ભ્રષ્ટાચાર કેસમાં આખરે ચિદમ્બરમની ધરપકડ

Thursday 22nd August 2019 05:37 EDT
 
 

નવી દિલ્હીઃ બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના કાનૂનવિદ્ પી. ચિદમ્બરમની ધરપકડ કરીને ઉલટતપાસ શરૂ કરી છે. એક સમયે નાણાં અને ગૃહ મંત્રાલય જેવા અતિ મહત્ત્વના વિભાગનો હવાલો સંભાળી ચૂકેલા ચિદમ્બરમની ધરપકડે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.
મંગળવારે હાઇ કોર્ટે જામીન અરજી ફગાવ્યા પછી ચિદમ્બરમ્ બુધવારે જામીન અરજી લઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યાં પણ કોર્ટે અરજીની વહેલી સુનાવણીનો ઇન્કાર કરતાં ચિદમ્બરમ્ ફરાર થઇ ગયા હતા.
લગભગ ૨૭ કલાક બાદ તેઓ કોંગ્રેસ મુખ્યાલયમાં મીડિયા સામે હાજર થયા હતા. મીડિયા સામે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું, ત્યારબાદ તેઓ ઘરમાં જઈને છુપાઇ ગયા હતા. સીબીઆઈ અને ઈડીની ટીમો તેમના ઘરે પહોંચી અને નાટ્યાત્મક સંજોગોમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈ અને ઈડીની ટીમો તેમના ઘરે પહોંચી ત્યારે મુખ્ય દરવાજો ન ખોલાતા અધિકારીઓ દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા.
બીજી તરફ ચિદમ્બરમના ઘરની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી સમર્થકો ભેગા થઈ ગયા હતા. તેમણે ભાજપવિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સ્થિતિને કાબૂ કરવા માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સીબીઆઈ ટીમે પ્રારંભિક પૂછપરછ બાદ તેમની અટકાયત કરી હતી. ચિદમ્બરમને સીબીઆઈ મુખ્યાલય લઈ જવામાં આવ્યા હતા.

મનાઇહુકમના પ્રયાસો નિષ્ફળ

આ પૂર્વે બુધવારે સવારે સુપ્રીમ કોર્ટ પહોંચેલી ૧૧ વરિષ્ઠ વકીલોની ફોજ પણ ચિદમ્બરમની ધરપકડ સામે સ્ટે મેળવવામાં નિષ્ફળ રહી હતી. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સહિત ટોચના વકીલોની ટીમે દિવસભર પ્રયાસો કર્યા હતા કે ચિદમ્બરમની આગોતરા જામીનઅરજી અંગે વહેલામાં વહેલી તરીકે સુનાવણી થાય, પરંતુ કોર્ટે અરજીની વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં કોર્ટે સુનાવણી માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો હતો. જોકે હવે ચિદમ્બરમની ધરપકડ થઇ ચૂકી હોવાથી સમીકરણો બદલાઇ જશે.

હું આઝાદી પસંદ કરીશ: ચિદમ્બરમ્

કોંગ્રેસ કાર્યાલયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પી. ચિદમ્બરમની સાથે કોંગ્રેસના સિનિયર નેતાઓ ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, સલમાન ખુરશીદ, એહમદ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચિદમ્બરમે કહ્યું હતું કે લોકતંત્રની બુનિયાદ આઝાદી છે. જો મને કોઈ જિંદગી અને આઝાદી વચ્ચે કંઈ એક પસંદ કરવાનું કહે તો હું આઝાદી પસંદ કરીશ. મારા ઉપર કોઈ આરોપ નથી. વીતેલા ૨૪ કલાકમાં મારા વિશે અનેક ભ્રમ ફેલાવવામાં આવ્યા. મને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો પણ હું આખી રાત વકીલો સાથે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાના દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો.

આઇએનએક્સ મીડિયા કેસ

• મે ૨૦૧૭: સીબીઆઇએ કેસ દાખલ કર્યો. ૨૦૦૭માં ચિદમ્બરમે ૩૦૫ કરોડની મંજૂરી આપી.
• ૨૦૧૮: ઇડીએ ચિદમ્બરમ્ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. સીબીઆઇએ સમન્સ પાઠવ્યું.
• મે ૨૦૧૮: ચિદમ્બરમે વચગાળાના જામીન માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી.
• જુલાઇ ૨૦૧૮: હાઇ કોર્ટે ચિદમ્બરમને બે કેસમાં ધરપકડથી રાહત આપી.
• ઓગસ્ટ ૨૦૧૯: હાઇ કોર્ટે ચિદમ્બરમની જામીન અરજી ફગાવી. સીબીઆઇએ ધરપકડ કરી.

ચિદમ્બરમની મુશ્કેલી વધારતા ભ્રષ્ટાચાર અને નાણાંની હેરફેરના છ કેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એક સમયે નાણાં તથા ગૃહ મંત્રાલયનું પ્રધાનપદું સંભાળી ચૂકેલા પી. ચિદમ્બરમ્ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને નાણાંની હેરાફેરીના કુલ છ મોટા કેસ થયેલા છે. આ તમામ કેસો નીચલી કે ઉપલી અદાલતોમાં પડતર છે. તમામમાં સીબીઆઇ, ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), ઇન્કમ ટેક્સ (આઇટી) વિભાગ ચિદમ્બરમની પૂછપરછ કરી રહ્યા છે કે તેમને સમન્સ પાઠવી ચૂક્યા છે. ત્રણ કેસમાં ચિદમ્બરમને વચગાળાના જામીન મળી ચૂક્યા છે. તો ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ચિદમ્બરમ્ સાથે તેમની પત્ની નલિની, પુત્ર કાર્તિ અને પુત્રવધૂ શ્રીનિધિ પણ આરોપી છે.

- આઇએનએક્સ મીડિયા
(ઇન્દ્રાણીએ કહ્યું હતું કે ડીલના બદલામાં ચિદમ્બરમે પુત્રને મદદની વાત કરી હતી)
ચિદમ્બરમ્ સામે પહેલો મોટો આરોપ આઇએનએક્સ મીડિયા ગ્રૂપને ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ લેવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીમાં ગેરરીતિ આચરવાનો છે. મામલો ૨૦૦૭નો છે. તે સમયે ચિદમ્બરમ્ નાણાં પ્રધાન હતા. તેઓ તપાસ એજન્સીઓના રડાર પર તે સમયે આવ્યા જ્યારે આઇએનએક્સની પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીની ઇડીએ પૂછપરછ કરી. ઇન્દ્રાણીએ જણાવ્યું કે ચિદમ્બરમે FIPBની મંજૂરીના બદલામાં પુત્ર કાર્તિને વિદેશી નાણાં મામલે મદદ કરવાની વાત કહી હતી.

- એરસેલ-મેક્સિસ સોદો
(રૂ. ૩૫૦૦ કરોડની ડીલ કેબિનેટ સમિતિની મંજૂરી વગર પાસ કરાવી)
બીજો મામલો એરસેલ-મેક્સિસ વચ્ચે રૂ. ૩૫૦૦ કરોડના સોદા અંગેનો છે. તેમાં સીબીઆઇ તપાસ કરી રહી છે. ૨૦૦૬માં મેક્સિસે એરસેલમાં ૧૦૦ ટકા હિસ્સેદારી લીધી હતી. ચિદમ્બરમ્ ત્યારે નાણાં પ્રધાન હતા. ટુ-જી સાથે જોડાયેલા આ કેસમાં ચિદમ્બરમ્ અને તેમના પરિવાર સામે હવાલા કેસ નોંધાયેલો છે. આરોપ છે કે વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાની નાણાં પ્રધાનની મર્યાદા માત્ર ૬૦૦ કરોડ હોવા છતાં ચિદમ્બરમે ૩૫૦૦ કરોડ રૂપિયાની ડીલ કેબિનેટની મંજૂરી વિના પાસ કરાવી હતી.

- શારદા ચિટફંડ કૌભાંડ
(૧.૪ કરોડ રૂ.ની લાંચ લેવાનો આરોપ)
ચિદમ્બરમની પત્ની નલિની વિરુદ્ધ સીબીઆઇ શારદા ચિટફંડ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. તેમની સામે ૧.૪ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. ગયા ફેબ્રુઆરીમાં જ કલકત્તા હાઇ કોર્ટે તેમને ધરપકડ સામે વચગાળાની રાહત આપી છે.

- બ્લેક મની મામલો
(ચિદમ્બરમ્, પુત્ર કાર્તિ, પત્ની નલિની, પુત્રવધૂ આરોપી)
ચિદમ્બરમ, પત્ની નલિની, પુત્ર કાર્તિ, પુત્રવધૂ શ્રીનિધિ સામે કાળું નાણું તથા કર અધિનિયમ- ૨૦૧૫ના ઉલ્લંઘનનો આરોપ છે. મદ્રાસ હાઇકોર્ટે ૨૦૧૮માં આઇટી વિભાગ દ્વારા કેસ ચલાવવાની મંજૂરી સંબંધી આદેશ રદ કર્યા હતા.

- એવિયેશન કૌભાંડ
(૧૭૫ મિલિયન ડોલરનો લાભ પહોંચાડવાનો આરોપ)
ઇડીએ ચિદમ્બરમને એવિયેશન કૌભાંડના આરોપમાં ૨૩ ઓગસ્ટે સમન્સ મોકલ્યું છે. તેમાં ૨૦૦૭માં ચિદમ્બરમ નાણાં પ્રધાન હતા તે દરમિયાન ૧૧૧ પેસેન્જર વિમાનની ખરીદીમાં કૌભાંડની તપાસ ચાલી રહી છે. તે સમયના નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ આ કેસમાં આરોપી છે.

- ઇશરત જહાં કેસ
(ગૃહ પ્રધાન હતા ત્યારે એફિડેવિટ સાથે ચેડાંનો આરોપ)
ચિદમ્બરમ્ વિરુદ્ધ ઇશરત જહાં કેસની એક ખૂબ મહત્ત્વની એફિડેવિટ સાથે ચેડાં કરવા અંગેની ફરિયાદ દિલ્હી પોલીસમાં પડતર છે. આરોપ છે કે એફિડેવિટ સાથે ચેડાં કરાયા હતા ત્યારે ચિદમ્બરમ્ ગૃહ પ્રધાન હતા.

ભ્રષ્ટાચાર ૩૩૯ કેસમાં ૧૧૫ નેતા સામે તપાસ

સીબીઆઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સ પોલિસી મુજબ કામ કરી રહી છે. સીબીઆઇ જૂન ૨૦૧૭ સુધીમાં દેશના ૧૪ મોટા નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સંપત્તિ અંગેના કેસોમાં તપાસ કરી રહી હતી. તેમાં ચિદમ્બરમ્ ઉપરાંત હિમાચલના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવત, રાજદના વડા લાલુ યાદવ જેવાં નામો સામેલ છે. આ વાત કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવી હતી. તે સમયે સીબીઆઇ પાસે ભ્રષ્ટાચાર, સંપત્તિ, છેતરપિંડીના ૬૪૧૪ કેસ અન્ડર ટ્રાયલ હતા. તેમાંથી ૧૧૫ કેસ નેતાઓ વિરુદ્ધ હતા. ભ્રષ્ટાચારના ૩૩૯ કેસ ૧૧૬૧ લોકો વિરુદ્ધ ચાલી રહ્યા હતા, જેમાંથી ૪૮૭ સરકારી કર્મચારી હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter