મોદી મિશનઃ નૂતન ભારતનું નિર્માણ

Wednesday 05th June 2019 05:17 EDT
 
 

નવી દિલ્હીઃ પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે લાગી ગઇ છે. શપથગ્રહણ કર્યાના બીજા દિવસે સવારે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળતાં જ મોદીએ પ્રથમ નિર્ણય શહીદ જવાનોના સંતાનોને અપાતી સ્કોલરશીપ વધારવાનો કર્યો હતો. બાદમાં પ્રથમ કેબિનેટ મિટિંગમાં દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ આપવા તેમજ નાના ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શન યોજના જાહેર કરી હતી. બાદમાં મોદીએ ટ્વીટ કર્યું હતુંઃ પીપલ ફર્સ્ટ, પીપલ ઓલ્વેઝ.

૫૭ સભ્યોનું પ્રધાનમંડળ

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ૩૦ મેના રોજ સાંજે યોજાયેલા શાનદાર સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળના ૫૭ સભ્યો સાથે હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. જેમાં ૨૪ કેબિનેટ કક્ષાના, ૯ રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) અને ૨૪ રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે દેશવિદેશના ૮૦૦૦ મહેમાનોએ હાજરી આપી હતી.

જ્યાં ચૂંટણી છે તે રાજ્યોમાંથી ૧૬ પ્રધાન

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ૩ રાજ્ય - મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આમ આ રાજ્યોમાંથી ૯ પ્રધાન બનાવાયા છે. સૌથી વધુ ૫ પ્રધાન મહારાષ્ટ્રના છે. તો આવતા વર્ષે બિહાર, દિલ્હી અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી થશે. આથી આ ૩ રાજ્યમાંથી ૭ પ્રધાન બનાવાયા છે. તેમાંથી પાંચ બિહારના છે. લોકસભા ચૂંટણીમાં પહેલી વાર બંગાળમાં ભાજપને ૧૮ બેઠક મળી છે. અહીંથી બે સાંસદો - બાબુલ સુપ્રિયો અને દેબશ્રી ચૌધરીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. પ્રધાનમંડળમાં મુખ્તાર અબ્બાસ નક્વી એક માત્ર મુસ્લિમ છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નઝમા હેપતુલ્લા, એમ. જે. અકબર અને નક્વી એમ કુલ ત્રણ મુસ્લિમ પ્રધાન હતા.

દિગ્ગજોની ગેરહાજરી, આશ્ચર્યજનક એન્ટ્રી

મોદી પ્રધાનમંડળમાં અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ જેવા અનુભવી અને દિગ્ગજ નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. તો બીજી તરફ, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરના નામ પ્રધાનમંડળમાં સામેલ થતાં રાજકીય વિશ્લેષકોથી માંડીને આમ આદમીમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.
ભાજપના રાષ્ટ્રવ્યાપી પ્રસારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર અમિત શાહને ધારણા અનુસાર જ ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ એવા ગૃહ મંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે. જ્યારે જયશંકરને વિદેશ સચિવ તરીકેના તેમના બહોળા અનુભવને નજરમાં રાખીને વિદેશ મંત્રાલયનું નેતૃત્વ સોંપાયું છે.

રાજનાથને સંરક્ષણ, નિર્મલાને નાણાં

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ગૃહ મંત્રાલય સંભાળતા રાજનાથ સિંહને આ વખતે સંરક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો સંરક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરીને ભારે નામના મેળવનાર નિર્મલા સીતારામનને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપાઇ છે. આમ દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બનવાનું બહુમાન ધરાવતા નિર્મલા સીતારામને હવે નાણાં પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. પાંચ દસકા બાદ એક મહિલાએ નાણાં પ્રધાનનું સુકાન સંભાળ્યું છે. અગાઉ ઇન્દિરા ગાંધી આ મંત્રાલય સંભાળી ચૂક્યાં છે. નીતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનો હવાલો સોંપાયો છે.

વિદેશ સચિવમાંથી વિદેશ પ્રધાન

એસ. જયશંકર પહેલા એવા વિદેશ પ્રધાન છે જેઓ વિદેશ સચિવ પણ રહી ચૂક્યા છે. જાન્યુઆરી ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૮ સુધી તેઓ આ પદ પર રહ્યા છે. તેઓ ૧૬ મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે. આ પહેલાં એમ. સી. ચાગલા અને નટવર સિંહ એવા વિદેશ પ્રધાન હતા જેઓ વિદેશ સેવામાં રહી ચૂક્યા હતા. એમ. સી. ચાગલા ૧૯૬૬-૬૭ વચ્ચે વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ અમેરિકા, ક્યૂબા, મેક્સિકો અને આયર્લેન્ડમાં પણ ભારતીય રાજદૂત રહ્યા છે. તેઓ બ્રિટનમાં પણ હાઈ કમિશ્નર તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. નટવર સિંહે ૧૯૫૩થી ૧૯૮૪ સુધી વિદેશમાં સેવા કરી હતી. મે ૨૦૦૪થી ડિસેમ્બર ૨૦૦૫ સુધી તેઓ મનમોહન સરકારમાં વિદેશ પ્રધાન રહ્યા છે.

ગિરિરાજ, રિજ્જૂ અને શેખાવતને પ્રમોશન

અરુણાચલ પ્રદેશમાંથી બે વાર સાંસદ તરીકે ચૂંટાયેલા કિરણ રિજ્જૂને ઉર્જા રાજ્યપ્રધાનથી બઢતી આપીને આ વખતે રાજ્યપ્રધાનનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. આ રીતે ગિરિરાજ સિંહને કેબિનેટ પ્રધાન તરીકે પ્રમોશન અપાયું છે. ગઈ વખતે તેઓ રાજ્યપ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો સંભાળતા હતા. ગજેન્દ્ર સિંહ શેખાવતને પણ કેબિનેટ પ્રધાન બનાવાયા છે. ગઈ વખતે તેમને રાજ્યપ્રધાનનો સ્વતંત્ર હવાલો સોંપાયો હતો. મહેન્દ્રનાથ પાંડે પણ કેબિનેટ પ્રધાન બન્યા છે.

પહેલી વખત જળશક્તિ મંત્રાલયની રચના

દેશમાં પહેલીવાર જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટ વધ્યું છે તેવા સમયે આ મંત્રાલયનું મહત્ત્વ વધી ગયું છે. વડા પ્રધાન મોદીએ પહેલી જ વાર કેબિનેટ પ્રધાન બનેલા જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવતને આ મહત્ત્વના મંત્રાલયની જવાબદારી સોંપી છે. વડા પ્રધાનના ભરોસા પર ખરા ઉતરવા માટે શેખાવતને અનેક પડકારોનો સામનો કરવો પડશે. સૌપ્રથમ તો તેમણે પાકિસ્તાનમાં વહીને જતું ભારતના ભાગનું પાણી અટકાવવા પગલાં લેવા પડશે. એટલું જ નહીં, આ પાણીનો દેશમાં યોગ્ય ઉપયોગ થાય તેવું આયોજન પણ કરવું પડશે. સાથોસાથ વિવિધ રાજ્યો વચ્ચે જળ વહેંચણી મુદ્દે પ્રવર્તી રહેલા વિવાદોને પણ ઉકેલવાના છે. તે ઉપરાંત પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ખૂબ જ મહત્ત્વાકાંક્ષી નદીઓને જોડવાની યોજના પર ઝડપથી કામ કરવાનો પડકાર પણ ખરો.

ટોચના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ

નરેન્દ્ર મોદી અને પ્રધાનોની શપથવિધિમાં ઉદ્યોગપતિઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો. ટોચના ઉદ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી, રતન તાતા, એલ. એન. મિત્તલ, ગૌતમ અદાણી, એસ્સારના ડાયરેક્ટર પ્રશાંત રુઇ, તાતા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન્, વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ, એચડીએફસી ગ્રૂપના દીપક પારેખ, મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી, પરિમલ નથવાણી, ભારતી ગ્રૂપના રાકેશ ભારતી મિત્તલ, રાજન ભારતી મિત્તલ, એન.આ.ર નારાયણ મૂર્તિ, વીડિયોકોનના રાજકુમાર ધૂત, કલ્યાણ જ્વેલર્સના ટી. એસ. કલ્યાણરમન ઐયર વગેરે હાજર રહ્યા હતા.

બોલિવૂડ સેલિબ્રિટીઓનો ઝગમગાટ

ફિલ્મઉદ્યોગના જાણીતા નામો રજનીકાન્ત, આશા ભોસલે, કંગના રણૌત, શાહિદ કપુર, બોની કપુર, જિતેન્દ્ર, કરણ જોહર સહિતની સેલિબ્રિટીઓએ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તો પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપુર, વિવેક ઓબેરોય, મધુર ભંડારકર, અનુપમ ખેર, સુશાંત રાજપૂત, કાજલ અગરવાલ, અભિષેક કપુર, આનંદ એલ. રાય, ડિરેક્ટર રાજકુમાર હિરાણી, અભિષેક કપુર અને પ્રોડ્યુસર બોની કપુર પણ આમંત્રિતોમાં જોવા મળતા હતા. બોની કપુરે કહ્યું હતું કે, તેમને આમંત્રણ મળતાં તેઓ ગર્વની લાગણી અનુભવે છે. જે રીતે ભાજપને વિજય મળ્યો છે તે જોતાં આ સમારોહ ઉત્સવ જેવો જ બનવો જોઈએ. કંગના રણૌતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. કંગનાએ સૌથી પહેલાં મુંબઈથી દિલ્હી પહોંચીને મોદીને અભિનંદન આપ્યાં હતાં. ‘વડાપ્રધાને કેટલાક ગોલ નક્કી કર્યા છે અને આપણે આ બધું તેમની સ્પીચમાં સાંભળ્યું જ છે. હું તેમને શુભકામના પાઠવું છું અને દેશ વતી તેમને બેસ્ટ ઓફ લક કહું છું.’ એમ કંગનાએ કહ્યું હતું. મોદીની બાયોપિકમાં ભૂમિકા કરનારા વિવેક ઓબેરોયે કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીને ત્રીજી વાર શપથ લેતાં જોઈ રહ્યો છું. એક વાર મેં તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને બે વાર વડા પ્રધાન તરીકે શપથ લેતાં જોયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter