રાહુલ રાજીનામું આપવા મક્કમ, કોંગ્રેસના નેતાઓ કહે છેઃ હુઆ સો હુઆ...

Wednesday 29th May 2019 06:18 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પક્ષના કારમા પરાજયથી વ્યથિત રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે આ નિર્ણય લીધો છે, પરંતુ પક્ષના મોવડીઓ માને છે કે પક્ષનું સુકાન તો રાહુલ ગાંધીએ જ સંભાળવું જોઇએ. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહથી માંડીને સોનિયા ગાંધીના વિશ્વાસુ અહમદ પટેલ સહિતના નેતાઓ તેમને સમજાવી રહ્યા છે કે ચૂંટણીમાં હારજીત તો ચાલ્યા કરે, પરંતુ રાહુલ તેમના નિર્ણય પર અડગ હોવાનું પક્ષના આંતરિક સૂત્રો જણાવે છે. એક અહેવાલ અનુસાર, રાહુલ ખુદ પક્ષમાં પ્રવર્તતા સગાવાદથી કંટાળ્યા છે અને આ મુદ્દે તેમણે પરાજયનું મનોમંથન કરવા યોજાયેલી બેઠકમાં પણ ઉભરો ઠાલવ્યો હતો.

પરાજય પછી ૧૩ કોંગ્રેસી નેતાઓની હોદ્દો છોડવા ઓફર

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર અડગ છે અને નવા અધ્યક્ષની વરણી નહીં થાય ત્યાં સુધી પદ પર બની રહેશે તેવું જણાવે છે ત્યારે રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે હોસ્પિટલના બિછાનેથી રાહુલને કહ્યું કે, ભાજપની જાળમાં તેણે ફસાવું ન જોઈએ. લાલુએ કહ્યું કે, રાહુલ જો રાજીનામું આપશે તો એ આત્મઘાતી પગલા સમાન સાબિત થશે. અશોક ગહેલોત રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી પાર્ટીમાં એક પછી એક રાજીનામાનો દોર ચાલ્યો છે. પંજાબ, આસામ, ઝારખંડનાં પ્રદેશ પ્રમુખ સહિત ૧૩ કોંગ્રેસી નેતાઓએ હોદ્દો છોડવા પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામાની ઓફર કરી છે. કમલનાથ અને રાજ બબ્બર પછી પંજાબનાં પ્રભારી સુનીલ જાખડે રાજીનામું મોકલી આપ્યું છે. આ ઉપરાંત ઝારખંડનાં પ્રભારી અજય કુમાર અને આસામનાં રિપુન બોરા પણ રાજીનામા મોકલી ચૂક્યા છે.

રાહુલનાં રાજીનામા અંગે મૌન

કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પાર્ટીની હારની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી જેને કારોબારીએ ફગાવી હતી. રાહુલનાં રાજીનામા અંગે કોંગ્રેસે પણ ભેદી મૌન જ જાળવી રાખ્યું છે.
રાહુલ ગાંધીએ ૨૬મીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના વલણ અને વર્તન સામે ઘેરો આક્રોશ વ્યક્ત કરીને પક્ષના કેટલાક સિનિયર નેતાઓ પર પાર્ટી કરતાં પોતાના સંતાનોના હિતોને વધુ પ્રાધાન્ય આપવાનો આરોપ મૂક્યા હતા. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દલીલ કરી હતી કે, કોંગ્રેસે સમક્ષ સ્થાનિક નેતાઓને આગળ આવવા દેવા જોઈએ ત્યારબાદ રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોગ્રેસ સત્તામાં છે તેવા રાજ્યોમાં પાર્ટીનો દેખાવ અત્યંત બદતર રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે મારી ઇચ્છા ન હોવા છતાં તેમના પુત્રો માટે ટિકિટ આપવા દબાણ કર્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્ પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ મજબૂત વિરોધ ઊભો કરવા માટે પ્રચાર દરમિયાન તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા રાફેલ અને ‘ચોકીદાર ચોર હૈ’ જેવા નારાઓ અને મુદ્દાઓને જનતા મધ્યે લઈ જવામાં પાર્ટીના નેતાઓ નિષ્ફળ રહ્યાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં જવાબદારી ઇચ્છું છું. હું મારી પોતાની જવાબદારી સ્વીકારીને પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપું છું. જોકે તેમના રાજીનામાને નકારી કાઢતાં મનમોહન સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ અગ્રીમ મોરચે નતૃત્વ પૂરું પાડયું છે અને તેમણે હતાશ થવાની કોઈ જરૂર નથી.

રાહુલનું રાજીનામું ન સ્વીકારાયું

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં કારમા પરાજયની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ ૨૫મીએ કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પક્ષ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. જો કે કારોબારીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું ન હતું. પક્ષને તેમનાં નેતૃત્વની જરૂર છે તેવી સર્વાનુમતે રજૂઆત કરાઈ હતી. યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી અને તેમના પુત્રી તેમજ રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી વાડરા એવું ઈચ્છતા હતા કે રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખનાં હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ. પક્ષનું સુકાન અન્ય કોઈ નેતાને સોંપવું જોઈએ. રાહુલ ગાંધીને ટાંકીને એવું કહેવાયું હતું કે, આપણે આપણી લડાઈ ચાલુ રાખવી જોઈએ. હું પાર્ટીનો શિસ્તબદ્ધ સેનાની બનીને રહીશ. નીડરતાથી લડાઈ અને સંઘર્ષ ચાલુ રાખીશ પણ પક્ષ પ્રમુખપદે હું રહેવા માગતો નથી. આ પછી સોનિયા ગાંધી અને પ્રિયંકાએ પ્રત્યાઘાતો આપ્યા હતા કે આ રાહુલ ગાંધીનો વ્યક્તિગત નિર્ણય છે તેથી અમે તેમને સમજાવી શકીશું નહીં. અગાઉ એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે પ્રિયંકાએ રાહુલને રાજીનામું નહીં આપવા સમજાવ્યા હતા. જોકે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે આ વાત માત્ર અફવા છે.

અબ તક ૧૩

રાહુલનાં પગલે ચાલીને ૧૩ મોટા નેતાઓએ રાજીનામાની ઓફર કરી હતી. મહારાષ્ટ્રમાં પ્રભારી અશોક ચવ્હાણ, પંજાબમાં સુનીલ જાખડ, ઝારખંડનાં અજય કુમાર, આસામનાં રિપુન બોરાએ સોમવારે તેમનાં રાજીનામા રાહુલ ગાંધીને મોકલી આપ્યા હતા. જાખડ ગુરદાસપુરમાંથી પેટા ચૂંટણી જીત્યા હતા પણ આ વખતે સની દેઓલ સામે હારી ગયા હતા. આ પહેલા રાજ બબ્બર, કમલનાથ અને ઓડિશાનાં નિરંજન પટનાયકે પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાની ઓફર કરી હતી.

કોંગ્રેસમાં મંથનનો સિલસિલો

કોંગ્રેસ હવે તેના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. રાહુલ ગાંધી પક્ષનાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને મનોમંથન કરી રહ્યા છે. અહેમદ પટેલ અને કે સી વેણુગોપાલને તેમને મળ્યા હતા. રાજસ્થાનનાં પ્રભારી અશોક ગેહલોતે પણ રાહુલ ગાંધીને રાજીનામાના નિર્ણય અંગે ફેરવિચારની સલાહ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter