રાહુલ ગાંધીને ભારત સરકારનો સવાલः શું તમે બ્રિટિશ છો?

Wednesday 01st May 2019 05:53 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારના ગૃહ મંત્રાલયે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને તેમની બ્રિટિશ નાગરિકતા બાબતે સવાલ ઉઠાવીને આવશ્યક સ્પષ્ટતા કરવા તેમજ તથ્યો રજૂ કરવા જણાવ્યું છે.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહ આ નોટિસને ‘સામાન્ય પ્રક્રિયા’ ગણાવે છે, પરંતુ દેશભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જ ઇસ્યુ થયેલી આ નોટિસે આક્ષેપ - પ્રતિઆક્ષેપનો રાજકીય ઝંઝાવાત સર્જ્યો છે. મંત્રાલયે રાહુલ ગાંધીને આ મામલે જવાબ રજૂ કરવા ૧૫ દિવસનો સમય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીએ ગૃહ મંત્રાલયને પત્ર પાઠવીને ફરિયાદ કરી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૦૯માં પોતાને બ્રિટનના નાગરિક ગણાવ્યા હતા. સ્વામીની આ રજૂઆતને જ આધાર બનાવીને ગૃહ મંત્રાલયે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ ફટકારી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલે આ નોટિસ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી જન્મથી જ ભારતના નાગરિક છે.

નોટિસમાં શું પૂછાયું છે?

ગૃહ મંત્રાલયના ડિરેક્ટર (સિટિઝનશીપ) બી. સી. જોશી દ્વારા ૨૯ એપ્રિલના રોજ ઇસ્યુ થયેલી આ નોટિસમાં રાહુલ ગાંધીને એવો પૂછવામાં આવ્યું છે કે એક કંપનીના દસ્તાવેજમાં તમારી નાગરિકતા બ્રિટિશ લખવામાં આવી છે, આ અંગે તમે તથ્યો રજૂ કરો.
નોટિસમાં એવો પણ ઉલ્લેખ છે કે સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગ્ડમમાં રજીસ્ટર્ડ થયેલી ૨૦૦૩માં રજિસ્ટર્ડ થયેલી બેકોપ્સ લિમિટેડ (Backops Limited) નામની એક કંપનીમાં ડિરેક્ટર અને સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળે છે.
રાહુલ ગાંધીને આપવામાં આવેલી નોટિસમાં કહેવાયું છે કે વર્ષ ૨૦૦૫-૦૬માં કંપની દ્વારા ફાઇલ કરવામાં આવેલા વાર્ષિક રિટર્નમાં રાહુલે પોતાની જન્મ તારીખ ૧૯ જૂન ૧૯૭૦ દર્શાવી છે અને તેમણે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા છે.
આ તમામ દસ્તાવેજોને આધાર બનાવીને સ્વામીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી હતી. જે મામલે હવે ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને ૧૫ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

અમેઠીમાં પણ થયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ત્યારે પણ વિવાદ થયો હતો. આ જ લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલે પણ તેમની નાગરિકતાનો મુદ્દો ઉઠાવીને આક્ષેપો કર્યા હતા. તેમણે પણ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક હોવાના આરોપો કરીને તેમની ઉમેદવારી રદ કરવા કહ્યું હતું. અલબત્ત, અમેઠીના રિટર્નિંગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ જાહેર કર્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષનું ઉમેદવારી ફોર્મ યોગ્ય છે. ધ્રુવ લાલે અપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવીને રાહુલ ગાંધીની નાગરિકતા અને તેમની શૈક્ષણિક લાયકાતને મુદ્દો બનાવીને પ્રશ્નો ઉઠાવ્યા હતા. ધ્રુવ લાલે કરેલી ફરિયાદમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કર્યા છે.

૨૦૧૫માં કોર્ટમાં અરજી થઈ હતી

રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે ભૂતકાળમાં પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ૨૦૧૫માં રાહુલની નાગરિકતાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી કરવામાં આવી હતી. જેમાં રાહુલની નાગરિકતાના મામલે દેશની ટોચની તપાસનીશ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસની માગ કરવામાં આવી હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે આ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અરજી સાથે જોડવામાં આવેલા દસ્તાવેજોની સત્યતા અંગે તેમજ તેને પ્રાપ્ત કરવાની પદ્ધતિ સામે જરૂર સવાલો ઉઠાવ્યા હતા.

‘મોદી ધ્યાન ભટકાવવા માગે છે’

કોંગ્રેસે નોટિસ મુદ્દે આક્રમક પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મુદ્દાઓથી ધ્યાન ભટાકાવવાનો પ્રયાસ છે. પક્ષ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી જન્મથી જ ભારતના નાગરિક છે. તેમણે કહ્યું હતું, ‘વડા પ્રધાન મોદી પાસે બેરોજગારી, ખેતીની દુર્દશા અને કાળા નાણાં મામલે કોઈ જવાબ નથી. માત્ર અને માત્ર ધ્યાન ભટકાવવાના ઇરાદાથી જ તેઓ સરકારી નોટિસ દ્વારા વાર્તા ઉપજાવી રહ્યા છે.’
દેશભરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આ મામલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જ્યારે સંસદ સભ્ય કોઈ વિભાગને પત્ર લખીને રજૂઆત કરે છે ત્યારે આ પ્રકારની પૂછતાછ થતી હોય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, કોઈ મોટી ઘટના નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter