ભારતીય ડાયસ્પોરાની સામૂહિક તાકાત અને ક્ષમતા રાષ્ટ્રવિકાસમાં વૃદ્ધિનું પરિબળ બની રહેશે

17મા પ્રવાસી ભારતીય સમ્માન અધિવેશનમાં 27 ભારતવંશીઓને સન્માનતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Thursday 12th January 2023 04:24 EST
 
 

ઈન્દોરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 10 જાન્યુઆરી 2023ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય સમ્માન દિવસના અધિવેશનના સમાપન સત્રમાં ઉપસ્થિત રહી પ્રવચન કરવા સાથે પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ્સ એનાયત કર્યાં હતાં. ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજે ભારતીય ડાયસ્પોરા ગ્લોબલ સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ તાકાત બની રહ્યા છે. તેઓ દરેક ક્ષેત્ર-પ્રદેશમાં ઊર્જાપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ કોમ્યુનિટી તરીકે આગળ આવેલ છે અને નેતૃત્ત્વના હોદ્દાઓ પર રહીને વૈશ્વિક બાબતોમાં ઉજ્જવળ યોગદાન આપી રહેલ છે. આપણા ડાયસ્પોરાએ અભૂતપૂર્વ સમર્પણ અને પરિશ્રમનું પ્રદર્શન કર્યું છે તેમજ અનેક પડકારોનો સામનો કરીને કળા, સાહિત્ય, પોલિટિક્સ, સ્પોર્ટ્સ, બિઝનેસ, એકેડેમિક્સ, પરોપકાર સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં સર્વોપરિતા સિદ્ધ કરી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ગત બે દાયકાઓ દરમિયાન પ્રવાસી ભારતીય સમ્માન દિવસ કન્વેન્શને સરકાર, ભારતની પ્રજા અને ડાયસ્પોરા વચ્ચે ફળદાયી સંપર્ક સ્થાપિત કરવાના વિશિષ્ટ મંચ તરીકે સેવા બજાવી છે. પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ્સ ડાયસ્પોરાના સભ્યો દ્વારા ભારત અને તેમના વતન રાષ્ટ્રોમાં તેમના યોગદાનની કદર કરવાના દેશના સર્વોચ્ચ પ્રતીક બની રહ્યા છે. આ એવોર્ડ્સ એટલા માટે નોંધપાત્ર છે કે પ્રવાસીઓની સિદ્ધિઓની આપણી કદર અને સ્વીકૃતિ દર્શાવે છે એટલું જ નહિ, વિશ્વમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ઊંચે લહેરાવી રાખવાના તેમના સંકલ્પમાં આપણા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રવાસી ભારતીય સમ્માન દિવસના અધિવેશનના કેન્દ્રવિષય-થીમ ‘ડાયસ્પોરા- અમૃત કાલમાં ભારતની પ્રગતિમાં વિશ્વસનીય ભાગીદારો’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ વિષય રાષ્ટ્રીય વિકાસકીય લક્ષ્યો હાંસલ કરવામાં ડાયસ્પોરાને ભાગીદાર બનાવવાની ભારતની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે. તેમણે કહ્યું હતું કે ભારત આપણી સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે ત્યારે 2047 સુધીમાં આગામી 25 વર્ષમાં આત્મનિર્ભર વિશ્વનેતા તરીકે રુપાંતરિત કરવાની સામૂહિક સખત પરિશ્રમ, બલિદાન અને સર્વગ્રાહી વિકાસની મહત્ત્વાકાંક્ષી યાત્રામાં આગળ વધશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડાયસ્પોરાની સામૂહિક તાકાત અને ગર્ભિત ક્ષમતા રાષ્ટ્રના સમાવેશી વિકાસમાં અનેકગણી વૃદ્ધિનું પરિબળ બની રહેશે.
તેમણે ડાયસ્પોરા પરિવારના પ્રત્યેક સભ્યને આ વિકાસયાત્રામાં સંપૂર્ણ ભાગીદાર બનવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની આપણી કલ્પનાને પરિપૂર્ણ કરવાની આપણી ક્ષમતાઓને વધારવા તેઓ પોતાની ઊર્જા, વિચારો, કુશળતા, ઈન્વેસ્ટમેન્ટ્સ, કૌશલ્ય અને જ્ઞાનમાં સહભાગીતા સાથે યોગદાન આપી શકે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે માતૃભૂમિની હાકલ એવી બાબત છે જે સમય અને અંતરના અવરોધોને પાર કરી જાય છે. ભારતીય ડાયસ્પોરાએ વિશ્વના વિવિધ પ્રદેશોમાં તેમની અપનાવેલી કર્મભૂમિમાં સમૃદ્ધ અને ઉત્પાદક જીવનનું નિર્માણ કર્યું છે ત્યારે તેઓ આપણા વિસ્તૃત પરિવારના સભ્યો તરીકે જ નહિ પરંતુ, ભારતના વિકાસમાં જવાબદાર હિસ્સેદારો તરીકે પણ આપણા હૃદયમાં હંમેશાં વિશિષ્ટ સ્થાન ધરાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter