મોદી સરકારના જુઠ્ઠાણાંઓથી હું જરા પણ ડરતી નથીઃ સોનિયા ગાંધી

Thursday 28th April 2016 04:00 EDT
 
 

નવી દિલ્હીઃ યુપીએના શાસનકાળ દરમિયાન બહાર આવેલા ૩,૫૬૫ કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં ૧૨૫ કરોડની ખાયકીના મામલે ભાજપ સરકારે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ઘેરવાનો પ્રયાસ કરતાં જ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડા પ્રધાન સાથે સોદો કર્યો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ મારા ચારિત્ર્યહનનની વ્યૂહરચના અપનાવી રહ્યો છે. હેલિકોપ્ટર સોદામાં મારા પર મુકાઈ રહેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અમે એવું કશું કર્યું નથી જે છુપાવવું પડે. તેમને મારું નામ લેવા દો, હું ડરતી નથી. આ સરકાર છેલ્લાં બે વર્ષથી સત્તામાં છે, શા માટે તેણે સોદાની તપાસ પૂરી કરી નથી? સરકારે બને તેટલી ઝડપથી પક્ષપાત વિના તપાસ પૂરી કરવી જોઈએ અને સત્ય બહાર આવી જશે. તેમની પાસે કોઇ પુરાવા નથી, તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. અમે જાણીએ છીએ કે એક ચોક્કસ વ્યૂહરચના અંતર્ગત મારું ચારિત્ર્યહનન કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે પણ પડકાર ફેંક્યો હતો કે જો મારી સામે નક્કર પુરાવા હોય તો તેઓ મને ફાંસીના માંચડે લટકાવી દે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે, આ મામલામાં કોઈ કેસ બનતો નથી, આ અંગે અમારી પાર્ટી જ જવાબ આપશે.

‘આ તો ભાજપની સ્ટ્રેટેજી’

સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર બે વર્ષથી છે, અત્યાર સુધી તેણે આ મામલે તપાસ કેમ હાથ નથી ધરી? હું પણ ઈચ્છું છું કે આ મામલે ઝડપથી અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર તપાસ થાય કે જેથી સત્ય લોકોની સામે આવે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ અને મોદી સરકાર માત્ર જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે, ફેલાવવા હોય એટલા જુઠ્ઠાણા ફેલાવો દો, હું ડરતી નથી. પુરાવા ક્યાં છે? ચરિત્રને હાનિ પહોંચાડવાની આ એ લોકોની (ભાજપ અને કેન્દ્ર)ની એક સ્ટ્રેટેજી છે. સોનિયાએ કહ્યું કે આક્ષેપો સાવ પાયાવિહાણો અને જુઠ્ઠા છે, મારી પાસે છુપાવવા જેવું કોઇ જ નથી, મારું નામ વીવીઆઇપી હેલિકોપ્ટર મામલે જેણે લેવું હોય તે લે હું ડરતી નથી.

મને ફાંસીના માંચડે લટકાવી દોઃ પટેલ

કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પણ ભાજપના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્યા આધારે તમે આ મામલે મારું નામ લઇ રહ્યા છો? હું ઇચ્છું છું કે આ મામલાની તપાસ કરવામાં આવે અને જો મારી વિરુદ્ધ લગાવવામાં આવી રહેલા આરોપોના પુરાવા મળી જાય તો મને ફાંસીએ લટકાવી દેજો.

આક્ષેપો-પ્રતિ આક્ષેપો

યુપીએ સરકારના કાર્યકાળમાં ખુલ્લા પડેલા ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે ભારતમાં રાજકીય આક્ષેપ-પ્રતિ આક્ષેપોનું રમખાણ ફાટી નીકળ્યું છે. બુધવારે સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપના હાલમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા સુબ્રમણ્યમ્ સ્વામીએ આ હેલિકોપ્ટર કૌભાંડમાં સોનિયા ગાંધીના નામને જોડીને તેમને ભ્રષ્ટાચારી કહ્યા હતા. સ્વામીએ સોદાના વચેટિયા ક્રિશ્ચિયન મિચેલ દ્વારા ઇટાલીની હાઈ કોર્ટમાં મૂકાયેલા આરોપોને ગૃહમાં દોહરાવી સોનિયા ગાંધીનાં નામનો ઉલ્લેખ કર્યો હતો, જેની સામે કોંગ્રેસના સાંસદોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં નાયબ અધ્યક્ષ પી. જે. કુરિયને રેકોર્ડમાંથી સોનિયા ગાંધીનું નામ દૂર કરવા આદેશ આપ્યો હતો. ગુલામ નબી આઝાદે આરોપ મૂક્યો હતો કે, ઇટાલીના વડા પ્રધાન રેન્જી સાથેની મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ ગાંધી પરિવારને ફસાવવા સોદો કર્યો હતો. આઝાદના આ આરોપને ફગાવી દેતા નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આવી કોઇ મુલાકાત યોજાઇ જ નથી.

અમે સોદો રદ કર્યો હતો: કોંગ્રેસ

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, યુપીએ સરકારે ભ્રષ્ટાચારની જાણ થતાં જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેનો સોદો રદ કરી કંપની બ્લેકલિસ્ટ કરી હતી. અમે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. યુપીએ સરકારે અદાલતી કાર્યવાહી કરીને બેંકગેરંટી મની પાછા મેળવ્યા હતા. કંપનીએ ત્રણ હેલિકોપ્ટર ડિલિવર કર્યાં હતાં, પરંતુ અમે તે પાછાં આપ્યાં નહોતાં. બીજી તરફ, ભાજપે દાવો કર્યો હતો કે કંપનીને બ્લેકલિસ્ટ તો ભાજપ સરકારે કરી હતી. જો યુપીએના શાસનમાં કંપની બ્લેકલિસ્ટ થઇ હોય તો કોંગ્રેસે તેના પુરાવા જાહેર કરવા જોઇએ.

આમનેસામને
• કોંગ્રેસઃ યુપીએ સરકારે ઓગસ્ટાને બ્લેકલિસ્ટ કરી હતી તો ભાજપ સરકારે બ્લેકલિસ્ટમાંથી કેમ હટાવી?
ભાજપઃ યુપીએ સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટ કરી નહોતી.
• કોંગ્રેસઃ આ કંપનીને મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા ઇવેન્ટમાં પરવાનગી કેમ અપાઈ?
ભાજપઃ પહેલાં કોંગ્રેસ યુપીએના કાર્યકાળમાં કંપનીને બ્લેકલિસ્ટ કરાયાના આદેશની નકલ બતાવે.
• કોંગ્રેસઃ શું વડા પ્રધાન મોદી અને ઇટાલીના વડા પ્રધાન રેન્જી વચ્ચે કોઈ સોદો થયો છે?
ભાજપઃ વડા પ્રધાન મોદી અને ઇટાલીના વડા પ્રધાન વચ્ચે કોઈ પણ જાતની સમજૂતી થઈ નથી.
• કોંગ્રેસઃ મોદીએ ઇટાલિયન મરિનની મુક્તિના બદલામાં ગાંધી પરિવારને ફસાવવા માહિતી માગી?
ભાજપઃ મોદી અને ઇટાલીના વડા પ્રધાન વચ્ચે મુલાકાત થઇ હોવાના અહેવાલો ખોટા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter