રોબર્ટ વાડરાની લંડનમાં રૂ. ૧૧૦ કરોડની પ્રોપર્ટી?ઃ બે તબક્કામાં કલાકો સુધી પૂછપરછ

Friday 08th February 2019 07:03 EST
 
 

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડરાની બુધવારે કલાકો સુધી લાંબી પૂછપરછ કરવામાં આવ્યા પછી ગુરુવારે પણ બે તબક્કામાં ૬ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ગુરુવારે બે તબક્કામાં તેમને અનેક સવાલો પૂછાયા હતા. લંડનમાં તેમની સંપત્તિ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના ત્રણ જેટલા અધિકારીઓએ તેમની વિગતવાર પૂછપરછ કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજીની ગુરુવારે બે રાઉન્ડમાં પૂછપરછ કરાઈ હતી. ઈડી પાસે વાડરાનો સિક્રેટ ઈ-મેલ છે જેમાં લંડનની સંપત્તિ અંગે ઉલ્લેખ હોવાનું માનવામાં આવે છે.
ઈડીના ૩ અધિકારીઓએ ગુરુવારે સવારે બે કલાકથી વધુ અને બીજા રાઉન્ડમાં બપોર બાદ ૨ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આ અગાઉ બુધવારે ઈડીએ લંડનમાં તેમની રૂ. ૧૧૦ કરોડની સંપત્તિ અંગે ૬ કલાક પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે વાડરાની ૧૬ ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે.

પહેલા તબક્કાની પૂછપરછ દરમિયાન રોબર્ટ વાડરાએ સંજય ભંડારી અને તેમના પિતરાઈ શિખર ચઢ્ઢા સાથે કોઈ પણ વેપારી સંબંધનો ઇનકાર કર્યો હતો. વાડરાએ જણાવ્યું હતું કે, મનોજ અરોડા મારો કર્મચારી હોવાના કારણે તેને ઓળખું છું પરંતુ મેં અરોડાને કોઈ ઇ-મેઈલ મોકલ્યા નથી. મારી પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લંડનમાં કોઈ સંપત્તિની માલિકી નથી. ઇડીના જોઈન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર અને પાંચ અન્ય અધિકારીઓની ટીમે રોબર્ટ વાડરાની પૂછપરછ કરી હતી.
વાડરાએ ઈડી દ્વારા કરવામાં આવેલા કેસને રાજકીય ઇરાદાપ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. આને કારણે સરકાર, કોંગ્રેસ તેમજ વિપક્ષો વચ્ચે નવો વિવાદ સર્જાયો છે અને સામસામે આક્ષેપબાજી થઇ રહી છે.

શું છે રોબર્ટ વાડરા પર આરોપ?

• ૧.૯ મિલિયન પાઉન્ડમાં લંડનના ૧૨, બ્રાયનસ્ટોન ખાતે આવેલી સંપત્તિ ખરીદી. • લંડનમાં પાંચ અને ચાર મિલિયન પાઉન્ડના બે મકાન રોબર્ટ વાડરાની માલિકીના. • લંડનમાં ૬ એપાર્ટ. સહિત વધુ સંપત્તિ રોબર્ટ વાડરાની માલિકીના.

શું છે મનીલોન્ડરિંગ કેસ?

રોબર્ટ વાડરા પર લંડનના ૧૨ બ્રાયન્સ્ટોન સ્કવેર ખાતે ૧૯ લાખ પાઉન્ડમાં સંપત્તિ ખરીદવાનો આરોપ છે. ઈડીના જણાવ્યા અનુસાર અમે ભાગેડુ હથિયારના વેપારી સંજય ભંડારી સામે ઇન્કમટેક્ષ એક્ટ ના ઉલ્લંઘન માટે તપાસ કરી રહ્યાં હતાં. તપાસમાં મનોજ અરોડાની ભૂમિકા સામે આવી હતી. જેના આધારે મનીલોન્ડરિંગનો કેસ દાખલ કરાયો છે. આરોપ છે કેલંડન સ્થિત આ સંપત્તિને સંજય ભંડારીએ ખરીદી હતી અને ૨૦૧૦માં એટલી જ રકમમાં આ સંપત્તિને સંજય ભંડારીએ ખરીદી હતી. અને ૨૦૧૦ એટલી જ રકમમાં આ સંપત્તિ વેચી દીધી હતી. આ સંપત્તિની મરામત અને સજાવટ પાછળ ૬૫૯૦૦ પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. તેમ છતાં રોબર્ટ વાડરાને અગાઉની કિંમતે જ સંપત્તિ વેચવામાં આવી હતી.

વાડરાનો ઈ-મેલ નક્કર પુરાવો?

વાડરાએ લંડનની મિલકત અંગે કોઈ કબુલાત નહીં કરતાં ગુરુવારે શસ્ત્રસોદાગર સંજય ભંડારીના સગા સુમિત ચઢ્ઢાએ સંજય ભંડારી અને વાડરાને માર્ક કરીને મોકલેલા ઈ-મેલને ઈડીએ નક્કર પુરાવા તરીકે ગણ્યા હતા અને તેને આધારે અનેક સવાલો પૂછયા હતા. વાડરાએ ઈ-મેલને લગતા કેટલાક જવાબ બંનેને આપ્યા હોવાના પુરાવા ઈડી પાસે હોવાનું મનાય છે. જેમાં મની લોન્ડરિંગ દ્વારા બ્લેક મનીનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા કરવામાં આવ્યો હોવાનું ઈડીનું માનવું છે. જોકે વાડરાએ આવા કોઈ ઈ-મેલ કર્યાનો ઇનકાર કર્યો હતો. ભંડારીના પિતરાઈ શિખર ચઢ્ઢા સાથે વેપારી સંબંધોનો પણ તેમણે ઇનકાર કર્યો હતો.

લંડનમાં બેનામી સંપત્તિ હોવાનો વાડરાનો ઇનકાર

ઈડીએ વાડરા પાસે લંડનમાં બેનામી સંપતિ હોવાના આરોપો લગાવ્યા હતા, પરંતુ વાડરાએ તેનો ઇનકાર કર્યો હતો. તેઓ સંજય ભંડારીને ઓળખતા નથી. સંજય ભંડારી કે સુમિત ચઢ્ઢા સાથે તેમને કોઈ વેપારી સંબંધો નથી તેવો દાવો કર્યો હતો. જોકે તેમણે મનોજ અરોરા તેમનો ભૂતકાળમાં કર્મચારી હતો તેથી તેને ઓળખતા હોવાનો એકરાર કર્યો હતો. વાડરાનાં નિવેદનને મની લોન્ડરિંગ કાયદા હેઠળ નોંધવામાં આવ્યું હતું.

પ્રિયંકાનો સંદેશ, હું પરિવારની સાથે...

મની લોન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે પતિ રોબર્ટ વાડરાને ઇડીની કચેરી સુધી મૂકવા જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજકીય વિરોધીઓને સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો હતો કે, હું મારા પરિવારની સાથે ઊભી છું. બુધવારે કોંગ્રેસ કચેરી ખાતે પહોંચેલા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, હું મારા પરિવારની સાથે ઊભી છું. દુનિયા જાણે છે કે શું ચાલી રહ્યું છે. પતિ રોબર્ટ વાડરાને ઇડીની કચેરીખાતે મૂકીને કોંગ્રેસ મુખ્યમથક ખાતે પહોંચેલા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ પૂર્વના કોંગ્રેસ મહાસચિવ તરીકેની કામગીરી શરૂ કરી દીધી હતી.

સંબિત પાત્રાના રાહુલ ગાંધીને ચાર સવાલ

રોબર્ટ વાડરાની લંડનમાં બેનામી સંપત્તિ મામલે પૂછપરછ શરૂ થયા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચાર જાહેર સવાલ પૂછ્યા હતા.
• સિન્ટેક ઇન્ટરનેશનલ કંપની કોની છે? વાડરાનો તેની સાથે શું સંબંધ છે.
• શું રોબર્ટ વાડરા સી. સી. થમ્પીને ઓળખે છે?
• ૨૦૦૯માં પેટ્રોલિયમ સોદાની કટકી કોના બેંક ખાતામાં ગઈ હતી?
• લંડનમાં રોબર્ટ વાડરાની કેટલી સંપત્તિ છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter