મમતાની બંગાળમાં હેટ્રિક, આસામમાં ફરી ભાજપ સરકાર

Wednesday 05th May 2021 01:10 EDT
 
 

નવી દિલ્હીઃ લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં - બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલી પશ્ચિમ બંગાળ વિધાસભાની ૨૯૨ બેઠકોની મતગણતરીમાં મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે ૨૧૪ બેઠક મળતાં મમતા બેનરજી સતત ત્રીજી વાર રાજ્યમાં સત્તાની ધૂરા સંભાળશે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ટક્કર આપીને રાજ્યમાં સરકાર રચવાનો દાવો કરી રહેલા ભાજપનો વિજયરથ માત્ર ૭૬ બેઠક પૂરતો સીમિતિ રહી ગયો હતો. ભાજપ હવે બંગાળમાં એક માત્ર વિપક્ષ રહેશે. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ અને બંગાળમાં ૩૫ વર્ષ સુધી શાસન કરનારા ડાબેરી પક્ષોના સૂપડાં સાફ થઈ ગયાં છે. એક સમયના ગાઢ સહયોગીમાંથી કટ્ટરવિરોધી બનેલા મમતા અને શુવેન્દુ અધિકારી વચ્ચે નંદીગ્રામમાં છેલ્લી ઘડી સુધી રસાકસી સર્જાઇ હતી અને મમતા ૧૯૫૬ મતથી પરાજીત થયાં હતા. શુવેન્દુને ૧,૧૦,૭૬૪ જ્યારે મમતાને ૧,૦૮,૮૦૮ મત મળ્યાં હતાં. આમ તૃણમૂલ કોંગ્રેસ માટે ગઢ આલા પણ સિંહ ગેલા જેવી હાલત થઇ છે.

આસામ

વર્ષ ૨૦૧૬થી આસામમાં સત્તા પર કબજો જમાવનાર ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મોટી સફળતા હાંસલ થઈ હતી. અહીં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને સરકાર રચવા બહુમતી પ્રાપ્ત થઈ હતી. તરુણ ગોગોઈના નેતૃત્વમાં લાંબો સમય શાસન કરનાર કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનનો ફરી પરાજય થતાં વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. આ સાથે આસામમાં ભાજપ ફરી સત્તા પર આરૂઢ થઈ રહ્યો છે.

દક્ષિણ ભારત

દક્ષિણ ભારતમાં બે રાજ્ય તામિલનાડુ અને કેરળ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં રવિવારે હાથ ધરાયેલી મતગણતરીમાં અપેક્ષા પ્રમાણે જ તામિલનાડુમાં સ્તાલિનના નેતૃત્વ હેઠળના ડીએમકે ગઠબંધનને ૨૩૪માંથી ૧૩૬ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મળી છે. રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થતું રહ્યું છે જયલલિતાના નિધન બાદ નેતાવિહોણી બનેલી એઆઈએડીએમકેને ચૂંટણીમાં પછડાટ મળી હતી અને ૯૩ બેઠક સાથે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. રાષ્ટ્રીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ રાજ્યમાં સારો દેખાવ કરી શકી નથી. જોકે, કોઇમ્બતૂર સાઉથ બેઠકથી કમલ હાસન ભાજપના વનશ્રી શ્રીનિવાસન સામે હારી ગયા છે.
કેરળમાં ડાબેરી ગઠબંધને છેલ્લા ૪૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખતાં રાજ્યમાં સતત બીજી વાર સત્તા હાસિલ કરવાનો માર્ગ મોકળો કરી લીધો છે. કેરળમાં છેલ્લા ૪૦ વર્ષથી સતત સત્તાપરિવર્તન થઈ રહ્યું હતું. રવિવારે યોજાયેલી મતગણતરીમાં કેરળમાં ડાબેરી ગઠબંધન એલડીએફને કુલ ૧૪૦માંથી ૯૩ બેઠક પ્રાપ્ત થઈ હતી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હઠળના યુડીએફ ગઠબંધનને ૪૩ બેઠક સાથે સંતોષ માનીને વિપક્ષમાં બેસવું પડશે. કેરળમાં પગપેસારો કરવા ધમપછાડા કરતા ભાજપને માંડ ૩ બેઠક પ્રાપ્ત થઈ છે.
કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડૂચેરીમાં વિધાનસભાની કુલ ૩૦ બેઠક પૈકીની ૧૦ બેઠક ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ભાજપ સહિતના પક્ષોના એનડીએ ગઠબંધનને ૧૦ બેઠક પ્રાપ્ત થઈ હતી જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનને પાંચ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

મમતાને વડા પ્રધાન મોદીના અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીને ચૂંટણીમાં વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું. કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીના વિજય માટે મમતા દીદીને અભિનંદન, જનતાની આશાઓ સંતોષવા અને કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને તમામ સંભવિત સહાય કરતી રહેશે. હું ભાજપને આશીર્વાદ આપનરા પશ્ચિમ બંગાળના તમામ ભાઈ-બહેનોનો આભારી છું. રાજ્યમાં ભાજપની હાજરીમાં વધારો થયો છે. ભાજપ જનતાની સેવા કરવાનું જારી રાખશે.

પાંચ વિધાનસભા ચૂંટણી જંગના પરિણામો

પશ્વિમ બંગાળ
(કુલ બેઠક ૨૯૨ • બહુમતી ૧૪૭)
તૃણમૂલ ૨૧૩
ભાજપ ૭૬
સીપીએમ ૦
કોંગ્રેસ ૦
અન્ય ૩
---------------------

તામિલનાડુ
(કુલ બેઠક ૨૩૪ • બહુમતી ૧૧૮)
ડીએમકે ૧૩૧
એઆઇએડીએમકે - ૬૯
કોંગ્રેસ ૧૮
સીપીઆઇ-એમ ૨
અન્ય ૧૪
---------------------

કેરળ
(કુલ બેઠક ૧૪૦ • બહુમતી ૭૧)
સીપીએમ ૬૨
કોંગ્રેસ ૨૧
સીપીઆઇ ૧૮
આઇયુએમએલ ૧૬
અન્ય ૪૪
---------------------

આસામ
(કુલ બેઠક ૧૨૬ • બહુમતી - ૬૪)
ભાજપ ૬૩
કોંગ્રેસ ૨૯
એએલયુડીએમ ૧૩
એજીપી ૧૧
અન્ય ૧૦
---------------------

પુડુચેરી
(કુલ બેઠક ૩૦ • બહુમતી ૧૬)
એઆઇએનઆરસી ૧૧
ડીએમકે ૬
કોંગ્રેસ ૪
એઆઇએડીએમકે ૦
અન્ય ૦
---------------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter