રામમંદિર પરિસરમાં એક લટાર...

Monday 22nd January 2024 04:41 EST
 
 

392 સ્તંભ, પાંચ મંડપ, સીતાકૂપ
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હશે. પારંપારિત નાગર શૈલીમાં બનાવવામાં આવેલ રામમંદિરના સંકુલની લંબાઈ 380 ફૂટ (પૂર્વથી પશ્ચિમ દિશામાં) અને પહોળાઈ 250 ફૂટ તથા ઊંચાઈ 161 ફૂટની છે. મંદિરના પ્રત્યેક માળની ઊંચાઈ 20 ફૂટની છે, આ ભવ્ય મંદિર ત્રણ માળનું બનાવવામાં આવ્યું છે. મુખ્ય ગર્ભગૃહમાં રામલલા બિરાજશે તથા પ્રથમ માળ પર રામદરબાર હશે. આ ભવ્ય રામમંદિરમાં કુલ 392 સ્તંભ છે તથા 44 દરવાજા હશે.
રામમંદિરમાં કુલ પાંચ મંડપ
ભવ્ય રામમંદિરમાં પાંચ મંડપ રાખવામાં આવ્યા છે. નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. મંદિરના તમામ સ્તંભ અને દીવાલો પર દેવીદેવતા તથા દેવાંગનાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી કરી શકાશે, 32 પગથિયા ચડીને સિંહ દ્વારથી પ્રવેશ મળશે.
ચાર દિશામાં ચાર દેવતાના મંદિર
મંદિરની ચારે તરફ પરકોટા રહેશે. તેની કુલ લંબાઇ 732 મીટર તથા પહોળાઇ 14 ફૂટની રહેશે. પરકોટાના ચારે ખૂણા પર સૂર્યદેવ, મા ભગવતી, ગણપતિ તથા ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરનું નિર્માણ કરાશે. ઉત્તર દિશામાં મા અન્નપૂર્ણા અને દક્ષિણ દિશામાં હનુમાનજીનું મંદિર હશે. મંદિરની બાજુમાં પૌરાણિક કાળનો સીતાકુપ રખાશે.
70 ટકા વિસ્તાર હંમેશા લીલોછમ
મંદિરની નીચે 14 મીટર જાડી આરસીસી બિછાવવામાં આવી છે. મંદિરને ભેજથી બચાવવા 21 ફુટ ઊંચી પ્લિથ ગ્રેનાઇટથી બનાવવામાં આવી છે. મંદિર પાસે પોતાના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વતંત્ર પાવર સ્ટેશન રહેશે. 25,000ની ક્ષમતા ધરાવતાં દર્શનાર્થી માટે સુવિધા કેન્દ્રનું નિર્માણ થઇ રહ્યું છે. સંકુલમાં સ્નાનાગાર, શૌચાલય, વોશ બેઝિન વગેરે સુવિધા હશે. મંદિરના વિસ્તારનો 70 ટકા પ્રદેશ હંમેશાં લીલોછમ રહેશે.
મંદિરે પહોંચવા બે માર્ગ
અયોધ્યામાં એક કિમી લાંબો ભક્તિ માર્ગ પણ તૈયાર થયો છે. ભગવાન શ્રી રામ મંદિર સુધી પહોંચવા માટે બે રસ્તા હશે. એક રસ્તો જૂનો છે, જે હનુમાન ગઢીના દર્શન બાદ ભગવાન શ્રી રામના દર્શન માટે છે. આ માર્ગ પર દશરથ મહેલ અને કનક ભવન પણ આવેલા છે. તેને ‘ભક્તિ પથ’ નામ અપાયું છે. આ માર્ગ પર બંને બાજુ એક સરખી દુકાનો જોવા મળશે. શ્રી રામ મંદિરનો બીજો મુખ્ય પ્રવેશદ્વાર રામ પથથી હશે. 600 મીટરનું અંતર કાપ્યા બાદ ભક્તો સીધા મંદિર પહોંચશે. અગાઉ અહીં સાંકડી ગલીમાં શ્રદ્ધાળુઓ અને વાહનો બંને અટવાઈ જતા હતા.
ભવ્ય રામાયણ વેક્સ મ્યુઝિયમ બનશે
અયોધ્યામાં રામલલ્લા માટે ભવ્ય મંદિર તો બન્યું જ છે, પણ આગામી ચાર મહિનામાં સાત કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યામાં રામાયણના પાત્રોનું મીણની પ્રતિમાઓનું મ્યુઝિયમ તૈયાર થઇ જશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેડમ તુસા વેક્સ મ્યુઝિયમ જેવા આ મ્યુઝિયમ બનાવવાનું ટેન્ડર મેળવનારાં મૂળ કેરળના વતની પણ હાલ લોનાવાલામાં સ્થાયી થયેલા સુનિલ, સુભાષ અને સુજીત કંડલ્લૂર બંધુઓ ભારતમાં મીણના સંગ્રહાલયો બનાવવા માટે જાણીતાં છે. તેમના મ્યુઝિયમો મહારાષ્ટ્રમાં લોનાવાલા, તમિલનાડુમાં કન્યાકુમારી અને કેરળમાં થેક્કડીમાં આવેલાં છે.
અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રામાયણ વેક્સ મ્યુઝિયમ બનાવવા માટે ગયા વર્ષે એપ્રિલમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ સાત કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સુનિલને મળ્યો હતો. સુનિલ કહે છે કે અમે મ્યુઝિયમના ટેન્ડર ભરનારાં એકલાં જ હતા.
આથી સરકારે ફરી વાર ટેન્ડર બહાર પાડયું પણ ફરી વાર પણ અમે એકલા જ ટેન્ડર જ ભરનારાં પુરવાર થયા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું મ્યુઝિયમ બનાવવા માટે જે પ્રકારનું કૌશલ્ય જોઇએ તે અમારા સિવાય દેશમાં બીજું કોઇ ધરાવતું નથી. કંડલ્લૂર બંધુઓ આ અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની મીણની પ્રતિમા બનાવી ચૂક્યા છે.

392 સ્તંભ, પાંચ મંડપ, સીતાકૂપ,
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હશે. પારંપારિત નાગર શૈલીમાં બનાવવામાં આવેલ રામમંદિરના સંકુલની લંબાઈ 380 ફૂટ (પૂર્વથી પશ્ચિમ દિશામાં) અને પહોળાઈ 250 ફૂટ તથા ઊંચાઈ 161 ફૂટની છે. મંદિરના પ્રત્યેક માળની ઊંચાઈ 20 ફૂટની છે, આ ભવ્ય મંદિર ત્રણ માળનું બનાવવામાં આવ્યું છે. મુખ્ય ગર્ભગૃહમાં રામલલા બિરાજશે તથા પ્રથમ માળ પર રામદરબાર હશે. આ ભવ્ય રામમંદિરમાં કુલ 392 સ્તંભ છે તથા 44 દરવાજા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter