રિલાયન્સ જિયો લાવશે દેશનો સૌથી મોટો આઇપીઓ

27 કરોડ શેર દ્વારા 4 બિલિયન ડોલર એકત્ર થશે

Wednesday 24th June 2026 05:16 EDT
 
 

મુંબઇઃ દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે સાથે જ તેમણે કંપનીના શેરધારકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે રિલાયન્સની ડિજિટલ શાખા જિયોના આઇપીઓની જાહેરાત કરતા કહ્યું હતું કે દેશના સૌથી મોટા આઈપીઓ માટે ‘સેબી’માં ડ્રાફ્ટ દસ્તાવેજ રજૂ કરી દેવાયો છે.
‘સેબી’માં રજૂ થયેલા દસ્તાવેજ અનુસાર, જિયો 27 કરોડ જેટલા નવા શેર્સ જારી કરશે. કંપની આઇપીઓ મારફતે અંદાજે 37,800 કરોડ રૂ. (4 બિલિયન ડોલર) એકત્ર કરશે. તેનાથી કંપનીનું મૂલ્યાંકન રૂ. 12.95 લાખ કરોડ (137 બિલિયન) થઇ જશે. અત્યાર સુધી 27,870 કરોડ રૂપિયાનો સૌથી મોટો આઇપીઓ હ્યુંડાઈ મોટર્સનો હતો.
કંપની આ હેઠળ 27 કરોડ સુધીના નવા ઈક્વિટી શેર બહાર પાડશે. આ આઇપીઓમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 27 કરોડ સુધીના નવા શેર સામેલ હશે, જેની કિંમત ‘સેબી’ના નિયમો અનુસાર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે.
આ લિસ્ટિંગથી રિલાયન્સના શેરધારકો માટે નવું મૂલ્ય અનલોક થશે અને નવા રોકાણકારોને કંપનીના વિકાસમાં ભાગીદાર બનવાની તક મળશે. રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ બાદ રાષ્ટ્રીય જરૂરિયાતોને પૂરી કરવા માટે રિલાયન્સે એલપીજી ઉત્પાદનમાં ચાર ગણો વધારો કર્યો છે.
સૌથી મોટી વેલ્યુ ક્રિએશન ઇવેન્ટ
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો બોર્ડે મંજૂર કરેલી દરખાસ્ત અનુસાર આ આઇપીઓ સૌથી મોટી વેલ્યૂ ક્રિએશન ઇવેન્ટ હશે. સમગ્ર વિશ્વ જોશે કે ભારત વૈશ્વિક સ્તર, ક્ષમતા તેમજ મૂલ્યવાળી કંપની ઉભી કરી શકે છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે આગામી સમયમાં ભારત તમામ દેશોનો મિત્ર, શાંતિને પ્રોત્સાહન આપનાર અને સંતુલન જાળવનાર બનશે. ભારતે મહત્વપૂર્ણ સંસાધનો અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાના પ્રયાસો ઝડપી કરવા પડશે.
ન્યૂ એનર્જી બિઝનેસ સંભાળી રહેલા અનંત અંબાણીએ કહ્યું કે 2027થી આ કારોબાર કમાણી શરૂ કરશે. તેમણે ઉમેર્યું કે જામનગરમાં 5,000 એકરમાં ફેલાયેલું ધીરુભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ અને કચ્છમાં 5.5 લાખ એકરમાં રિન્યૂએબલ એનર્જી હબ મિલાવીને 2 લાખ ગ્રીન જોબ્સનું સર્જન કરીશું. જ્યારે, કંપનીનો રિટેલ બિઝનેસ સંભાળતા ઇશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનું લક્ષ્ય 2030 સુધી 1 લાખ કરોડ રૂપિયાની આવક હાંસલ કરવાનું છે. રિલાયન્સ રિટેલ નાણાવર્ષ 2026ના ચોથા ક્વાર્ટરમાં 20 હજાર સ્ટોરનો આંકડો પાર કરી ચુકી છે.
પેટન્ટ્સ - ઇનોવેશન્સમાં હરણફાળ
જિયોની ટેકનોલોજીકલ પ્રગતિ વિશે વાત કરતા તેમણે ગર્વભેર જણાવ્યું કે, જિયો પ્લેટફોર્મ્સે પેટન્ટ્સ અને ઇનોવેશન્સની દુનિયામાં જંગી કૂદકો લગાવ્યો છે. માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં કંપની 340મા ક્રમથી સીધી 20મા ક્રમે પહોંચી છે, જે વૈશ્વિક સ્તરે ટોપ 20માં સ્થાન પામનારી એકમાત્ર ભારતીય કંપની છે. હાલમાં જિયોનો કુલ યુઝર બેઝ 524 મિલિયનનો આંકડો પાર કરી ચૂક્યો છે. 5G સેવાઓમાં પણ
268 મિલિયન ગ્રાહકો સાથે ચીન પછી એક જ દેશમાં કોઈ ઓપરેટર માટે આ સૌથી મોટો આંકડો છે, જેમાં ગયા વર્ષે જ 77 મિલિયન નવા ગ્રાહકો જોડાયા હતા.
આકાશ અંબાણીએ આ પ્રસંગે ખાતરી આપી હતી કે, જિયોનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે અને આ લિસ્ટિંગ દર્શાવશે કે ભારત પણ વૈશ્વિક ક્ષમતા (Global Capability) ધરાવતી ટેક કંપનીઓ ઊભી કરી શકે છે.
એઆઇનું નવું ગ્રોથ એન્જિન
અંબાણીએ ‘રિલાયન્સ ઈન્ટેલિજન્સ’ને કંપનીના ભવિષ્યના નવા ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કર્યું છે. તેમનો સ્પષ્ટ મત છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો માત્ર કન્ઝ્યુમર ન રહેતા, તેનો સર્જક અને વૈશ્વિક નેતા બનવો જોઈએ. રિલાયન્સે નફાકારક એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિશ્વની અગ્રણી કંપનીઓ જેવી કે ગૂગલ, મેટા અને એનવીડિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. કંપનીનું લક્ષ્ય 22 વિવિધ ભારતીય ભાષાઓમાં JioBharatIQ, AI Vyapar, અને JioHealthIQ જેવી નવીન સેવાઓ પૂરી પાડવાનું છે.
આ ઉપરાંત, જામનગર ખાતે ભારતની પ્રથમ સોવેરિન એઆઈ બેકબોન તૈયાર થઈ રહી છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે ક્લીન એનર્જીથી ચાલશે અને 2026 ના અંત સુધીમાં તેનો 120 મેગાવોટનો પ્રથમ તબક્કો અદ્યતન NVIDIA GB300 GPUs ટેકનોલોજી સાથે કાર્યરત થઈ જશે.
ન્યુ એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
રિલાયન્સનો ન્યુ એનર્જી બિઝનેસ હવે નિર્માણ તબક્કામાંથી આગળ વધીને કમિશનિંગના તબક્કે પહોંચી ગયો છે. જામનગરમાં 5,000 એકર વિશાળ જમીન પર પથરાયેલું 'ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ' વિશ્વની સૌથી આધુનિક અને સંકલિત સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમ છે. અહીં સોલાર પીવી સેલ અને મોડ્યુલનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બેટરી ગીગા ફેક્ટરીની ક્ષમતા વધારીને 120 GWh કરવામાં આવશે. વધુમાં, ગ્રીન એમોનિયાના સપ્લાય માટે સેમસંગ સાથે 3 બિલિયન ડોલરનો એક ઐતિહાસિક પુરવઠા કરાર કરવામાં આવ્યો છે.
કચ્છના શુષ્ક પ્રદેશમાં 5,50,000 એકર વિસ્તારમાં કંપની એક મેગા રિન્યુએબલ એનર્જી હબ વિકસાવી રહી છે. અનંત અંબાણીએ ભારપૂર્વક કહ્યું કે વૈશ્વિક સપ્લાય ચેઈનના પડકારો વચ્ચે ભારતમાં આવી સ્વાયત્ત ક્ષમતા ઊભી કરવી એ રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા માટે વ્યૂહાત્મક રીતે અનિવાર્ય છે.
દેશનું સૌથી મોટું ક્વિક કોમર્સ નેટવર્ક
રિલાયન્સ રિટેલે તેની શાનદાર સફરના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. 20,000 થી વધુ સ્ટોર્સના નેટવર્ક સાથે તે સમગ્ર એશિયાની સૌથી મોટી રિટેલર કંપની બની ગઈ છે. નાણાકીય વર્ષ 2026 માં આ બિઝનેસે રેકોર્ડબ્રેક રૂ. 3,70,026 કરોડની ગ્રોસ રેવન્યુ હાંસલ કરી છે. ઈશા અંબાણીના સબળ નેતૃત્વ હેઠળ, રિટેલ વિભાગ હવે અદ્યતન ઉત્પાદન અને નિકાસ પ્લેટફોર્મ ક્ષેત્રે પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, જેમાં તાજા ફળો, શાકભાજી અને પોસાય તેવા ઇલેક્ટ્રોનિક્સ મુખ્ય છે. જિયોમાર્ટ આજે 3,100 થી વધુ સ્ટોર્સ સાથે ભારતનું સૌથી મોટું ક્વિક કોમર્સ નેટવર્ક બની ગયું છે. ઈશા અંબાણીએ સ્પષ્ટ કર્યું કે ભારતીય બ્રાન્ડ્સ હવે વૈશ્વિક સ્તરની ગુણવત્તાવાળી FMCG પ્રોડક્ટ્સ અત્યંત વ્યાજબી કિંમતે બનાવી શકે છે.
સમાજ સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસો
વ્યાપારી સિદ્ધિઓની સાથે રિલાયન્સ તેની સામાજિક જવાબદારી પણ બખૂબી નિભાવી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ તેમનું વિઝન શેર કરતા કહ્યું કે, સંસ્થા એક મિલિયન મહિલા સાહસિકોને સશક્ત કરવા અને 2 લાખ યુવાનોને રોજગારી મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત, ગ્રામીણ વિકાસ કાર્યક્રમો દ્વારા 23 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ફાઉન્ડેશન ભારતીય કળા, કલાકારો અને કારીગરોને વૈશ્વિક મંચ પર પ્રેમ, આદર અને ગૌરવ સાથે પ્રમોટ કરવાનું ચાલુ રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter