રાષ્ટ્રપતિ પદ માટે દલિત વિ. દલિતઃ મીરા કુમાર યુપીએના ઉમેદવાર

Friday 23rd June 2017 05:28 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પદના ચૂંટણી જંગમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ દ્વારા રામનાથ કોવિંદને મેદાનમાં ઉતારાયા બાદ વિરોધ પક્ષોની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે ચાર દિવસના મનોમંથન બાદ કોંગ્રેસ સહિતના ૧૭ વિપક્ષોએ મીરા કુમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ દ્વારા ગુરુવારે આ જાહેરાત કરાઇ હતી. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું બહુમાન ધરાવતાં મીરા કુમાર ૨૭ જૂને તેમનું ઉમેદવારી પત્ર ભરશે.
યુપીએ દ્વારા મીરા કુમારનું નામ જાહેર થતાંની સાથે જ હવે રાષ્ટ્રપતિ પદનો જંગ દલિત વિરુદ્ધ દલિત થઈ ગયો છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી ૧૭ જુલાઈના રોજ યોજાવાની છે, તેનું પરિણામ ૨૦ જુલાઈએ જાહેર થશે. યુપીએ દ્વારા તેમના ઉમેદવાર તરીકે મીરા કુમારનું નામ જાહેર થતાં જ ભાજપે નિવેદન કર્યું હતું કે મીરા કુમારને બલિનો બકરો બનાવાયા છે. તેમને હારવા માટે જ ઉમેદવાર બનાવાયા છે. કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર હતી ત્યારે તેમને રાષ્ટ્રપતિ બનાવવાની ઉજળી તક હતી, પરંતુ તે સમયે તેમની ઉપેક્ષા કરાઇ હતી.
ભાજપે જે દિવસે કોવિંદને ઉમેદવાર જાહેર કર્યા તે દિવસે જ વિપક્ષોનાં મહાગઠબંધનમાં ભંગાણની શરૂઆત થઈ ગઈ હતી. ખાસ કરીને ટીઆરએસ, એઆઈએડીએમકે, વાયએસઆર કોંગ્રેસ, બીજુ જનતા દળ (બીજેડી), જનતા દળ (યુ) દ્વારા ભાજપને સમર્થન જાહેર કરાયા બાદ માયાવતી પણ અલગ થવાના રસ્તે હતા. મમતા વિદેશપ્રવાસે ચાલ્યાં ગયાં છે. આ સંજોગોમાં કોંગ્રેસ પાસે નાના પક્ષોનાં સમર્થન સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

જગજીવનરામના પુત્રી મીરાં

મીરા કુમારનો જન્મ ૩૧ માર્ચ ૧૯૪૫ના રોજ બિહારમાં થયો હતો. દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન જગજીવનરામનાં પુત્રી છે મીરા કુમાર. તે સાસારામ ખાતેથી સાંસદ છે. તેઓ દેશના પહેલાં મહિલા લોકસભાનાં સ્પીકર રહી ચૂક્યાં છે. તેઓ સાસારામ ખાતેથી સતત બે વખત અને કુલ પાંચ વખત સાંસદ બન્યાં છે. તેમના પતિ મંજુલ કુમાર સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે સેવા આપે છે. તેમને બે પુત્ર અને બે પુત્રીઓ સહિત ત્રણ સંતાનો છે.

કોવિંદનો રસ્તો આસાન

જનતા દળ (યુ), ટીઆરએસ, એઆઈએડીએમકે, વાયએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળ દ્વારા એનડીએને સમર્થન જાહેર કરાયું હતું. આમ તેમની તરફેણમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમનું પલ્લું ભારે થઇ ગયું છે. તેમની તરફેણમાં ઈલેક્ટોરલ કોલેજના ૬૧.૮૯ ટકા વોટ થઈ ગયા છે. વિપક્ષો પાસે પૂરતા મત ન હોવાથી કોવિંદ સરળતાથી રાષ્ટ્રપતિ થઈ જશે તેવું લાગી રહ્યું છે.

નીતિશ ઐતિહાસિક ભૂલ કરે છે: લાલુ

મીરાં કુમારનું નામ જાહેર થયા બાદ ફરીથી વિરોધ પક્ષના ગઠબંધનના મહત્ત્વના પક્ષોએ એકસંપ રહેવા હાકલ કરી હતી. ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, હું નીતિશજીને અપીલ કરવા માગું છું કે તેઓ પોતાના આ નિર્ણય અંગે ફેરવિચારણા કરે. તેઓ વિપક્ષનાં મહાગઠબંધનને તોડે નહીં. મીરાં બિહારનાં દીકરી છે. નીતિશ તેમને સાથ નહીં આપીને ઐતિહાસિક ભૂલ કરી રહ્યા છે. સમર્થનનો નિર્ણય સજ્જનતા કે દુર્જનતાના આધારે નહીં, પણ વિચારધારાના આધારે કરવો જોઈએ.
લાલુએ ટોણો મારતાં જણાવ્યું કે, પહેલાં તો બધા કહેતા હતા કે આપણે સાથે જ છીએ અને બેઠકો પણ કરી હતી. હવે એકાએક નિયમ કેમ બદલાઈ ગયો છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, મીરાં કુમાર યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે. હું અન્ય પક્ષોને અપીલ કરું છું કે તેઓ અમારી સાથે જોડાય અને તેમને મત આપે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter