ભરતા માટે સરકારે દેશમાં ખાનગીકરણ (પ્રાઇવેટાઇઝેશન) અને વિનિવેશ (ડિસઇન્વેસ્ટમેન્ટ) પર આધાર રાખવાનું નક્કી કર્યું છે. ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં પબ્લિક સેક્ટરની કંપનીઓ અને ફાઇનાન્શિલ સંસ્થાઓમાંથી પોતાના હિસ્સાનું વેચાણ કરી રૂપિયા ૧.૭૫ લાખ કરોડ ઊભા કરવાનું લક્ષ્યાંક રાખતાં પ્રસ્તાવ રજૂ કર્યા છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર વિનિવેશ દ્વારા વિવિધ સામાજિક ક્ષેત્ર અને વિકાસ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માગે છે.
તેમણે જણાવ્યું હતું કે ચાર વ્યૂહાત્મક સેકટરને બાદ કરતા અન્ય સેકટરોની જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ડિસઇન્વેસમેન્ટ કરાશે. આઇડીબીઆઈ બેન્ક, બીપીસીએલ, શિપિંગ કોર્પોરેશન, કન્ટેનર, કોર્પોરેશન, નિલાંચલ ઇસ્પાત વગેરેમાંથી સરાકરી હિસ્સો વેચવાની કામગીરી ૨૦૨૧-૨૨ના વર્ષમાં પૂરી કરી લેવાશે. તે ઉપરાંત વ્યૂહાત્મક વિનિવેશ માટે બીજી કંપનીઓની યાદી તૈયાર કરવા નીતિ આયોગને સૂચના અપાઈ છે.
સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચવાની મોટી જાહેરાતો કરી રહી છે. પરંતુ સરકારી કંપનીઓમાં હિસ્સો ખરીદવા માટે કોઈ આગળ આવી રહ્યું નથી. કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી એર ઇન્ડિયાને વેચવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનો લેવાલ હજુ મળી રહ્યો નથી. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી સરાકરી હિસ્સાના વેચાણ અને પ્રાઇવેટાઇઝેશન દ્વારા રૂપિયા ૨.૧ લાખ કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ સરકારને વિનિવેશ દ્વારા ફક્ત રૂપિયા ૧૯,૪૯૯ જ આવક થઈ હતી. આમ સરકાર માટે વિનિવેશની પ્રક્રિયા મુશ્કેલ બની રહેવાની સંભાવના છે.

આત્મનિર્ભરતાનું વિઝન: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કેન્દ્રીય બજેટને વધાવી લેતાં જણાવ્યું હતું કે, અસાધારણ સંજોગોમાં કેન્દ્રીય બજેટ રજૂ કરાયું છે. આજનું બજેટ ભારત અને વિશ્વના આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન છે અને સમાજના દરેક વર્ગને આવરી લે છે. આપણે વિકાસ માટે નવી તકો વિસ્તારવા, યુવાનો માટે નવી તકોનું સર્જન કરવા, માનવ સંસાધનોની નવી ઉંચાઇઓને આંબવા, ઇન્ફ્રાસ્ચટ્રક્ચર માટે નવા પ્રદેશો વિકસાવવા અને નવા સુધારા તથા ટેકનોલોજીની દિશામાં નવી પહેલ કરી છે.

પહેલી વખત ડિજીટલ બજેટ

સંસદમાં બજેટ રજૂ કરવાની પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. કેન્દ્ર સરકારના આ વખતના સામાન્ય બજેટને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વધુ ડિજિટલ બનાવી દીધું છે. તેઓએ પહેલી વખત બજેટ ટેબલેટની મદદથી રજુ કર્યું હતું. તેમણે બજેટનું ભાષણ આ નાના ટેબલેટમાંથી વાંચી સંભળાવ્યું હતું. સાથે જ જે ટેબલેટનો ઉપયોગ કરાયો તે મેડ ઈન ઇન્ડિયા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. નાણા પ્રધાને કહ્યું હતું કે આ વખતના બજેટને મોબાઈલ એપ્લિકેશનથી પણ રજૂ કરવામાં આવ્યું છે, આ માટે વિશેષ યુનિયન બજેટ નામની એપ્લિકેશન પણ લોંચ કરાઇ છે, જેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. પહેલી વખત એવુ બન્યું કે બજેટ માટે સરકારે મોબાઈલ એપ્લિકશન પણ લોંચ કરી હતી. જે હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. સાથે જ પહેલી વખતે વસતી ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરાશે.

૪૮ વખત ‘ટેક્સ’નો ઉલ્લેખ

નાણા પ્રધાને ટેબલેટની મદદથી જે બજેટ રજુ કર્યું તેમાં તેઓએ ૪૮ વખત ટેક્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે આમ નાગરિકોને ટેક્સમાં કોઈ જ રાહત નહોતી આપી. ૨૦૧૯ બાદ નાણા પ્રધાને ત્રીજી વખત બજેટ રજૂ કર્યું હતું. જોકે આ વખતે તેમનું ભાષણ અગાઉ કરતા ટુંકુ રહ્યું છે. તેમણે એક કલાક અને ૪૮ મિનિટમાં બજેટ રજૂ કરી દીધું હતું. ભાષણમાં આ વખતે સૌથી વધુ ટેક્સ શબ્દનો ઉપયોગ કરાયો, ૪૮ વખત ટેક્સ, ૨૯ વખત ઈન્ફ્રાસ્ટ્રકચર, ૨૮ વખત પરિવહન, ૨૫ વખત સ્વાસ્થ્ય, ૨૧ વખત અર્થવ્યવસ્થા, ૧૬ વખત કોરોના શબ્દનો ઉપયોગ કર્યો હતો. સૌથી ઓછી વખત રોજગારી, ડિજિટલ અને યુવા શબ્દ માત્ર સાત વખત ઉપયોગમાં લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter