વોશિંગ્ટન, નવી દિલ્હીઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ મામલે અમેરિકાની શરતોને તાબે ન થનાર ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત તો કરી છે, પરંતુ આમ કરીને ભારતને ભીંસમાં લેવાનો તેમનો (બદ)ઇરાદો સફળ થાય તેમ લાગતું નથી. ટેરિફ ટેરરથી ફફડી ગયેલા દુનિયાના મોટા ભાગના દેશો અમેરિકી પ્રમુખની કુરનિશ બજાવી રહ્યા છે ત્યારે મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પર લાદવામાં આવેલો 25 ટેરિફ અને 25 ટકાની પેનલ્ટી અન્યાયી, અયોગ્ય અને અતાર્કિક છે. દેશહિત સાથે સંકળાયેલા કોઇ પણ મુદ્દે બાંધછોડ કરવા ભારત તૈયાર નથી.
ટેરિફ મામલે ટ્રમ્પના અક્કડ અભિગમથી આગામી દિવસોમાં શું થશે એ તો સમય જ કહેશે, પરંતુ ભારતના મક્કમ વલણથી બે વાત સ્પષ્ટ થઇ ગઇ છે. એક તો, ટેરિફના કોકડાએ ભારત-અમેરિકાના મિત્રતાપૂર્ણ સંબંધોમાં તણાવ વધારી દીધો છે. અને બીજું, વિશ્વતખતે એક નવી જ રાજકીય ધરી રચાવાના ચક્રો ગતિમાન થઇ ગયા છે.
મિત્રદેશ રશિયાએ અમેરિકાની ટેરિફ નીતિનો ખુલ્લો વિરોધ કરતાં ભારતને સમર્થન જાહેર કર્યું છે તો (શત્રુદેશ) ચીને પણ ભારતના વિરોધને વાજબી ઠરાવતા અમેરિકાના અભિગમને અયોગ્ય ગણાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) બેઠકમાં હાજરી આપવા માટે ચીન જઇ રહ્યા છે ત્યારે ચીન-રશિયા-ભારતના વડાઓ વચ્ચેની મંત્રણામાં યુએસ ટેરિફ મુદ્દો કેન્દ્રસ્થાને હશે તેમ માનવું અસ્થાને નથી. આખી દુનિયાના રાજદ્વારીઓની નજર ત્રણેય દેશના નેતાઓની આગામી બેઠક પર છે.
ભારત અને રશિયાના વેપાર સંબંધોને કોઇ પણ ભોગે તોડવા માગતા ટ્રમ્પનો અભિગમ કંઇક અંશે ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે તેવો છે. અમેરિકાથી લઇને યુરોપિયન યુનિયન ખુદ આજે રશિયા સાથે અબજો ડોલરનો વેપાર કરી રહ્યા છે ત્યારે માત્ર ભારતને નિશાન બનાવીને કાર્યવાહી કરવી કે ભારત પાસેથી થયેલી કમાણીમાંથી રશિયા શસ્ત્રો ખરીદીને યુક્રેન યુદ્ધમાં વાપરે છે તેવો આક્ષેપ કરવો અયોગ્ય છે.
અમેરિકા આર્થિક મહાસત્તા છે તે સાચું, પણ પ્રેસિડન્ટ ટ્રમ્પે યાદ રાખવું રહ્યું કે ભારત બહુ જ ઝડપથી વિકસી રહેલું અને વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર છે. તેની ઉપેક્ષા કે અવગણના અમેરિકા માટે નુકસાનકારક સાબિત થઇ શકે એમ છે. અમેરિકન કંપનીઓ મજબૂત ખરીદશક્તિ ધરાવતા ભારતીય બજારમાંથી અઢળક લાભ લણી રહી છે તેનાથી ભાગ્યે જ કોઇ અજાણ હશે.
એક અહેવાલ એવો પણ છે કે ભારત સરકાર પણ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની વિચારણા કરી રહી છે. જો આમ થયું તો અમેરિકન કંપનીઓને કમ્મરતોડ આર્થિક ફટકો પડી શકે છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતીય એકમોને તો ફટકો પડવાનો જ છે, પરંતુ ભારતનો વળતા ટેરિફ નબળા અમેરિકી અર્થતંત્ર માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે. બીજી તરફ, ભારતે નિકાસ વિશ્વના અન્ય દેશોમાં નિકાસ વધારવાના પ્રયાસો વેગવંતા કર્યા છે.
(વિશેષ અહેવાલ પાન 16 - 17)