રફાલ સોદામાં શંકાને સ્થાન નથી: સુપ્રીમ કોર્ટની સરકારને ક્લિનચીટ

Saturday 15th December 2018 07:07 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે થયેલા સંરક્ષણ સોદાની ન્યાયિક સમીક્ષા કરવાનો ઇનકાર કરતાં મોદી સરકારને મોટી રાહત મળી છે. રફાલ સોદામાં તપાસની માગ કરતી ચાર અરજીઓ ફગાવતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અરજીઓ ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દની અખબારી મુલાકાત અને મોદી સરકાર દ્વારા અનિલ અંબાણીની કંપનીની તરફેણ કરાયાના મીડિયા અહેવાલોની ધારણાના આધારે કરાઈ છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ એસ. કે. કૌલની ત્રણ જજની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, વ્યક્તિગત ધારણાઓ ન્યાયિક સમીક્ષાનો આધાર બની શકે નહીં. કોર્ટ રફાલ સોદાનાં દરેક પાસાં મુદ્દે સરકાર પર સુપ્રીમ ઓથોરિટી બનીને બેસી શકે નહીં. સાથે સાથે જ કોર્ટે રફાલ સોદા માટેની નિર્ણયપ્રક્રિયા, કિંમત અને ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં હસ્તક્ષેપ કરવા ન્યાયિક સમીક્ષાના તેના અધિકારોનો ઉપયોગ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. કોર્ટ સરકારની એ દલીલ સાથે સહમત થઈ હતી કે, સંરક્ષણની ખરીદીઓની ન્યાયિક સમીક્ષામાં મર્યાદા અપાયેલી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે ૨૪ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ થયેલા ઇન્ટર-ગવર્ન્મેન્ટ એગ્રીમેન્ટ મુદ્દે પણ શંકા કરવાનાં કારણો નથી. નિર્ણયપ્રક્રિયામાં થોડાઘણા બદલાવથી સોદો રદ કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે સરકારના એ દાવાને માન્ય રાખ્યો છે કે, રફાલ સોદો દેશના આર્થિક લાભ માટે છે અને તેની ટેક્નોલોજી જાહેર કરવાનું રાષ્ટ્રહિતમાં નથી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, એરફોર્સને સર્વોપરિતા હાંસલ કરવા માટે ફોર્થ અને ફિફ્થ જનરેશન ફાઇટર જેટની તાકીદે જરૂર છે. આપણો દેશ તૈયારી વિના બેસી રહી શકે નહીં. અમે એ મુદ્દામાં પડવા નથી માગતા કે સરકારે ૩૬ વિમાનની ખરીદી કેમ કરી છે કે પછી ૧૨૬ વિમાન કેમ નથી ખરીદયા. અમે આ મુદ્દે કોઇ આદેશ આપી શકીએ નહીં.
સુપ્રીમ કોર્ટે રફાલ વિમાનની કિંમત મુદ્દે જણાવ્યું હતું કે, કોર્ટ ૨૦૦૭માં કરાયેલા અસલ સોદા અને ૨૦૧૬માં મોદી સરકાર દ્વારા કરાયેલા સોદામાં નક્કી કરાયેલી કિંમતોની ન્યાયિક સમીક્ષા કરી શકે નહીં. સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે, ૩૬ વિમાનના સોદામાં દેશને આર્થિક લાભ થયો છે. શસ્ત્રો અને વિમાનની ટેક્નિકલ ક્ષમતાના સંદર્ભમાં વધુ સારી શરતોનો સમાવેશ કરાયો છે તેથી અમે વધુ કશું કહી શકીએ નહીં.

પાર્ટનરની પસંદગીમાં સરકારની ભૂમિકા નથી

સુપ્રીમ કોર્ટે સરકારનાં એ વલણને પણ સ્વીકાર્યું છે કે, ઈન્ડિયન ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં તેની કોઈ ભૂમિકા રહી નથી. રફાલની નિર્માતા કંપની દસોલ્ટ દ્વારા ભારતીય ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરવામાં આવી છે. સરકારે રિલાયન્સ ડિફેન્સની દસોલ્ટ દ્વારા કરાયેલી પસંદગીમાં તરફેણ કરી હોવાના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી, કારણ કે ભારતીય ભાગીદારની પસંદગી સરકારના હાથમાં નથી.

ઉડતી નજરેઃ કોર્ટે શું કહ્યું?

• અરજીઓ ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દના મીડિયા ઇન્ટરવ્યૂ અને મોદી સરકાર દ્વારા અનિલ અંબાણીની કંપનીની તરફેણ થયાની ધારણા મીડિયા અહેવાલોના આધારે કરાઈ.
• વ્યક્તિગત ધારણાઓ ન્યાયિક સમીક્ષાનો આધાર બની શકે નહીં. અદાલત રફાલ સોદાનાં દરેક પાસાં મુદ્દે સરકાર પર સર્વોચ્ચ સત્તામંડળ બનીને બેસી શકે નહીં.
• રફાલ સોદા માટેની નિર્ણયપ્રક્રિયા, કિંમત અને ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં હસ્તક્ષેપ કરવા ન્યાયિક સમીક્ષાના તેના અધિકારોનો ઉપયોગ અદાલત નહીં કરે.
• સંરક્ષણ ખરીદી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વના એવા બે સરકારો વચ્ચેના કરારોના મામલામાં ન્યાયિક સમીક્ષાની મર્યાદા લદાયેલી છે.
• ઇન્ટર ગવર્ન્મેન્ટ એગ્રીમેન્ટની નિર્ણયપ્રક્રિયા પર શંકાને કોઇ કારણો નથી. નિર્ણય કરવાની પ્રક્રિયામાં થોડાઘણા બદલાવથી સોદો રદ કરી શકાય નહીં.
• અમે સરકાર દ્વારા ૧૨૬ કે ૩૬ વિમાનોની ખરીદી કરાઈ તેમાં પડવા માગતા નથી. અમે સરકારને ૧૨૬ વિમાનની ખરીદી કરવા આદેશ આપી શકીએ નહીં.
• કોર્ટ ૨૦૦૭માં કરાયેલા અસલ સોદા અને ૨૦૧૬માં મોદી સરકાર દ્વારા કરાયેલા સોદામાં નક્કી કરાયેલી કિંમતોની ન્યાયિક સમીક્ષા કરી શકે નહીં.
• સરકારે રિલાયન્સ ડિફેન્સની દસોલ્ટ દ્વારા કરાયેલી પસંદગીમાં તરફેણ કરી હોવાના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી, કારણ કે ભારતીય ભાગીદારની પસંદગી સરકારના હાથમાં નથી.
• સપ્ટેમ્બર ૨૦૧૬માં સોદો કરાયો ત્યારે તેના પર કોઈએ સવાલ ઉઠાવ્યો નહોતો.

બધા ચોર જ ચોકીદાર ચોર હૈના નારા લગાવતા હતાઃ અમિત શાહ

સુપ્રીમ કોર્ટે રફાલ સોદાને પડકારતી તમામ અરજીઓ રદ કરી નાખતાં ભાજપની નેતાગીરી કોંગ્રેસ સહિતના વિપક્ષ પર ટીકાની ઝડી વરસાવી હતી. ભાજપના પાંચ વરિષ્ઠ નેતાઓએ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસને જૂઠાણું ફેલાવવા બદલ દેશની માફી માગવા જણાવ્યું હતું. ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો રાહુલ ગાંધીની જુઠ્ઠાણાની રાજનીતિ પર તમાચો છે. રાહુલ ગાંધી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મૂકવા બદલ દેશ અને સૈનિકોની માફી માગે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રાહુલ ગાંધીના દુષ્પ્રચારને ઉઘાડો પાડી દીધો છે. હું સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારું છું. સત્યનો વિજય થયો છે. જૂઠ્ઠાણા દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.

સોદાની તપાસ જેપીસી જ કરી શકે: કોંગ્રેસ

રફાલ સોદા પરના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અમારાં એ વલણને માન્ય રાખ્યું છે કે તે રફાલ ફાઇટર જેટ વિમાનના સોદામાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનો નિર્ણય લઈ શકે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે રફાલ સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરાવવી જોઈએ. કોંગ્રેસ અગાઉ પણ જણાવી ચૂકી છે કે રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય લઈ શકે નહીં. રફાલ સોદામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ સોદાની ફાઇલો અને તેના પર મુકાયેલી નોંધની ચકાસણી કરીને ફક્ત સયુક્ત સંસદીય સમિતિ જ કરી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter