લાગલગાટ 8931 દિવસ... દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનાર નેતા

Wednesday 25th March 2026 04:32 EDT
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ શાસન કરવાની સિદ્ધિ મેળવીને ભારતના રાજકારણમાં ઈતિહાસ રચ્યો છે. વડાપ્રદાન મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન અને 12 વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે શાસન સંભાળ્યું છે. મુખ્યપ્રધાન પદથી વડાપ્રધાન પદ સુધીની તેમની સફર સતત જીત, મજબૂત નેતૃત્વ અને રાજકીય સ્થિરતાનું ઉદાહરણ બનીને ઊભરી છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં કુલ 8,931 દિવસ સરકારના વડા (હેડ ઓફ ધ ગવર્ન્મેન્ટ) તરીકે કામ કરી ચૂક્યા છે.
અગાઉ આ રેકોર્ડ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે 8,930 દિવસ સુધી કોઈ સરકારના વડા તરીકે કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીને આ ઈતિહાસ રચવા બદલ સાથી કેબિનેટ મંત્રીઓ સહિત સેલિબ્રિટીઓ અને જનતાએ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરવાનો રેકોર્ડ કરતા 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી હતી. તેમણે 21 મે, 2014 સુધી મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. ત્યાર પછી મે 26, 2014માં તેઓ વડાપ્રધાન બન્યા અને હજુ સુધી આ પદ પર શાસન કરી રહ્યા છે. આમ વડાપ્રધાન મોદીએ 2001માં સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યા પછી સતત 8931 દિવસથી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિ દાયકાઓ સુધી સતત નેતૃત્વ, જનસમર્થન અને રાજકીય સ્થિરતાની સ્થિતિ પણ રજૂ કરે છે.
પહેલાં સીએમ, પછી પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા અને પોતાના કાર્યકાળમાં ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું. 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ વારાણસીથી જંગી જીત મેળવીને વડાપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ 2019 અને 2024ની ચૂંટણીઓમાં પણ તેમણે સતત જીત મેળવી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ
વડાપ્રધાન મોદીએ કોઈ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ સુધી શાસન કરવાની સાથે અન્ય અનેક સિદ્ધિઓ મેળવી છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહેનારા એકમાત્ર નેતા છે. આ સિવાય ભારતીય રાજકારણમાં પીએમ મોદી સંભવતઃ એકમાત્ર એવા નેતા છે, જેમણે એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે સતત ત્રણ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણી જીતી અને સતત ત્રણ વખત 2014, 2019 અને 2024માં લોકસભા ચૂંટણીમાં જીતવાનો ઈતિહાસ રચ્યો છે. કોઈપણ સરકારના વડા તરીકેની તેમની આ સિદ્ધિ ગરીબોને અધિકારો આપવા અને વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવવામાં રાષ્ટ્ર પ્રથમ પ્રત્યેની તેમની ઊંડી કટિબદ્ધતા દર્શાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ જીવન દેશ અને દેશવાસીઓની સેવામાં સમર્પિત છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીનો આ પ્રવાસ અદ્વિતીય રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીની 24 વર્ષની અતૂટ સેવાની પ્રશંસા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter