માનવજાતના ભલા માટે ચીન-ભારતે એક થવું જરૂરીઃ જિનપિંગ

Wednesday 16th September 2026 05:04 EDT
 
 

નવી દિલ્હી: ભારતના અધ્યક્ષપદે યોજાયેલી બ્રિક્સ સમિટ માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી શનિવારે ભારત આવ્યા હતા. બ્રિક્સ સંમેલન પહેલાં જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે 50 મિનિટ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકતા કહ્યું કે, માનવજાતના ભલા માટે ચીન અને ભારતનું એક થવું જરૂરી છે.
ભારત મંડપમમાં ભારત-ચીનની દ્વિપક્ષીય બેઠકમાં પ્રમુખ જિનપિંગે કહ્યું કે ‘ગ્રેટર બ્રિક્સ સહયોગ’ હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળા વિકાસ માટે ભારત અને ચીને સાથે મળીને કામ કરવું જોઈએ. બંને દેશ એકબીજાની ખૂબીમાંથી શીખી શકે છે અને સંયુક્ત વિકાસ હાંસલ કરી શકે છે. જિનપિંગે કહ્યું કે, બંને દેશોએ મતભેદોને વિવાદ બનવા દેવા જોઈએ નહીં.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, દ્વિપક્ષીય બેઠકમાં કેટલીક બાબતો પર સહમતી સધાઈ છે, જેમાં સરહદ વિવાદનો નિષ્પક્ષ અને સ્વીકૃત સમાધાન શોધવા, વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવા, બંને દેશોના લોકો વચ્ચે પારસ્પરિક સંબંધો વધારવા, આર્થિક અને વ્યાપારિક ચિંતાઓનું સમાધાન શોધવા પર ભાર મૂકાયો હતો.
‘તમે શક્તિશાળી એટલે સાચા નહીં’
દુનિયામાં જેની લાઠી તેની ભેંસ શક્તિશાળી લોકોની જ બોલબાલા હોય છે. જોકે, હવે દુનિયા આ સિદ્ધાંતને અમાન્ય ઠેરવે છે. તમે શક્તિશાળી હોવ એટલે સાચા બની જતા નથી તેમ કહેતા પ્રમુખ જિનપિંગે અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું, આજે દુનિયા એક સદીમાં ના જોયા હોય તેવા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. આજે ગ્લોબલ સાઉથ દુનિયાને બહુધ્રુવીય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જિનપિંગે ગ્લોબલ સાઉથ અને બ્રિક્સને મજબૂત કરવા એઆઈ ઓપન સોર્સ કોમ્યુનિટી, ડિજિટલ ઈકોસિસ્ટમ અને એન્જિનિયરિંગ ટ્રેઈનિંગ અલાયન્સ સહિત પાંચ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter