રિલાયન્સ અમેરિકામાં રિફાઇનરી સ્થપાશે, 300 બિલિયન ડોલરની ઐતિહાસિક ડીલઃ ટ્રમ્પ

Tuesday 17th March 2026 05:08 EDT
 
 

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં 50 વર્ષમાં બનનારી પ્રથમ નવી ઓઈલ રિફાઇનરીના નિર્માણમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભાગીદાર બનશે. 300 બિલિયન ડોલરની આ ઐતિહાસિક ડીલને પ્રમુખ ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી ડીલ ગણાવી હતી. આ પ્રોજેક્ટનો 2026ના બીજા કવાર્ટરમાં શિલાન્યાસ થવાની સંભાવના છે. 300 બિલિયન ડોલરને રૂપિયામાં ગણીએ તો આંકડો 27 લાખ કરોડથી વધુ થાય છે.
આ રિફાઇનરી પ્રોજેક્ટનું સંચાલન કરતી કંપની અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ (AFR)ના જણાવ્યા અનુસાર નવી રિફાઇનરી ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં સ્થપાશે અને સંપૂર્ણપણે યુએસ શેલ ઓઈલનું રિફાઇનિંગ કરશે. રિલાયન્સે રિફાઈનરીમાં ઉત્પાદિત ઈંધણ ખરીદવા 20 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ટ્રુથ સોશિયલ પરની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે રિલાયન્સને આ પ્રોજેક્ટમાં ભાગીદાર ગણાવીને જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક 300 બિલિયન ડોલરનો સોદો છે. આ પ્રોજેક્ટ તેમના વહીવટી તંત્રના ‘અમેરિકા ફર્સ્ટ એજન્ડા’ને કારણે શક્ય બન્યો છે. આ સોદો અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો તથા અમેરિકન કામદારો, ઊર્જા અને દક્ષિણ ટેક્સાસના મહાન લોકો માટે એક મોટી જીત છે. આ સોદા માટે કંપની અને ભારતમાં અમારા ભાગીદારોનો આભાર માનું છું.
અલબત્ત, અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગે ભાગીદાર તરીકે રિલાયન્સનું નામ જાહેર કર્યા વગર જણાવ્યું હતું કે સૂચિત રિફાઈનરીના 10 આંકડાના મૂલ્યાંકન પર એક વૈશ્વિક સુપરમેજર તરફથી 9-આંકડાનું રોકાણ મળ્યું છે. જોકે આ મામલે રિલાયન્સે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
અડધી સદી બાદ પહેલો રિફાઇનિંગ પ્રોજેક્ટ
અમેરિકામાં 1977 પછી આ પ્રથમ નવો મોટો રિફાઈનિંગ પ્રોજેક્ટ હશે. ટ્રમ્પ કે AFR બંનેમાંથી કોઈએ પ્રોજેક્ટની નાણાકીય વિગતો કે નિર્માણ કર્યા ક્યારે પૂરું થશે તેની કોઈ વિગતો આપી ન હતી. જોકે ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટમાં 4થી 5 બિલિયન ડોલરનો ખર્ચ થઈ શકે છે.

રિલાયન્સ-અમેરિકા-ભારતઃ ત્રણેયને ફાયદો

રિલાયન્સની જામનગર રિફાઇનરી રશિયન ઓઇલ પ્રોસેસ કરવામાં કાબેલ છે, પરંતુ અમેરિકન પ્રતિબંધોના લીધે રિલાયન્સ પર જોખમ વધી રહ્યું હતું. આથી મુકેશ અંબાણીએ દૂરનું વિચારીને અમેરિકાના બ્રાઉન્સવિલેમાં પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું, જે માત્ર અમેરિકાના શેલ ઓઇલ પર ચાલશે. આમ રિલાયન્સ પર રશિયન ઓઇલ પરની નિર્ભરતાનો ટેગ હટી જશે. બીજી તરફ, ટ્રમ્પનો ‘અમેરિકા ફર્સ્ટ’નો એજન્ડા સાકાર થશે. અમેરિકાને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે સાથે સાથે જ હજારો નોકરીઓનું સર્જન થશે. ત્રીજી તરફ, ભારત-અમેરિકા સબંધો વ્યૂહાત્મક ઊંચાઈએ પહોંચશે. આ ડીલના લીધે જ ટ્રમ્પ ભારત પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા તૈયાર થયાનું મનાય છે. આટલો મોટો સોદો ટ્રમ્પ અને અંબાણી વચ્ચેના મજબૂત વ્યક્તિગત સંબંધો અને પરસ્પર વિશ્વાસના કારણે પાર પડયો છે. આથી જ ટ્રમ્પે જાહેરમાં ભારતનો અને રિલાયન્સનો આભાર માન્યો છે.

અનંત અંબાણીની મહેનતનું પરિણામ

એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે અમેરિકા સાથેની સૌથી મોટી રિફાઇનરી ડીલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અનંત અંબાણીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત પહેલી મે 2025થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળે છે. જામનગર રિફાઇનરી સંકુલમાં તેમણે સાકાર કરેલો વાઇલ્ડ લાઇફ પ્રોજેક્ટ ‘વનતારા’ દુનિયાભરમાં જાણીતો થયો છે.

અમેરિકામાં રિલાયન્સનો પહેલો પ્રોજેક્ટ

યુએસમાં રિલાયન્સનો આ પ્રથમ ઓઈલ રિફાઈનરી પ્રોજેક્ટ હશે. રિલાયન્સ હાલ જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ પરાવે છે, જેની ક્ષમતા 12.4 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની છે. રિલાયન્સ લાંબા સમયથી એનર્જી ટ્રેડિંગ, ટેકનોલોજી ભાગીદારી અને રોકાણ મારફત અમેરિકામાં બિઝનેસ ધરાવે છે.

રિલાયન્સનું દોઢ દસકા જૂનું સપનું સાકાર

રિલાયન્સ ગ્રૂપે અગાઉ યુએસ શેલ એસેટ્સમાં 2010થી 2016 વચ્ચે કુલ 8 બિલિયન ડોલરનું જંગી રોકાણ કર્યું હતું. તે સમયે તે અમેરિકામાં શેલ ગેસ એસેટ્સના મોરચે મહારથી બનવા માંગતુ હતું, પરંતુ તેના પછી અમેરિકન તંત્રની શેલ એસેટ્સને લઈને નીતિગત અસંબદ્ધતાના કારણે રિલાયન્સે તેનું જંગી રોકાણ છૂટુ કર્યું હતું. તે સમયે તેને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં તેને અમેરિકામાં જ શેલ એસેટ્સમા આટલો મોટો સોદો પાર પાડવાની તક મળશે. આમ શેલ એસેટ્સમાં મહારથી બનવાની તેની દોઢ દાયકા જૂનું સપનું હવે સાકાર થઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter