મોદીનો ઇઝરાયલ પ્રવાસઃ ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે, અને અત્યારે ભારતના વડા પ્રધાન તરીકે

Wednesday 05th July 2017 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારથી શરૂ થયેલો ઇઝરાયલ પ્રવાસ ઐતિહાસિક તો છે જ, પણ ઇતિહાસ એ પણ કહે છે કે ઇઝરાયલે ભારતને ૧૯૬૫નું યુદ્ધ, ૧૯૭૧નું યુદ્ધ કે પછી ૧૯૯૯ના કારગિલ યુદ્ધ જેવા દરેક સંકટના સમયે મદદ કરી છે. ૨૦૧૪માં કેન્દ્રમાં એટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે સંબંધોનો નવો યુગ શરૂ થયો છે.
નરેન્દ્ર મોદીનો આ બીજો ઇઝરાયલ પ્રવાસ છે. અગાઉ તેઓ ૨૦૦૬માં ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇઝરાયલના પ્રવાસે ગયા હતા. અને આજે ૨૦૧૭માં ભારતના વડા પ્રધાન તરીકે ઇઝરાયલ પહોંચ્યા છે.
એપ્રિલમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દોસ્ત ગણાવ્યા હતા. દુનિયાના એક માત્ર યહૂદી દેશ અને માંડ ૮૩ લાખની વસતી ધરાવતું ઇઝરાયલ ચારેબાજુથી કટ્ટર દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાં આજે દુનિયામાં પોતાનો એક અલગ જ દબદબો ધરાવે છે. તેની ધાક ગણો તો ધાક, અને પ્રભાવ ગણો તો પ્રભાવ જ એવો છે કે આજે કટ્ટર વિરોધી દેશ પણ ઇઝરાયલ ઉપર નજર નાખતાં પહેલાં દસ વખત વિચાર કરે છે.

ભારતની બદલાતી રણનીતિ

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ૧૯૬૭માં યુદ્ધ થયું હતું, જે દરમિયાન ઇઝરાયલે પેલેસ્ટાઇનની વેસ્ટ બેંક ઇસ્ટ યરુશલમ અને ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હતો. તે સમયે ભારત સહિતના દેશોએ ઇઝરાયલની આકરી ટીકા કરી હતી. જોકે હવે સમય બદલાયો છે. મોદી ઇઝરાયલની મુલાકાતે છે, પણ તેઓ પેલેસ્ટાઇનની મુલાકાત લેવાના નથી. આથી નિષ્ણાતો માની રહ્યા છે કે ભારત ઇઝરાયલ મામલે પોતાની રણનીતિ બદલી રહ્યું છે. ઇઝરાયલ મુલાકાતથી ભારત ચીનને વધુ નારાજ કરે તેવી શક્યતાઓ પણ છે.
ચીન અને પાકિસ્તાનની સાથે વધતા જતાં તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇઝરાઇલ પ્રવાસ ભારત માટે કેટલીય રીતે ખૂબ જ મહત્ત્વનો છે. એક નજર ભારત ઇઝરાયલ સંબંધો ઉપર નાંખીએ.

બંને દેશો વચ્ચે સંરક્ષણ વ્યાપાર

વર્તમાનમાં ભારત દુનિયાભરમાં ઇઝરાઇલનો ૧૦મો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે. હથિયારોનો પુરવઠાના મામલે ઇઝરાયલ પોતાને ત્યાં બનતા હથિયારોનો સૌથી વધુ ૪૧ ટકા નિકાસ કરે છે.
૧૯૯૦ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે સૈન્ય સંબંધ સૌથી મહત્ત્વના રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬થી ૨૦૧૬ દરમિયાન બંને દેશો વચ્ચે લગભગ ૬૭૦ બિલિયન રૂપિયાનો વ્યાપાર થયો. હાલમાં ભારત વર્ષે ૬૭ બિલિયનથી લઇને ૧૦૦ બિલિયન સુધીના સૈન્ય ઉત્પાદનો ઇઝરાયલ પાસેથી ખરીદે છે.

વર્ષ ઇઝરાઇલથી શસ્ત્રોની આયાત

૨૦૧૧-૧૨           રૂ. ૧૨૯૬.૨૧ કરોડ
૨૦૧૨-૧૩           રૂ. ૭૭૪.૫૪ કરોડ
૨૦૧૩-૧૪           રૂ. ૧૨૩૪.૬૫ કરોડ

ભારતને ઇઝરાયલ પાસેથી મળેલા મહત્ત્વના શસ્ત્રો પર નજર ફેરવીએ તો, બરાક-૮ વીએલએસ અને બરાક-૧ મિસાઇલ, જે જમીનથી હવામાં આક્રમણ કરવા સક્ષમ છે. ફાલ્કન ૨૨૩૮ સ્ટાર નામનું અત્યાધુનિક રડાર હવા અને જમીન પર નજર રાખવાની ખૂબ જ મહત્ત્વની કામગીરી કરે છે. કાશ્મીરમાં હાલ ચાલી રહેલી આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ભારતીય સુરક્ષા દળો આ રડાર સિસ્ટમનો ઉપયોગ કરી
રહ્યા છે.
ડર્બી મિસાઇલ હવાથી હવામાં હુમલો કરવામ સક્ષમ છે. જ્યારે હેરાન, સર્ચર અને હારોપ માનવરહિત વિમાન છે. જોખમી અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે આ વિમાનો ખૂબ ઉપયોગી ગણાય છે.
સ્પાઇક ઇઆર એન્ટિ ટેન્ક ગાઇડેડ વેપન છે, જે દુશ્મન દેશની ટેન્કનો ખુરદો બોલાવી દેવા સક્ષમ છે.

બે વર્ષમાં મહત્ત્વના કરાર

• સપ્ટેમ્બર ૨૦૧૪માં ૯૬૫ કરોડ રૂપિયાના ખર્ચે બરાક-૧ એન્ટિ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
• ઓક્ટોબર ૨૦૧૪માં ૫૨.૫ કરોડ ડોલરના ખર્ચે ૮,૩૫૬ સ્પાઇક એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને ૩૨૧ લોન્ચર
• સંવેદનશીલ સરહદ પર ઇલેક્ટ્રોનિક વાડ લગાવવા માટેની આવશ્યક ટેક્નિક ઇઝરાયલ જ ભારતને પૂરી પાડી રહ્યું છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ આ વર્ષમાં બંને દેશો વચ્ચે કેટલાય સૈન્ય કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ૧.૫ બિલિયન ડોલરનો એન્ટિ ટેન્ક મિસાઇલ અને બરાક-૮ એર ડિફેન્સ મિસાઇલ સોદો થવાની પણ શક્યતા છે. આમાંના કેટલાક કરાર મોદીના અત્યારના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન જ સાકાર થાય તો પણ નવાઇ નહીં.

મોદી માટે શુદ્ધ શાકાહારી ભોજન

ઈઝરાયલમાં હોટેલ તરફથી વડા પ્રધાન મોદી અને ઇઝરયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ માટે લંચમાં જે મેનુ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં માંસ કે ઈંડાંમાંથી બનેલી એક પણ વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈઝરાયલી ભારતીય રેસ્ટોરાં માલિક અને ટીવી પર્સનાલિટી પુષ્કરર્ણા અને તેમની શેફ ટીમ વડા પ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન વિશેષ વ્યંજનો બનાવશે. ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ શેલ્ડન રિટ્સ જાતે જ તૈયારીઓની માહિતી મેળવી રહ્યા છે. ગત ત્રણ મહિના દરમિયાન ભારતનાં આઠ પ્રતિનિધિ મંડળ ઈઝરાયલ પહોંચીને તૈયારીઓનું નિરીક્ષણ કરી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter