મધ્ય પ્રદેશમાં કમલ નાથ મુખ્ય પ્રધાનઃ રાજસ્થાનમાં ગેહલોત-પાયલટને રાજી કરાયા

Friday 14th December 2018 03:25 EST
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ હાઇ કમાન્ડે શ્રેણીબદ્ધ બેઠકો અને કલાકો સુધી ચર્ચાવિચારણા કર્યા બાદ મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન પદ માટે વરિષ્ઠ નેતા કમલ નાથના નામની પસંદગી કરી છે. રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ જૂથને સાચવવા વચલો રસ્તો કાઢ્યો છે. અશોક ગેહલોત મુખ્ય પ્રધાન પદ સંભાળશે જ્યારે સચિન પાયલટને નાયબ મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જોકે પક્ષના મોવડીઓ હજુ સુધી છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવારની પસંદગી કરી શક્યા નથી. છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન પદ માટે ચાર-ચાર ઉમેદવારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જોકે આમાંથી ભૂપેશ બઘેલનું નામ રેસમાં આગળ જણાય છે.

મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદ માટે કમલ નાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ખેંચતાણ હતી જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ રાજગાદીની રેસમાં હતા. મધ્ય પ્રદેશમાં તો કલાકોની જહેમત બાદ ગુરુવારે મોડી રાત્રે મુખ્ય પ્રધાન પદ માટે કમલ નાથનું નામ ફાઇનલ થઇ ગયું હતું, પરંતુ રાજસ્થાનમાં ખેંચતાણ લાંબી ચાલી હતી. છેવટે પક્ષના હાઇ કમાન્ડે બન્ને જૂથોને રાજી રાખવા સમાધાનકારી માર્ગ અપનાવ્યો હતો. શુક્રવારે બપોરે હાઇ કમાન્ડે અશોક ગેહલોતની મુખ્ય પ્રધાન પદે સચિન પાયલટની નાયબ મુખ્ય પ્રધાન પદે પસંદગી થયાની જાહેરાત કરતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ બંને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થવાની હતી, પણ સમર્થકોની લાગણીને પગલે રાજસ્થાનનો મામલો અટકાવી દેવાયો હતો. રાજસ્થાનમાં અશોક ગેહલોત કોંગ્રેસ હાઈ કમાન્ડની પહેલી પસંદ હોવાના સંકેત પ્રારંભથી જ મળી રહ્યા હતા.

રાજધાની દિલ્હીમાં ૧૩ ડિસેમ્બરે મોડી રાત સુધી પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી સાથે આ અંગે મસલતો ચાલી હતી અને પૂરા દિવસ દરમિયાન આ અંગે ખેંચતાણ, ઘર્ષણ અને નારેબાજીઓ જોવા મળી હતી. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટના સમર્થકો વચ્ચે ઘમસાણ સર્જાયું હતું તો મધ્ય પ્રદેશમાં ભોપાલમાં કોંગ્રેસના વડા મથકો પર કમલ નાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો વચ્ચે હુંસાતુંસી ચાલી હતી. છત્તીસગઢના મામલે પણ હજુ કોઈ નિર્ણય લઈ શકાયો નથી.
સિનિયર નેતા અને નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, છત્તીસગઢના મુખ્ય પ્રધાનનું નામ શુક્રવારે જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં પાર્ટી પ્રમુખ ભૂપેશ બઘેલ, ટીએન સિંઘદેવ, તામ્રધ્વજ સાહુ અને ચરણદાસ મહંત વચ્ચે પસંદગી કરવાની છે. આ ચારમાંથી કોઈ એકનું નામ જાહેર થશે.
રાહુલ ગાંધીનું રહેઠાણ ગુરુવારે મુખ્ય પ્રધાન પદના દાવેદારો અને એઆઈસીસીસી નિરીક્ષકોથી ઊભરાતું જોવા મળ્યું હતું. ત્રણેય રાજ્યોમાંથી એક પછી એક નેતાઓ આવતા જતા હતા અને મિટિંગોનો દોર ચાલ્યો હતો.

સિંહાસન માટે ખેંચતાણ

કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન પદ માટે સિનિયર અને જુનિયર વચ્ચેનું દંગલ ચરમસીમાએ પહોંચ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદ માટે શિંગડાં ભેરવી રહેલા અશોક ગેહલોત, સચિન પાઇલટ, કમલ નાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાઇકમાન્ડ સમક્ષ મુખ્ય પ્રધાનપદથી ઓછું કશું ન ખપે તેવી જીદ સાથે દિલ્હીમાં પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીનાં નિવાસસ્થાને બેઠકોનો દોર યોજ્યો હતો.
રાજસ્થાનનું કોકડું ઉકેલવા રાહુલ ગાંધીએ મુખ્ય પ્રધાન પદના બે મુખ્ય દાવેદારો અશોક ગેહલોત અને સચિન પાઇલટ સાથે અલગ અલગ બેઠકો કરી હતી. રાહુલ ગાંધીએ હાઇ કમાન્ડ દ્વારા રાજસ્થાન મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક કે. સી. વેણુગોપાલ અને રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે પાસેથી પણ માહિતી મેળવી હતી. મધ્ય પ્રદેશમાં પણ સર્જાયેલી સમાન સ્થિતિનો ઉકેલ લાવવા રાહુલ ગાંધીએ કમલ નાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. કોંગ્રેસપ્રમુખે મધ્ય પ્રદેશ મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક એ. કે. એન્ટોની પાસેથી પણ રિપોર્ટ લીધો હતો. બાદમાં મધ્ય પ્રદેશમાં કમલ નાથ પર પસંદગી ઉતારવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન પદનું કોકડું ઉકેલવામાં રાહુલને નિષ્ફળતા મળતાં એક તબક્કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter