ભારતીય સુરક્ષા દળોનો બદલો: ૧૨ પાક. રેન્જર્સ ઠાર, બે પોસ્ટ ઊડાવી

Friday 05th January 2018 02:51 EST
 
 

જમ્મુઃ ભારતીય સુરક્ષા દળોએ સરહદ પારથી વિનાકારણ ઉશ્કેરણીજનક ગોળીબાર અને મોર્ટારમારો કરી રહેલી પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ વળતા જવાબરૂપે આક્રમક કાર્યવાહી કરતાં સરહદ પાર આવેલી પાકિસ્તાન આર્મીની બે મોર્ટાર ચોકી ઊડાવી દીધી છે. ભારતે કરેલી આ લશ્કરી કાર્યવાહીમાં ૧૨ પાકિસ્તાની રેન્જર્સ માર્યા ગયા હોવાનું મનાય છે. આ ઉપરાંત જમ્મુ જિલ્લાના આરએસ પુરા સેક્ટરમાંથી ભારતમાં પ્રવેશવા પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે.
પાકિસ્તાની સૈનિકોના ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયાના બીજા જ દિવસે - ગુરુવારે બીએસએફે વળતો પ્રતિકાર કરતાં બે મોર્ટાર ચોકી ઊડાવી દીધી હતી.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને નાનાં શસ્ત્રો વડે વિના ઉશ્કેરણીએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી મોર્ટાર હુમલો કરવામાં આવ્યો હતો. જેના જવાબરૂપે બીએસએફ દ્વારા પાકિસ્તાનની બે મોર્ટાર ચોકીને લક્ષ્યાંક બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બીએસએફના હેડ કોન્સ્ટેબલ આર.પી. હઝારેને પાકિસ્તાની ગોળીબારમાં ગંભીર ઇજા થઇ હતી. બાદમાં તેમને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
બીએસએફે ગુરુવારે કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના માળખા, સોલાર પેનલ અને શસ્ત્રોને નુકસાન થયું હતું. તેમની ચોકીઓને મોટું નુકસાન થયું હોવાનું બીએસએફના જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ રામ અવતારે જણાવ્યું હતું.

અર્નિયા સબ સેક્ટરના બધવાર વિસ્તારમાં એક ઘૂસણખોરને બીએસએફના જવાનોએ ઠાર માર્યો હતો. આરએસ પુરા વિસ્તારમાં સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે બીએસએફના જવાનોએ ઘૂસણખોરને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

‘ઓપરેશન એલર્ટ’

બીએસએફ દ્વારા જમ્મુ-કાશ્મીરના સરહદપારના વિસ્તારમાંથી થતી ત્રાસવાદીઓની ઘૂસણખોરીને નાથવા ૨૦૦ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય અંકુશ હરોળ પર ‘ઓપરેશન એલર્ટ’ હાથ ધરાયું છે. ત્રાસવાદીઓની હિલચાલ વધી રહી હોવાની માહિતી મળતાં સરહદ વિસ્તારમાં ઓપરેશન એલર્ટ જાહેર કરાયું હોવાનું આઇજી રામ અવતારે જણાવ્યું હતું.
બીએસએફએ ગુરુવારે વહેલી પરોઢે અરનિયા સેક્ટરમાં નિકોવાલ સરહદે ચોકી પાસે લગભગ ૩ પાકિસ્તાની જવાનોની શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. તેમને પડકારવામાં આવ્યા છતાં તેઓ નહોતા રોકાયા. તેમને આંતરવા માટે બીએસએફ જવાનોએ કરેલા ગોળીબારમાં એક ઘૂસણખોર ઠાર મરાયો હતો. જ્યારે બાકીના ભાગવામાં સફળ રહ્યા હતા.
આઇજી અવતારે કહ્યું હતું કે માર્યો ગયેલો ઘૂસણખોર પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી હતો. તે ગાઇડ હતો અથવા તો પછી શંકાસ્પદ લોકોનો સહયોગી હતો. ગાઢ ધુમ્મસ વચ્ચે આવનારા દિવસોમાં પણ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થતો રહેશે. તેમણે જણાવ્યું હતું કે બીએસએફ સતર્ક હોવાથી ઘૂસણખોર ઠાર મરાયો હતો. બીએસએફનું ખમીર ઊંચું છે અને રહેશે. તેમણે જણાવ્યું હતું કે સરહદ પર શાંતિ જાળવવા બીએસએફ પ્રયાસ કરે છે, પણ પાકિસ્તાન તરફથી શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દરમિયાન સામ્બા સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં શહીદ હેડ કોન્સ્ટેબલ હઝારેને ગુરુવારે લશ્કરી સન્માન આપીને અંતિમ વિદાય અપાઇ હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી અને જમ્મુ ઝોનના આઇજીપી ડો. એસ. પી. વૈદ અને ડો. એસ. ડી. સિંઘ, આઇજી રામ અવતાર અને બીએસએફના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને જવાન હાજર રહ્યા હતા.

પાક. દ્વારા ૮૮૨ વાર ગોળીબાર

પાકિસ્તાને ૨૦૧૭માં ૮૮૨ વાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય સરહદમાં ગોળીબારો કર્યા હતા. આ ફાયરિંગમાં ૧૮ જવાનો શહીદ થયા છે જ્યારે ૧૨ નાગરિકોનાં મૃત્યુ થયા છે. સરહદ પાસેના અનેક ગામોમાંથી સ્થાનિકોને હિજરતની ફરજ પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter