મહિલા અનામત મુદ્દે ચાર દસકાથી ખેલાતું રાજકારણ હજુ ચાલુ જ રહેશે

બે તૃતિયાંશ બહુમતી ન મળતાં નારી શક્તિ વંદન બિલનો સંસદમાં ધબડકો

Tuesday 21st April 2026 05:13 EDT
 
 

નવી દિલ્હી: ચાર દાયકાથી દેશમાં મહિલા અનામત મુદ્દે ઘણું રાજકારણ ખેલાતું રહ્યું છે, અને હજુ પણ તે ચાલુ જ રહેશે તેવું લાગે છે. દેશની અડધી આબાદીને તેમનો અધિકાર મળવો જોઈએ તેવી લાગણી સાથે રજૂ થયેલા નારી શક્તિ વંદન બિલનો બે દિવસની ચર્ચા બાદ સંસદ ગૃહમાં ધબડકો થયો છે. સમગ્ર વિપક્ષે એકસંપ થઇને બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત ડીએમકે અને સપાને જવાબદાર ઠેરવ્યા છે.
બે દિવસ લાંબી ચર્ચાને અંતે લોકસભામાં વોટિંગ થયું હતું. બંધારણ (131મો સુધારો) સુધારા બિલ 2026 દ્વારા લોકસભામાં બેઠકો વધારીને 850 કરવાની જોગવાઈ કરાઇ હતી. સાથે સાથે જ ગૃહમાં 33 મહિલા અનામત લાગુ કરવાની જોગવાઇ હતી. જોકે ગૃહમાં હાજર રહેલા 528 સાંસદોએ મત આપ્યા હતા જેમાં બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડયા હતા. બિલો પાસ કરાવવા માટે સરકારને બે તૃતીયાંશ બહુમતીની સરકારને જરૂર હતી. 528 સાંસદો પૈકી બિલ પાસ કરાવવા સરકારને 360 મતની જરૂર હતી પણ 54 મત ઓછા મળ્યા હતા. આ પછી સરકારે અન્ય બે બિલ સીમાંકન સંશોધન સંવિધાન બિલ 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાનૂન સુધારા બિલ 2026 પર સરકાર દ્વારા વોટિંગ કરાવવા ઈનકાર કરાયો હતો. જો આ બિલ પસાર થઇ ગયું હોત તો 2029ની ચૂંટણીમાં મહિલા અનામતનો અમલ થઇ શક્યો હોત.
સંસદમાં બિલના ધબડકા બાદ બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 મિનિટના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું, ‘કોંગ્રેસે આખા દેશની સામે બિલની ભ્રૂણ હત્યા કરી દીધી. મહિલાઓના સપનાઓને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા. મહિલા અનામત વિધેયક અમારી સરકારનો એક સારો પ્રયાસ હતો, જેને ડીએમકે અને કોંગ્રેસે પાટા પરથી ઉતારી દીધો. હું દેશની માતાઓ-બહેનોની ક્ષમા માગુ છું.’ તેમણે તમિલનાડુની મહિલાઓને અપીલ કરી કે તેઓ ડીએમકેને પૂછે કે તેમના પ્રતિનિધિત્વ વાળા વિધેયકનો વિરોધ કેમ કર્યો? કેમ તમિલ મહિલાઓને આ સોનેરી તકથી વંચિત રાખી? તેમણે લોકોને 23 એપ્રિલ (મતદાનના દિવસે) તેમને કડક સંદેશ આપવા કહ્યું હતું.
વડાપ્રધાને કહ્યું, ‘બિલ નામંજૂર થયા પછી કોંગ્રેસ અને તેના સહયોગી દળો જશ્ન મનાવી રહ્યા હતા. જે લોકોએ આ પાપ કર્યું છે તેની સજા ચોક્કસ મળશે. આખા દેશની સાથે હું પણ દુઃખી છું. હું મહિલા અનામતની દરેક અડચણ દૂર કરીને રહીશ. કોંગ્રેસ એક એન્ટી-રિફોર્મ પાર્ટી છે. જે હંમેશા સુધારાનો વિરોધ કરે છે. વિપક્ષ નારી શક્તિને હળવાશથી લઈ રહ્યો છે.’
મોદીએ કહ્યું કે એક મહિલા બધું ભૂલી જાય છે, પરંતુ પોતાનું અપમાન નહીં. કોંગ્રેસ અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલું આ અપમાન દરેક મહિલાના દિલમાં હંમેશા રહેશે. કોંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ અને સપા જેવા દળોની સ્વાર્થપૂર્ણ રાજનીતિ દેશની મહિલાઓના ભોગે કરવામાં આવી છે. તેમણે વિધાયિકાઓમાં 33 ટકા મહિલા અનામત આપવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે વિધેયકનો ઉદ્દેશ્ય કોઈની પાસેથી કંઈપણ છીનવ્યા વિના મહિલા સશક્તિકરણને પાંખો આપવાનો હતો. મને આશા હતી કે કોંગ્રેસ ભૂતકાળની ભૂલો સુધારશે, પરંતુ તેણે નવો ઈતિહાસ રચવાની તક ગુમાવી દીધી. પરિવારવાદી પાર્ટીઓ નથી ઈચ્છતી કે મહિલાઓ આગળ વધે કારણ કે તેનાથી તેમની સ્વાર્થપૂર્ણ રાજનીતિ ખતમ થઈ શકે છે.
નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો સમયની માગ હતી અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં સંતુલિત સશક્તિકરણ સુનિશ્ચિત કરવાનો એક ઈમાનદાર પ્રયાસ હતો. જોકે તેઓ એ ભૂલી રહ્યા છે કે 21મી સદીની નારી દેશની દરેક ઘટના પર નજર રાખી રહી છે. તે તેમનો ઇરાદો સમજી રહી છે. આની તેમને સજા જરૂર મળશે.
મહિલા અનામત મુદ્દે વડાપ્રધાન અને ગૃહપ્રધાન દ્વારા દેશ સાથે જૂઠાણુંઃ રાહુલ
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહિલા અનામત વિધેયક પર દેશ સાથે ‘જૂઠું’ બોલ્યા. તેમણે કહ્યું કે, આ વિધેયકનો ઉપયોગ દેશના ચૂંટણી નકશાને ફરીથી બનાવવા માટે ‘સીમાંકન’ છુપાવવાના એક મહોરા તરીકે કરવામાં આવ્યો હતો.
લગભગ 21 કલાક વિધેયક પર ચર્ચા ચાલી
લોકસભામાં મહિલા અનામત વિધેયક મુદ્દે લગભગ 21 કલાક ચર્ચા ચાલી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 વર્ષમાં કદાચ પહેલીવાર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલું બંધારણી સંશોધન વિધેયક લોકસભામાં પસાર થઈ શક્યું નથી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે મહિલાઓને સન્માન અને અધિકાર આપવા સંબંધિત આ ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ વિધેયક હતું. વિપક્ષે સાથ આપ્યો નહીં એ બહુ ખેદની વાત છે. તેમણે એક તક ગુમાવી છે. અમે અમારું અભિયાન ચાલુ રાખીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter