મુંબઈઃ મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપ રાજ્યભરની નગર નિગમોની ચૂંટણીમાં સૌથી મોટી તાકાત તરીકે ઊભરી આવ્યો છે. બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)માં ભાજપે વિજયપતાકા લહેરાવવાની સાથોસાથ ઠાકરે પરિવારના 22 વર્ષ જૂના એકચક્રી શાસનનો અંત આણ્યો છે.
કુલ 227 બેઠકોની બીએમસીમાં ભાજપ 89 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે જરૂર ઉભર્યો છે, પરંતુ તેને ચોખ્ખી બહુમતી મળી ન હોવાથી સાથી પક્ષ શિવસેના (શિંદે)નો સાથ લેવો પડશે. શિંદેના કુલ 29 ઉમેદવારો ચૂંટાયા હોવાથી સત્તાની ચાવી શિંદે પાસે છે.
આ સંજોગોને ધ્યાનમાં રાખીને બધા પક્ષોએ પોતાના કોર્પોરેટરોને સાચવવાનું શરૂ કર્યું છે. સાવચેતીના ભાગરૂપે એકનાથ શિંદેએ બીએમસીના તેમના ચૂંટાયેલા કોર્પોરેટરને એક ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડ્યા છે.
સમગ્ર રાજ્યના ચૂંટણી ચિત્રની વાત કરીએ તો, કુલ 2869 બેઠકોમાંથી 1414 જીતી લઈને ભાજપ નંબર એક પર છે તો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો પક્ષ 404 બેઠક જીતીને બીજો સૌથી મોટો પક્ષ બન્યો છે. કોંગ્રેસ 318 બેઠકો સાથે ત્રીજા ક્રમ પર રહી છે. એનસીપીની બન્ને છાવણી અજીત પવાર જૂથ અને શરદ પવાર જૂથનો સંયુક્ત પ્રભાવ સિમિત જોવાયો હતો.
મોટા શહેરોની વાત કરીએ તો મુંબઈમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી આગળ છે. નવી મુંબઈમાં ભાજપને સ્પષ્ટ બહુમત જ્યારે ઠાણેમાં શિંદે જૂથની શિવસેનાનો દબદબો જોવા મળ્યો છે. અર્બન બોડીઝમાં ભાજપનું રાજ્યવ્યાપી વોટ ટુ સીટ કન્વર્ઝન સૌથી વધારે સારું જોવા મળ્યું છે. શિવસેનાના વિભાજન બાદ પણ શિંદે જૂથનો પ્રભાવ ઉદ્ધવ જૂથની સરખામણીએ ઘણો વધારે જોવા મળ્યો છે.
શિંદેની એક જ માગઃ પહેલાં અઢી વર્ષ અમારો મેયર
એકનાથ શિંદેની શિવસેના સત્તાવાર રીતે ભલે એમ કહેતી હોય કે બાંદરાની હોટલમાં કોર્પોરેટરોને ટ્રેનિંગ માટે રાખવામાં આવ્યા છે અને ભાજપવાળા ભલે એવો દાવો કરતા હોય કે શિંદે દ્વારા કોઈ જાતનો સોદાબાજીનો પ્રસ્તાવ નથી આવ્યો પરંતુ વાસ્તવમાં પડદા પાછળ સોદાબાજી શરૂ થઈ ચૂકી છે.
શિંદે જૂથનું કહેવું છે કે આ વર્ષ શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની જન્મ શતાબ્દી છે. તેથી, ઓછામાં ઓછા અઢી વર્ષ માટે શિવસેનાન મેયર હોવો જોઈએ. આ મુદ્દે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે. બીજી તરફ, મુંબઈમાં બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉદ્ધવેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)એ કહ્યું છે કે જો ભગવાન ઈચ્છશે તો તેમની પાર્ટીનો મેયર બની શકે છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ શિંદેએ ભાજપને સાફ સાફ જણાવ્યું છે કે અમારા ટેકા વિના ભાજપના મેયર શક્ય જ નથી. અમે બેઠક સમજૂતીમાં પણ ઘણો ભોગ આપ્યો છે. મહાયુતિ સરકારમાં પણ અમે અનેક મહત્વનાં ખાતાં જતાં કર્યાં છે. નવી મુંબઈ તથા મીરા ભાયંદરમાં ભાજપના કારણે જ અમારે નુકસાન ભોગવવું પડયું છે તે બાબતો લક્ષમાં રાખી ભાજપે બીએમસીમાં સત્તા વહેંચણીમાં સંતુલન સાધવું જોઈએ.
શિંદે સેનાની મુખ્ય શરત એવી હોવાનું કહેવાય છે કે અઢી વર્ષ માટે ભાજપના મેયર અને અઢી વર્ષ માટે શિંદે સેનાના મેયર એવી ફોર્મ્યુલા તો બરાબર છે પરંતુ તેમાં પણ પહેલાં અઢી વર્ષ એટલે કે હાલ તો શિંદે સેનાને જ મેયરપદ ફાળવવું જોઈએ. પછી બાકીનાં અઢી વર્ષ ભાજપ પોતાના મેયર રાખી શકે છે. શિંદે સેનાએ તમામ કમિટીઓમાં અધ્યક્ષપદ તથા સભ્યપદમાં પણ 2:1 નો રેશિયો માગ્યો છે. એટલે કે ભાજપના બે સભ્ય સામે શિંદે સેનાનો એક સભ્ય હોવો જોઈએ. બે કમિટીનું અધ્યક્ષપદ ભાજપ પાસે હોય તો એક સભ્યપદ શિંદે સેનાને મળવું જોઈએ. શિંદે સેનાનો ખાસ આગ્રહ એ છે કે સ્ટેન્ડિંગ કમિટીનું અધ્યક્ષપદ તો તેને જ મળવું જોઈએ.


