મે પ્રધાનમંડળની પુનર્રચનાઃ દળી દળીને કુલડીમાં

Wednesday 10th January 2018 05:10 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ નવા વર્ષે કેબિનેટમાં ફેરબદલ કર્યા છે. જોકે, સરકાર અને પક્ષ પર વર્ચસ જમાવવાના મેના પ્રયાસ ખાસ સફળ રહ્યા નથી. આ જોતાં લાગે છે કે મેએ પ્રધાનમંડળની પુનર્રચના મુદ્દે દળી દળીને ઢાંકણીમાં નાંખ્યું છે.
નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી જેમ્સ બ્રોકેનશાયરે સ્વાસ્થ્યના કારણોસર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. વડા પ્રધાને ગત સામાન્ય ચૂંટણીમાં ટોરી પાર્ટીના ખરાબ દેખાવ માટે ચેરમેન પેટ્રિક મેક્લોઘલિનની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને લડાયક મિજાજના ઈમિગ્રેશન મિનિસ્ટર બ્રેન્ડન લૂઈને પક્ષનું સુકાન સોંપ્યું છે.
 ડેપ્યુટી ચેરમેન તરીકે બ્રેઈનટ્રીના સાંસદ જેમ્સ ક્લેવર્લીને કામગીરી સોંપાઈ છે.
જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લિવિંગ્ટનને વડા પ્રધાનના ડેપ્યુટી બનાવાયા છે. જોકે, તેમને ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટનો દરજ્જો અપાયો નથી. કેબિનેટમાં હેલ્થ મિનિસ્ટ્રી છોડવાનો જેરેમી મેએ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને બદલામાં બીજી મિનિસ્ટ્રી મેળવવાના બદલે કેબિનેટમાંથી રાજીનામું આપવા પસંદ કરશે તેમ જણાવ્યું હતું. આખરે તેમને હેલ્થ સેક્રેટરી તરીકે જાળવી રખાયા છે.

ગ્રીનિંગને જીદ નડી ગઇ

કંઇક આવું જ એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગના કિસ્સામાં બન્યું છે. ગ્રીનિંગે મિનિસ્ટ્રી બદલવાના બદલે રાજીનામું આપવા કહેતા વડા પ્રધાને તેમની હકાલપટ્ટી કરી હતી. પાકિસ્તાની મૂળના સેક્રેટરી સાજિદ જાવિદને હાઉસિંગનો વધારાનો હવાલો અપાયો છે, જ્યારે પાકિસ્તાની મૂળના રહેમાન ચિશ્તીને પાર્ટીના વાઈસ ચેરમેન ફોર કોમ્યુનિટીઝ તરીકે નિયુક્તિ અપાઈ છે. ગિલિંગહામ એન્ડ રેઈનહામના સાંસદ ચિશ્તી ઈંગ્લેન્ડ અને વેલ્સના એટર્ની જનરલ જેરેમી રાઈટના
પૂર્વ પાર્લામેન્ટેરિયન પ્રાઈવેટ સેક્રેટરી છે.
આ ઉપરાંત મેટ હેનકોક (કલ્ચર સેક્રેટરી), ડેમિયન હિન્ડ્સ (એજ્યુકેશન સેક્રેટરી), એસ્થર મેકવી (વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી), કેરોલિન નોક્સ (ઈમિગ્રેશન મિનિસ્ટર-કેબિનેટમાં હાજરી) અને ક્લેર પેરી (બિઝનેસ મિનિસ્ટર-કેબિનેટમાં હાજરી)ને મંત્રાલયોમાં કામગીરી સોંપાઈ છે. ડેવિડ ગૌકને જસ્ટિસ સેક્રેટરી તેમજ કારેન બ્રેડલીને નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી બનાવાયાં હતાં.

લિડિંગ્ટનનું ખાતું બદલાયું

થેરેસા મે કેબિનેટમાં હોમ સેક્રેટરી અંબર રડ, ચાન્સેલર ફિલિપ હેમન્ડ, બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ, હાઉસિંગ અને કોમ્યુનિટિઝ સેક્રેટરી સાજિદ જાવિદ તેમજ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનને જાળવી રખાયા છે. ડેવિડ લિડિંગ્ટનને જસ્ટિસ મંત્રાલયમાંથી ખસેડી વડા પ્રધાનના ડેપ્યુટી એટલે કે કેબિનેટ મિનિસ્ટર તરીકે ગોઠવાયા છે. તેઓ કોમ્પ્યુટર પોર્નના આક્ષેપોના કારણે સરકારમાંથી હાંકી કઢાયેલા ડેપ્યુટી વડા પ્રધાન ડેમિયન ગ્રીનનું સ્થાન લેશે. જોકે, તેમને ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટનો દરજ્જો અપાયો નથી. લિડિંગ્ટનને ‘નો ડીલ’ બ્રેક્ઝિટની તૈયારી કરવાની કામગીરી સોંપાઈ શકે છે.

ગાઢ સાથીદારનું રાજીનામું

નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી જેમ્સ બ્રોકેનશાયરે સ્વાસ્થ્યના કારણોસર કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના ફેફસા પર ઉઝરડા જણાતા તેમણે આગામી દિવસોમાં સર્જરી કરાવવી પડે તેમ છે. વડા પ્રધાન મે સરકારમાં પોતાની સત્તા સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે બ્રોકેનશાયર જેવા ગાઢ સાથીને ગુમાવવાથી તેમને આંચકો લાગ્યો છે.

અસ્થિરતાનો ભય

સીનિયર ટીમ અસ્થિર બની જશે તેવા ભયથી વડા પ્રધાન થેરેસાએ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર ફિલિપ હેમન્ડને અન્ય કામગીરી સોંપવાનો વિચાર બદલી નાખ્યો હતો.

જાવિદ હાઉસિંગ સેક્રેટરી

કેબિનેટ ફેરબદલમાં સાજિદ જાવિદને હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ્સના સેક્રેટરીપદે નિયુક્ત કરાયા છે. આથી, તેઓ હાઉસિંગ સેક્રેટરી તરીકે ઓળખાશે. બ્રોમ્સગ્રોવના સાંસદ જાવિદનો જન્મ લેન્કેશાયરના રોશડેલમાં થયો હતો. તેઓ મૂળ પાકિસ્તાની પેરન્ટ્સનું સંતાન છે. તેમના પિતા બસ ડ્રાઈવર હતા.

પક્ષનો છબરડો

ટોરી વડા મથકે પાર્ટી ચેરમેન તરીકે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગના નામની જાહેરાત કરીને મોટો છબરડો વાળ્યો હતો, જે ભૂલ પાછળથી સુધારી લેવાઈ હતી.
નવ વાઇસ ચેરમેન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીના નવ વાઈસ ચેરમેનના નામો જાહેર કર્યા હતા, જેમાં ત્રણ જુનિયર મિનિસ્ટર્સનો સમાવેશ થયો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીમાં વાઈસ ચેરમેનનો હોદ્દો અમેરિકી બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ જેવો સાંભળવામાં મહત્ત્વનો લાગે છે પરંતુ, તેના ટાઈટલનું ખાસ મહત્ત્વ નથી.
વાઈસ ચેરમેન્સમાં કેબિનેટ ઓફિસમાં જુનિયર મિનિસ્ટર રહેલા ક્રિસ સ્કિડમોર (પોલિસી), કેમી બેડનોક (કેન્ડિડેટ્સ), મારિયા કૌલફિલ્ડ (વિમેન), રહેમાન ચિશ્તી અને હેલન ગ્રાન્ટ (કોમ્યુનિટીઝ), પૂર્વ ટ્રેઝરી મિનિસ્ટર એન્ડ્રયુ જોન્સ (બિઝનેસ એંગેજમેન્ટ્સ), પૂર્વ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટર માર્કસ જોન્સ (લોકલ ગવર્મેન્ટ) અને જેમ્સ મોરિસ (ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ)નો સમાવેશ થાય છે. સ્કિડમોર, એન્ડ્રયુ જોન્સ અને એન્ડ્રયુ જોન્સ સરકારમાં પણ રહેશે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter