મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનની નવાજેશ કરતું સ્વીડન

Thursday 21st May 2026 05:21 EDT
 
 

ગોથેનબર્ગ: પાંચ દેશના પ્રવાસના ભાગરૂપે રવિવારે નેધરલેન્ડથી સ્વીડન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગોથેનબર્ગ એરપોર્ટ પર સ્વિડીશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને ખૂબ ઉમળકાભેર અને આત્મીયતા સાથે સ્વાગત કર્યું હતું. ભવ્ય સ્વાગત બાદ મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને મળેલું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન હતું.
વડાપ્રધાન મોદીનું વિમાન એર ઇન્ડિયા વન ગોથેનબર્ગની હવાઇસીમામાં પહોંચ્યું કે તરત જ તેને સ્વીડનની એર ફોર્સના અત્યાધુનિક ‘ગ્રિપેન’ યુદ્ધવિમાનોએ એસ્કોર્ટ કરીને અનોખું બહુમાન આપ્યું હતું. ક્રિસ્ટર્સનના આમંત્રણ પર મોદી 8 વર્ષ બાદ સ્વીડનના પ્રવાસે પહોંચ્યા હતા. આ પૂર્વે મોદી 2018માં સ્વીડનના પ્રવાસે આવ્યા હતા.
બે દિવસના પ્રવાસે સ્વીડન પહોંચેલા વડાપ્રધાન મોદીએ ગોથેનબર્ગ પહોંચ્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભવ્ય સ્વાગત બદલ ક્રિસ્ટર્સનનો આભાર માનતા આ પ્રવાસ દરમિયાન ભારત-સ્વીડનની મૈત્રી અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવાની ઉત્સુક્તા વ્યક્ત કરી હતી.
મજબૂત દ્વિપક્ષી સહયોગ માટે પ્રતિબદ્ધ
ભવ્ય સ્વાગત બાદ વડાપ્રધાન મોદીએ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષી મંત્રણા કરી હતી, જેના કેન્દ્રમાં સંરક્ષણ, વ્યાપાર, સ્પેસ સહિતના વિષયો સામેલ હતા. બાદમાં બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. જેમાં ગ્રીન ટ્રાન્ઝીશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇમર્જિંગ ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, મજબૂત સપ્લાય ચેઇન, ક્લાઇમેટ એક્શન અને લોકો-લોકો વચ્ચેના સંબંધો સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બનાવવા પર ગહન ચર્ચા થઈ હતી. બન્ને દેશના વડાઓએ દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
યુરોપના ટોચના સીઇઓ સાથે બેઠક
બાદમાં મોદીએ યુરોપિયન કમિશન (ઇસી)નાં અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપીયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા સમગ્ર યુરોપનું વ્યાપાર જગતના નેતાઓનું એક મોટું સંગઠન છે. આ બેઠકમાં ઉર્સુલા વાન ડેર ઉપરાંત યુરોપની ટોચની કોર્પોરેટ કંપનીઓના વડા હાજર રહ્યા હતા. બેઠકમાં યુરોપના પાંચ જુદાં-જુદા ક્ષેત્રની 55 વૈશ્વિક કંપનીઓ હાજર હતી. વિશ્વને કનેક્ટિવિટી પૂરી પાડતી વોડાફોન, એરિકસન, નોકિયા અને ઓરેન્જ જેવી કંપનીઓ હતી, જેની નજર ભારતના ડિજિટલ ભવિષ્ય પર છે. બેઠકમાં મોદીએ આ કંપનીઓનો વિશ્વાસ જીતવા દર વર્ષે ભારત-યુરોપ સીઇઓ રાઉન્ડ ટેબલનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
ભારતીય સમુદાયને કહ્યું - તમારા પર ગર્વ છે
મોદી એરપોર્ટથી હોટેલ રવાના થયા ત્યારે તેમના સ્વાગતમાં ગોથેનબર્ગના માર્ગો પર સ્થાનિક ભારતીયોની ભારે ભીડ ઊમટી પડી હતી અને જાહેર માર્ગો મોદી... મોદી...ના નારા ગુંજી ઊઠયા હતા. મોદીએ હાથ હલાવીને ભારતીય સમુદાયનું આત્મીયતાથી અભિવાદન કર્યું હતું. મોદીએ સ્વીડનમાં અભૂતપૂર્વ સ્વાગત બાદ સોશિયલ મીડિયા પર સ્થાનિક ભારતીય સમુદાયનો પણ આભાર માન્યો હતો. ગોથેનબર્ગમાં ભારતીય સમુદાય તરફથી મળેલો સ્નેહ ખરેખર હૃદયસ્પર્શી હતો. ગોથેનબર્ગના માર્ગો પર ઊમટી પડેલા સેંકડો ભારતીયોના ઉત્સાહથી ગદગદ વડાપ્રધાને કહ્યું કે ગોથેનબર્ગમાં ભારતીય સમુદાય તરફથી મળેલો સ્નેહ અને પોતીકાપણું ખરેખર હૃદયસ્પર્શી હતું. તેમણે ભારતીય સમુદાયને કહ્યું હતું કે તમારા બધા પર અમને બહુ ગર્વ છે.
સ્વાગતમાં ભારતીય સંસ્કૃતિની ઝલક
વડાપ્રધાન મોદી ગોથેનબર્ગ એરપોર્ટ પરથી તેમની હોટેલ પર પહોંચતાં જ પરિસરમાં સ્થાનિક ભારતીય સમુદાયે પરંપરાગત બંગાળી લોકનૃત્ય અને આરતી સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વીડનની ધરતી પર ભારતીય પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોઇને મોદી ભાવવિભોર થઇ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter