યુએઈ ભારતમાં 5 બિલિયન ડોલરનું રોકાણ કરશેઃ ચાર કલાકના મોદી પ્રવાસની ફળશ્રુતિ

Wednesday 20th May 2026 05:21 EDT
 
 

અબુ ધાબી: મિડલ-ઇસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુએઈના એક દિવસના પ્રવાસે અબુ ધાબી પહોંચ્યા હતા. માત્ર ચાર કલાકના આ ટૂંકા પ્રવાસમાં ભારત-યુએઈએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ, લાંબાગાળાના એલપીજી પુરવઠા, સંરક્ષણ અને શિપિંગ સહિતના ક્ષેત્રે શ્રેણીબદ્ધ કરારો કર્યા હતા. આ સાથે યુએઈએ ભારતમાં કુલ 5 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. મોદીના આ પ્રવાસની સૌથી મહત્ત્વની સફળતા યુએઈ સાથે ઊર્જા સુરક્ષા કરાર રહ્યો હતો. કરાર અંતર્ગત યુએઈ ભારતના રણનીતિક પેટ્રોલિયમ ભંડારમાં ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરશે. યુએઈનો પ્રવાસ પૂરો કરીને મોદી યુરોપના ચાર અન્ય દેશોના પ્રવાસે રવાના થયા હતા.
વડાપ્રધાન મોદીને આવકારવા યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ખુદ એરપોર્ટ પર પહોંચ્યા હતા તે જ આ પ્રવાસનું મહત્ત્વ દર્શાવે છે. મોદીનું વિમાન યુએઈની હવાઈ સરહદમાં પહોંચતા જ યુએઈ એરફોર્સના એફ-16 ફાઈટર જેટે તેને એસ્કોર્ટ કર્યું હતું અને બાદમાં એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વડાપ્રધાન મોદીએ યુએઈના પ્રમુખને ભારત આવવા આમંત્રણ પણ આપ્યું હતું.
પશ્ચિમ એશિયામાં શાંતિ માટે સહયોગ
આપવા ભારત તૈયારઃ મોદી
મોદીના આ ટૂંકા પ્રવાસનો મુખ્ય એજન્ડા ઊર્જા સુરક્ષા હતો. આ એજન્ડા પૂરો કરવા બંને પક્ષોએ ઇંડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિ. અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની વચ્ચે રણનીતિક સહયોગની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર હેઠળ યુએઈ ભારતના રણનીતિક પેટ્રોલિયમ ભંડારમાં પોતાની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરશે. બંને દેશોએ ભારતમાં ગેસ ભંડાર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા સહમતી વ્યક્ત કરી છે. આ સાથે બંને નેતોઓએ ક્રૂડ ઓઈલ, એલએનજી અને એલપીજના પુરવઠા સહિત ભારતની ઊર્જા સુરક્ષામાં યુએઈની મહત્વપૂર્ણ અને સ્થાયી ભાગીદાર તરીકેની ભૂમિકા સ્વીકારી અને ભવિષ્યમાં વ્યાપક ઊર્જા ભાગીદારી માટે નવી પહેલોને પ્રોત્સાહન આપવા પર સહમતી વ્યક્ત કરી હતી. નાહયાન સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં શાંતિની પુનઃ સ્થાપના માટે ભારત હર સંભવ સહયોગ કરવા તૈયાર છે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસનું સૌથી નક્કર પરિણામ એ રહ્યું કે યુએઈએ ભારતમાં વિવિધ ક્ષેત્રમાં કુલ પાંચ બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. એમિરેટ્સ એનબીડી ભારતની આરબીએલ બેન્કમાં ત્રણ બિલિયન ડોલરનું રોકાણ કરશે, અબુ ધાબી રોકાણ ઓથોરિટી (એડીઆઈએ) ભારતના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ ભંડોળ સાથે પ્રાથમિક્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં એક બિલિયન ડોલરનું રોકાણ કરશે અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની ભારતના સન્માન કેપિટલમાં એક બિલિયન ડોલરનું રોકાણ કરશે.
ભારત અને યુએઈએ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક સુરક્ષા ભાગીદારીની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા હતા. બંને પક્ષોએ આ કરારને સ્થિર અને મજબૂત સુરક્ષા સંબંધો તરીકે ગણાવ્યા હતા. ભારત અને યુએઈએ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને ગાઢ કરવા, ઈનોવેશન અને એડવાન્સ ટેક્નોલોજી પર સહયોગ કરવા, તાલિમ અને સંયુક્ત અભ્યાસોનો વિસ્તાર કરવા તથા સમુદ્રી સુરક્ષા, સાઈબર સુરક્ષા અને સુરક્ષિત સંચાર અને માહિતીના આદાન-પ્રદાનને મજબૂત કરવા પર સહમતી વ્યક્ત કરી હતી.
મોદી એક સાચા ખજાના જેવા છેઃ યુએઈના પ્રધાન
યુએઈના એક પ્રધાને વડાપ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા કરતા ‘વડાપ્રધાન મોદી સાચો ખજાનો’ હોવાનું જણાવ્યું હતું. યુએઈના આંતરરાષ્ટ્રીય સહયોગ રાજ્યપ્રધાન રીમ અલ હાશિમીએ વડાપ્રધાન યુએઈનો પ્રવાસ શરૂ કરે તે પહેલાં એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે મોદીનો આ પ્રવાસ કાર્યક્રમ બંને દેશોના સંબંધોને મજબૂત કરશે. મજબૂત ભારત અને મજબૂત યૂએઇ વિના ભવિષ્યની કલ્પના થઈ શકે તેમ નથી. તેમણે કહ્યું કે, ‘યુએઈના નેતૃત્વ અને લોકો માટે વડાપ્રધાન મોદી એક સાચા ખજાના જેવા છે. તેમણે જ્યારથી વડાપ્રધાન પદ સંભાળ્યું છે ત્યારથી યુએઈ અને ભારતના ટોચના નેતા નિયમીતપણે એકબીજાને મળતા રહે છે.’ અલ હાશિમીએ કહ્યું કે ભારત અને યુએઈ ટૂંક સમયમાં 200 બિલિયન ડોલરનું વેપાર લક્ષ્યાંક હાંસલ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter