ભારતીય સંશોધકોની સિદ્ધિઃ કોરોનાની અસરકારક દવા વિકસાવી

Tuesday 11th May 2021 15:32 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર સુધારો જોવા મળી રહ્યો છે. એક તરફ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ, રસીકરણ ઝૂંબેશ વેગવંતી બની રહી છે.

કોરોનાથી ત્રસ્ત પ્રજાજનો માટે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર દિવસરાત એક કરી રહ્યું છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનનું ઘરઆંગણે જ ઉત્પાદન કરી રહેલા ભારતમાં હવે રશિયાની સ્પુતનિક-વીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. આ માહોલ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે.
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ દેશની ટોચની સંરક્ષણ સંશોધન સંસ્થા ડિફેન્સ રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા વિકસાવાયેલી કોરોનાની દવાને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. સંપૂર્ણપણે ભારતમાં વિકસિત અને ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રણેય તબક્કામાં સફળ નીવડેલી આ દવાને ટુ ડીજી (ટુ ડીઓક્સિ-ડીગ્લુકોઝ) નામ અપાયું છે. તેના ઉત્પાદનની જવાબદારી હૈદરાબાદની ડો. રેડ્ડી લેબોરેટરીઝને સોંપાઇ છે. આ દવાની વિશેષતા એ છે કે તે કોરોનાને નાથવાની સાથોસાથ વધારાના ઓક્સિજનની જરૂરત પણ ઘટાડે છે.
ડીઆરડીઓની ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સ લેબોરેટરી દ્વારા વિકસિત આ દવાની ટ્રાયલ એપ્રિલ ૨૦૨૦માં ચાલુ કરાઇ હતી. પ્રથમ ટ્રાયલ માત્ર કોરોના વાઇરસ ઉપર કરાઇ હતી. તેમાં દવાએ વાઇરસનો વિકાસ રોકી દીધો હતો. બીજા તબક્કાની ટ્રાયલમાં મે ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૦ દરમિયાન છ હોસ્પિટલોના કોરોનાના દર્દીઓ ઉપર તેના પ્રયોગ કરાયો હતો. તેમાં પણ દર્દીઓ કોરોના સામે અસરકારક લડત આપીને વહેલા સાજા થતા જોવા મળ્યા હતા. દવાના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં સાબિત થયું કે આ દવા હોસ્પિટલમાં દાખલ અને ઓક્સિજનના સહારે મુકાયેલા દર્દીઓને પણ ઝડપથી સાજા કરી શકે છે. આ દવા સેચેટમાં પાઉડર સ્વરૂપે આવે છે અને તેને પાણીમાં ઘોળીને પીવડાવવામાં આવે છે. આમ વેક્સિનની સરખામણીએ તેને સ્ટોરેજ કરવાનું પણ આસાન છે.

આ દવા કેવી રીતે કામ કરે છે તે જણાવતા નિષ્ણાતો કહે છે કે ટુ-ડીજી નામની આ દવા શરીરમાં આવતાં જ વાયરસનો ભોગ બનેલા કોષમાં દાખલ થઈ જાય છે. તે વાયરસને ઉર્જા મેળવતો રોકીને તેનો વસ્તીવધારો અટકાવે છે. ડીઆરડીઓનો દાવો છે કે આ દવા માત્ર કોરોના વાયરસનો ભોગ બનેલા કોષમાં જ પ્રવેશે છે. સાજા કોષોને કશું કરતી નથી. હોસ્પિટલ ટ્રાયલ્સમાં આ દવા લેનાર ઓક્સિજન ઉપરના દર્દીઓને ઓક્સિજનની જરૂર ઓછી થઈ ગઈ છે. આમ તે વધારાના ઓક્સિજનનો વપરાશ ઘટાડે છે. રોજ દવાના બે સેચેટ લેનાર દર્દીઓ ત્રીજા જ દિવસે ઓક્સિજનની જરૂર રહી નહોતી. આ દવાથી ૩૦ ટકા દર્દીઓને જ ઓક્સિજનની જરૂર નથી રહેતી. આ દવાની કિંમત હજી જાહેર થઈ નથી, પરંતુ ૫૦૦થી ૬૦૦ રૂપિયા હોઇ શકે.

છ માસમાં બીજી પાંચ વેકિસન
ભારતમાં ઓક્ટોબર સુધીમાં અન્ય પાંચ વેક્સિન મળતી થઈ જશે. જેમાં સ્પુતનિક-V તેમજ બાયોલોજિકલ-ઈના સહયોગથી બનતી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિન, સીરમ ઈન્ડિયાનાં સહયોગથી બનાવાતી નોવાવેક્સની વેક્સિન, ઝાયડસ કેડિલાની વેક્સિન અને ભારત બાયોટેકની ઈન્ટ્રાનસલ વેક્સિનનો સમાવેશ થાય છે.

કઈ વેક્સિન કેટલી અસરકારક?
કોરોનાને નાથવામાં કઇ વેક્સિન કેટલી અસરકારક છે તે જોઇએ તો, • ફાઈઝર – બાયોટેક ૯૫ ટકા • મોડર્ના ૯૪ ટકા • સ્પુતનિક-V ૯૨ ટકા • વાવેક્સ ૮૯ ટકા • ભારત બાયોટેક ૮૧ ટકા • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા ૬૭ ટકા અને • જ્હોન્સન એન્ડ જ્હોન્સન ૬૬ ટકા

વેક્સિનેશનમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપી

લોકોને વેક્સિન આપવાના મામલે ભારત આખા વિશ્વમાં સૌથી ઝડપી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં ફક્ત ૧૧૪ દિવસમાં ૧૭ કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઇ છે. અમેરિકામાં ૧૭ કરોડને વેક્સિન આપતા ૧૧૫ દિવસ લાગ્યા હતા જ્યારે ચીનમાં ૧૧૯ દિવસ લાગ્યા છે. દેશમાં ૯ એપ્રિલ સુધીમાં ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૮થી ૪૪ વર્ષની વય જૂથના ૨,૪૩,૯૫૮ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો હતો. આ વય જૂથના કુલ ૨૦,૨૯,૩૯૫ લોકોને વેક્સિન અપાઇ છે. દેશમાં કુલ ૧૭,૦૧,૫૩,૪૩૨ લોકોને વેક્સિન અપાઈ છે. ૯ એપ્રિલે એક જ દિવસમાં ૬,૭૧,૬૪૬ લોકોને વેક્સિન અપાઇ હતી, જેમાં ૩,૯૭,૨૩૧ લોકોને પહેલો ડોઝ જ્યારે ૨,૭૪,૪૧૫ લોકોને બીજો ડોઝ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter