મુંબઇઃ દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો રૂપિયાનો વ્યવસાય ધમધમી રહ્યો છે.
લોકો હવે પહેલા કરતાં તેમના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને વધુ મહત્વ આપી રહ્યા છે અને તેના માટે અઢળક નાણાં પણ ખર્ચી રહ્યા છે. ઓનલાઈન યોગ વર્ગોએ તેને દરેક માટે સરળ બનાવ્યું છે. યોગ ફક્ત શારીરિક તંદુરસ્તી નથી, પરંતુ લોકોને એકબીજા સાથે જોડે છે.
ઇક્વેન્ટિસ ડોટકોમ નામના એક વેબપોર્ટલના અહેવાલ મુજબ, 2027 સુધીમાં યોગ 66.2 બિલિયન ડોલરનો ઉદ્યોગ બનશે, જે વધુ ઝડપથી વિકાસ પામશે તેવી અપેક્ષા છે. યોગ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે, તેથી તેનાથી સંબંધિત સ્ટાર્ટઅપ્સ પણ ઝડપથી ઉભરી રહ્યા છે.
એક અહેવાલ મુજબ, ભારતમાં વેલનેસ માર્કેટ રૂ. 490 બિલિયનનું છે, જેમાંથી યોગ સ્ટુડિયો અને ફિટનેસ સેન્ટરો 40 ટકા હિસ્સો ધરાવે છે. આગામી ત્રણ વર્ષમાં, આ બજાર 20 ટકાના દરે વધીને રૂ. 875 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. લોકો હવે રોગોથી બચવા માટે યોગ અપનાવી રહ્યા છે, જે આ બજારના વિકાસનું એક મુખ્ય કારણ છે.
ટેક્નોલોજીનો કમાલ
ઓનલાઇન પ્લેટફોર્મ, એપ્લિકેશન્સ અને ટેકનોલોજીએ યોગને તમામ ઉંમરના અને ક્ષમતાઓના લોકો માટે સુલભ બનાવ્યો છે. યોગની દુનિયામાં 18 સ્ટાર્ટઅપ્સની બોલબાલા છે. આ સ્ટાર્ટઅપ્સ દેશ અને દુનિયાભરમાં યોગ સંબંધિત કાર્ય કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ્સમાં ઇવોલેશન, ટમીડોટકોમ, BWT એક્સપિરિયન્સ, મોમેન્ટમ કલેક્ટિવ, આર્ટ ઓફ લિવિંગ ડિજિટલ, યોગંતા, જુરુ મેટ્સ, ડ્રન્ક યોગા, આયુ યુનિવર્સ, ફિટમી, વેલનેસિસ યોગીફાઇ, યોગાજલ, હીટવાઈઝ, સુનાના, સર્વ ઓનલાઇન યોગ, યોગા બાર્સ, ફોરએવર યોગા અને અક્ષર પાવર યોગાનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટાર્ટઅપ્સ તાલીમ, વર્કશોપ, સાધનો અને સંસાધનો, સંગીત, કલા, મેટ ઉત્પાદન, લેખો અને નિષ્ણાત તાલીમ તથા આરોગ્યવર્ધક પીણાં અને અન્ય ઉત્પાદનો સહિત અન્ય સેવા પૂરી પાડે છે.