યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી

Wednesday 24th June 2026 05:25 EDT
 
 

કોલકાતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય આત્મનિર્ભરતા અને દરિયાઈ ક્ષમતા દ્વારા રાષ્ટ્રીય સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો.
મહાનગરના ઐતિહાસિક રેડ રોડ પર આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં અને ત્યારબાદ શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ ખાતે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નૌકાદળના ત્રણ જહાજોને રાષ્ટ્રને અર્પણ કરવાના સમારોહમાં સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત શિસ્ત અને રાષ્ટ્રીય ક્ષમતાથી વધુ મજબૂત અને આત્મવિશ્વાસી ભારતનું નિર્માણ થઈ શકે છે.
એક સંદેશ આરોગ્ય, શાંતિ અને સૌહાર્દ પર કેન્દ્રિત હતો, જ્યારે બીજો સંદેશ સુરક્ષા, ટેક્નોલોજીકલ પ્રગતિ અને વ્યૂહાત્મક પ્રભાવને મજબૂત બનાવવાનો હતો. રેડ રોડ ખાતે હજારો લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં સંબોધન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યક્તિગત આરોગ્ય સુધારવા માટે જ નહીં, પરંતુ વિશ્વશાંતિ સ્થાપિત કરવા માટે પણ મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે. દુનિયાભરમાં ચાલતા અનેક સંઘર્ષો અને ભૂ-રાજકીય તણાવો વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, ભારતની આ પ્રાચીન પદ્ધતિ માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધી મર્યાદિત નથી. યોગ માનસિક સ્વાસ્થ્યનો પણ માર્ગ બતાવે છે. ભગવદ ગીતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કામ, ભોજન અને ઊંઘમાં સંતુલન દુખોને દૂર કરી શકે છે. આ સંતુલન જીવનની જેમ યોગનો પણ મૂળ આધાર છે.
તેમણે કહ્યું, આધુનિક જીવનશૈલીમાં મોટાભાગના લોકો આ સંતુલનને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યોગ આપણને સંતુલિત રીતે જીવન જીવવાની કળા શિખવે છે. તેમણે કહ્યું, આપણે સંકલ્પ લઈએ કે યોગને માત્ર કોઈ એક દિવસ અથવા આયોજન સુધી મર્યાદિત નહીં રાખીએ પરંતુ તેને પોતાના જીવન, પરિવાર અને ભાવી પેઢીઓના જીવનનો ભાગ બનાવીશું. આજના સમયમાં યોગ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સરહદોથી પાર એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. દુનિયાના ભવિષ્યને વધુ સારુ બનાવવા માટે પણ યોગ જરૂરી છે. તેમણે કહ્યું કે, પૃથ્વી પર વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન હવે યોગના કારણે સૌથી મોટો સામુદાયિક ઉત્સવનો દિવસ બની ગયો છે. યોગ લોકોને જોડે છે. આ પ્રસંગે હું વિશ્વના લોકોને અભિનંદન પાઠવું છું.
50ની ઉમરમાં 30 જેવી ઊર્જા જરૂરીઃ
મોદીએ લોકોને આસન શીખવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગ કર્યા હતા. આ સાથે જ તેમણે ઇન્સ્ટ્રક્ટર બનીને યોગ કરવાની સાચી રીત પણ સમજાવી હતી. તેમણે કહ્યું હતું કે આપણું લક્ષ્ય 40ની ઉમરે 20 વર્ષ જેવું લવચીક, 50ની ઉમરે 30 વર્ષ જેવું ઊર્જાવાન અને 70ની ઉમરે 50 વર્ષ જેવું સ્વસ્થ થવાનું હોવું જોઈએ. આમાં યોગ જ આપણી મદદ કરી શકે છે.
તેમણે કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાંથી યોગની પ્રેરણાદાયી તસવીરો જોવા મળી રહી છે. જ્યારે યોગ વ્યક્તિના સ્વભાવનો ભાગ બની જાય છે ત્યારે તે માનવ એકતાનો પાયો મજબૂત કરે છે. યોગ માત્ર શારીરિક કસરતનું એક સ્વરૂપ નથી અને તેને કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત કરી શકાય નહીં. તે ચેતના, જીવનશક્તિ અને આંતરિક પ્રકાશનો સ્ત્રોત છે, જે માનવ જીવનના દરેક તબક્કાને સમૃદ્ધ બનાવે છે. યોગ જીવનભર સતત વિકાસ અને સ્વયં-સુધારણાને પ્રોત્સાહિત કરે છે. ફલેક્સિબિલિટી સુધારવામાં, ઊર્જાનું સ્તર જાળવી રાખવામાં, તણાવ ઘટાડવામાં અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે અને સાથે જ જીવનશૈલીની વિકૃતિઓને રોકવામાં પણ મદદ કરે છે.
રાષ્ટ્રવ્યાપી યોગમય ઉજવણી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ સાથે ઉજવાયો હતો. ‘કરો યોગ, રહો નિરોગ’ના મંત્ર સાથે સવારના પ્રથમ કિરણની સાથે જ દેશના બગીચાઓ, શાળાઓ, જાહેર સ્થળો અને ઐતિહાસિક ધરોહરો પર વડાપ્રધાનથી લઈને સામાન્ય જનતા, યુવાનો અને બાળકોએ સામૂહિક યોગ કર્યા હતા.આ વર્ષે યોગ દિવસની થીમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહી હતી. બીજી તરફ, અમેરિકા અને યુરોપથી લઈને એશિયાના અનેક દેશો સુધી 'ઓમ'ની ગુંજ સંભળાઇ હતી.
190થી વધુ દેશમાં યોગ સત્ર
દુનિયાભરમાં રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ સાથે ઉજવવાયો હતો. આયુષ મંત્રાલય અને મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે 190થી વધુ દેશોના 2,500 થી વધુ સ્થળોએ યોગ સત્રો યોજાયા હતા. 2014માં જ્યારે યુએનએ 21 જૂનને વિશ્વ યોગદિવસ જાહેર કર્યો હતો ત્યારે જ 177 દેશોએ તેને સમર્થન આપ્યું હતું. 2026 માટે આ વૈશ્વિક ઉત્સવની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ છે.
વિદેશમાં 210થી વધુ ભારતીય મિશનોની દેખરેખ હેઠળ જાપાનથી લઈને અમેરિકા અને યુરોપ સુધી હજારો લોકોએ યોગ કર્યા. જાપાનમાં 2,100, અને વોશિંગ્ટનમાં 4 હજાર લોકોએ યોગ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter