મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારીઃ ભાજપ-શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાન પદના મામલે મડાગાંઠ

Wednesday 06th November 2019 06:27 EST
 
 

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં ત્યારે એમ લાગતું હતું કે, રાજ્યમાં ફરી એક વાર ભાજપ-શિવસેનાની યુતિ સરકારની સહેલાઈથી રચના થઈ જશે પરંતુ જનચુકાદામાં ભાજપની ઘટેલી બેઠકોએ તેના મહત્ત્વના સાથી પક્ષ શિવસેનાને જ બાંયો ચડાવાની તક આપી દીધી છે. ભાજપના ઘટેલા પ્રભાવને ધ્યાનમાં લઈને શિવસેનાએ સત્તામાં ભાગીદારીની માગણીઓને આકરી બનાવી છે.
ભાજપ અને શિવસેના વચ્ચે સર્જાયેલી મડાગાંઠ એવી જટિલ બની છે કે મામલો દિલ્હી પહોંચ્યો છે. મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. આ પછી ભાજપે સ્પષ્ટતા કરી હતી કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદના મામલે તે કોઈ પણ જાતનું સમાધાન કરશે નહીં. અલબત્ત ખાતાઓની ફાળવણી માટે તે શિવસેના સાથે ચર્ચા કરવા તૈયાર છે.
બીજી તરફ, શિવસેના પોતાના જ મુખ્ય પ્રધાનના મુદ્દે જીદ છોડવા તૈયાર નથી. ત્રીજી તરફ, ભાજપને સત્તાથી વંચિત રાખવા માટે શિવસેનાને સરકાર રચવા સમર્થન આપવું કે નહીં તે મુદ્દે એનસીપી નેતા શરદ પવાર અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે દિલ્હીમાં નિર્ણાયક બેઠક યોજાઈ હતી. તેમાં કોઇ નિષ્કર્ષ નીકળ્યાનું જણાતું નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપ-શિવસેના ગઠબંધને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી હાંસલ કરી લીધી છે, પરંતુ મુખ્ય પ્રધાન પદના મામલે ગૂંચ પડી છે. મહારાષ્ટ્રની ૨૮૮ બેઠક ધરાવતી વિધાનસભામાં ભાજપે ૧૦૫ બેઠક અને શિવસેનાએ ૫૬ બેઠક પર જીત મેળવી છે. જ્યારે એનસીપી ૫૪ બેઠક અને કોંગ્રેસે ૪૪ બેઠક પર જીત મેળવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને દસ દિવસથી વધુ સમય પસાર થઈ ગયો છે, છતાં ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ છે.

લેખિત ખાતરી જોઇએઃ શિવસેના

મુંબઇમાં શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીમાં યોજાયેલી પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સત્તામાં ૫૦-૫૦ ટકા વહેંચણીની ઉગ્ર માગ કરાઈ હતી. શિવસેનાના ૫૬ ધારાસભ્યોએ માગ કરી હતી કે, ભાજપ તેના લેટરહેડ પર પક્ષના વરિષ્ઠ નેતાઓના હસ્તાક્ષર સાથે શિવસેનાને લેખિત બાંયધરી આપે કે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલાં ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે થયેલી ૫૦:૫૦ સમજૂતીનું સન્માન કરશે.

સરકાર તો અમારી જઃ ફડણવીસ

ફડણવીસ અને અમિત શાહ વચ્ચે સોમવારે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. બેઠકના અંતે ફડણવીસે કહ્યું હતું કે, કોણ શું બોલે છે તેનાથી કશો ફરક પડતો નથી, અમે જલદીથી નવી સરકાર બનાવીશું તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે શાહ સાથે સરકાર રચવાની ચર્ચા થઈ હોવાનો ઈનકાર કર્યો હતો અને ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ હોવાનો દાવો કર્યો હતો.

હરિયાણામાં ભાજપની યુતિ સરકાર

હરિયાણાની ૯૦ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી કરતાં ૬ બેઠક છેટા રહી ગયેલા ભાજપે સરકારની રચના માટે પહેલી નવેમ્બરે જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન કર્યું છે. ભાજપ અધ્યક્ષ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે હરિયાણામાં ભાજપ અને જેજેપીની યુતિ સરકાર રચવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સાત અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. હરિયાણામાં મુખ્ય પ્રધાન પદે ફરી એક વખત મનોહર લાલ ખટ્ટરે શપથ લીધા છે તો નાયબ મુખ્ય પ્રધાન તરીકે સાથી પક્ષ જેજેપીના નેતા દુષ્યંત ચૌહાણે કાર્યભાર સંભાળ્યો છે.
હરિયાણામાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતાં ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ થયું હતું. ૯૦ બેઠકોની વિધાનસભામાં ભાજપે ૨૬ બેઠકો પર વિજય અને ૧૪ બેઠક પર સરસાઈ મેળવી હતી.
સામા પક્ષે કોંગ્રેસે ૨૦ બેઠક પર વિજય અને ૧૧ બેઠક પર સરસાઈ હાંસલ કરી હતી. એક વર્ષ પહેલાં રચાયેલી દુષ્યંત ચૌહાણની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)એ ૧૦ બેઠકો જીતી લેતાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter