ઇન્દોરઃ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા મામલે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની જંગમાં હિન્દુ પક્ષનો વિજય થયો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ભોજશાળાનું વિવાદી સ્થળ મસ્જિદ નહીં, પણ મા સરસ્વતીને સમર્પિત મંદિર છે. આ સ્થળ પર કમાલ મૌલા મસ્જિદ હોવાના મુસ્લિમ પક્ષના દાવાને સ્પષ્ટપણે નકારી કઢાયો છે. આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર તથા પુરાતત્વ વિભાગને મંદિરના સંચાલન અને વહીવટ માટે યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ આપ્યા છે.
આ સાથે જ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઇ) દ્વારા 7 એપ્રિલ, 2003ના રોજ અપાયેલો આદેશ પણ રદ ઠરાવ્યો છે. એએસઆઇએ તે વેળા મંદિર-મસ્જિદના વિવાદમાં વચગાળાનું સમાધાન કાઢતા દર શુક્રવારે નમાઝની અને મંગળવારે પૂજાની છૂટ આપી હતી.
હાઇકોર્ટની ઇન્દોર બેચના જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બેન્ચે આ મામલા સાથે સંબંધિત પાંચ અરજીઓ અને એક રિટ પીટિશન પર 6 એપ્રિલથી નિયમિત સુનાવણી શરૂ કરી હતી. તમામ પક્ષોને સાંભળ્યા બાદ અદાલતે ગત 12 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો.
જાહેર હિતની બે અરજી
હિન્દુ સમાજ તરફથી આ કેસમાં જાહેર હિતની બે અરજી થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે, મધ્ય યુગમાં ભોજશાળાનું નિર્માણ કરાયું હતું અને આ સ્થળ દેવી સરસ્વતીને સમર્પિત હતું. જસ્ટિસ શુક્લા અને અવસ્થીની બેન્ચે પુરાતત્વ વિભાગના વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ તથા અન્ય સત્તાવાર દસ્તાવેજોને ટાંકી ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે માળવા પ્રાંતમાં નવમીથી 14મી સદી દરમિયાન શાસન કરનારા પરમાર વંશના રાજા ભોજ સાથે આ મંદિર સંકળાયેલું છે.
મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા મૌલાના કમાલુદ્દીન વેલફેર સોસાયટીને જણાવાયું હતું કે, ધાર જિલ્લામાં મસ્જિદ નિર્માણ કરાવવાની ઈચ્છા હોય તો તેમણે જમીન ફાળવવા સરકારને રજૂઆત કરવી જોઈએ અને સરકારે કાનૂની જોગવાઈ અન્યવે આ બાબતે નિર્ણય લેવો જોઈએ. મુસ્લિમ પક્ષ તરફથી ધારના કાજી વકાર સાદિકે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું એલાન કર્યું છે. બીજી તરફ, હિન્દુ પક્ષકાર જિતેન્દ્ર સિંઘ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરાઇ છે.
વૈજ્ઞાનિક તથ્યોના આધારે ચુકાદો
હાઇકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા એટલે કે એએસઆઇએ 98 દિવસ સુધી કરેલા વૈજ્ઞાનિક સર્વેના આધારે તૈયાર કરેલા પુરાવા આધારિત રિપોર્ટને સાચો માનતા ભોજશાળા પરિસરને હિન્દુ મંદિર સ્વરૂપ ધરાવતું સ્થળ માન્યું છે. એએસઆઇને ભોજશાળા પરિસરમાં સર્વે દરમિયાન દીવાલો અને સ્તંભો પર એવા ઘણા ચિહ્ન અને આકૃતિઓ મળી હતી જેને હિન્દુ મંદિર સ્થાપત્ય સાથે જોડાયેલા મનાયા હતા. રિપોર્ટમાં કમળ, કેળાના સ્તંભ, ઘંટીઓ, પલ્લવ, શ્રીફળ, યુદ્ધ, કળશ અને દેવી-દેવતાઓની કોતરાયેલી મૂર્તિઓનો ઉલ્લેખ કરાયો હતો. તે સિવાય સંસ્કૃત શ્લોક, શિલાલેખ અને ધાર્મિક પ્રતીકોના પણ પુરાવા મળ્યા હતા. એએસઆઇએ આ તમામ અવશેષોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી હતી.
સર્વેમાં જમીન નીચે મંદિર જેવા માળખાના સંકેત મળવાની વાત કહેવાઇ હતી. પરિસરમાં યજ્ઞકુંડ મળવાનો પણ ઉલ્લેખ છે. અદાલતે કહ્યું હતું કે આ તમામ પુરાવાઓથી સાબિત થાય છે કે આ સ્થળ હિન્દુ ધાર્મિક અને શૈક્ષણિક પરંપરાઓ સાથે જોડાયેલું હતું.
કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે ઐતિહાસિક પુરાવા, સાહિત્ય, સંરચનાઓ અને એએસઆઇનો રિપોર્ટ સ્થાપિત કરે છે કે આ સ્થાન રાજા ભોજ સાથે જોડાયેલું સંસ્કૃત અભ્યાસ અને દેવી વાગ્યેવી સરસ્વતીની આરાધાનાનું પ્રમુખ કેન્દ્ર હતું. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ અશોક અવસ્થીની ડિવિઝન બેન્ચે કરી હતી. આ કેસ એટલા માટે પણ ખાસ મનાય છે કારણ કે બંને જજીસે સ્વયં ભોજશાળા પરિસરની મુલાકાત લઈને ત્યાંની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે આ નિર્ણય માત્ર દસ્તાવેજો અને રિપોર્ટોને આધારે નહીં પરંતુ સ્થળના પ્રત્યક્ષ નિરીક્ષણ બાદ લેવાયો છે.
પૂજાઅર્ચના કરવા ભક્તો ઉમટ્યા
હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે ધારસ્થિત વિવાદિત ભોજશાળા-કમાલ મૌલા પરિસરને રાજા ભોજના સમયનું વાગ્દેવી (દેવી સરસ્વતી)નું મંદિર માન્યું છે. આ સાથે કોર્ટે હિન્દુ પક્ષને અહીં પૂજાનો અધિકાર આપ્યો છે.
ચુકાદા બાદ શનિવારે સવારે શ્રદ્ધાળુઓ અને અલગ-અલગ સમિતિઓના પદાધિકારીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ભોજશાળા પહોંચ્યા હતા અને દર્શન-પૂજાઅર્ચના કરીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. શનિવારે સવારે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુ અને ભોજ ઉત્સવ સમિતિના પદાધિકારીઓ પરિસરમાં પહોંચ્યા. તેમાં સંરક્ષક વિશ્વાસ પાંડે, ભોજશાળા મુક્તિ યજ્ઞના સંયોજક ગોપાલ શર્મા, શ્રીશ દુબે, કેશવ શર્મા અને અશોક જૈનનો સમાવેશ થતો હતો. બધાએ મા વાગ્દેવીના સ્થાન અને યજ્ઞકુંડ પાસે પુષ્પ અર્પણ કરીને દંડવત્ પ્રણામ કર્યાં હતાં.
ભોજશાળા મંદિર હતું, છે અને રહેશે
દર્શન પછી શ્રદ્ધાળુઓએ કહ્યું કે, વર્ષો પછી તેમને કોઈ રોકટોક વિના પૂજા કરવાનો અવસર મળ્યો છે. ભોજશાળા મુક્તિ યજ્ઞના સંયોજક ગોપાલ શર્માએ કહ્યું, ‘ભોજશાળાનો કણકણ દર્શાવે છે કે આ એક મંદિર છે.’ મુસ્લિમ પક્ષની આગળની કાનૂની કાર્યવાહી પર તેમણે કહ્યું કે, તેમને સુપ્રીમ કોર્ટ જવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ ભોજશાળા મંદિર હતું, મંદિર છે અને હંમેશાં મંદિર જ રહેશે. હાલમાં સમગ્ર ધાર શહેર અને ભોજશાળા પરિસરની સ્થિતિ પર કડક નજર રખાઈ રહી છે.


