લેસ્ટરઃ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક સમારંભમાં દાયકા કરતાં વધુ સમયની અસામાન્ય અને નિઃસ્વાર્થ સેવા, લોકોપયોગી ભંડોળ એકત્ર કરવાના કાર્યો તેમજ અન્યોના કલ્યાણ માટે નિઃસ્વાર્થ સમર્પણ દાખવવા બદલ લેસ્ટરના સૌથી સમર્પિત અને વિનમ્ર કોમ્યુનિટી ચેમ્પિયન્સમાં એક ધીરુભાઈ શાહને હાઈ શેરિફ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાઈ શેરિફ ઓફ લેસ્ટરશાયર દ્વારા દેશમાં સૌથી પ્રાચીન નાગરિક સન્માનોમાં એક હાઈ શેરિફ્સ એવોર્ડ એનાયત કરાયો હતો. હાઈ શેરિફે ધીરુભાઈ શાહના સમાજને અનન્ય યોગદાન અને તેમની ઉદારતા અને દયાની અવિરત ભાવનાની પ્રશંસા કરી હતી.
હાઈ શેરિફે એવોર્ડ એનાયત કરવાના સમારંભમાં જણાવ્યું હતું કે, ‘આજની રાત એક વ્યક્તિ કેવી રીતે અસામાન્ય તફાવત લાવી શકે છે તેના વિશે મનન કરવાની અસાધારણ પળ છે. મિ. ધીરુભાઈ શાહ, તેમના અથાક કાર્યો, વિનમ્ર સ્વભાવ અને શાંત નિર્ધાર થકી અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ્યા અને પરિવર્તન લાવ્યા. તેઓ આપણી કોમ્યુનિટીની શ્રેષ્ઠતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.’
સેવાની અનોખી વિરાસત
ધીરુભાઈનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેઓ 21 વર્ષની વયે સ્થળાંતર કરી 1972માં યુકેમાં આવ્યા હતા. તેઓ ત્રણ વર્ષથી લેસ્ટરમાં સ્થાયી થયેલા છે. ધીરુભાઈને સ્થાનિક કોમ્યુનિટીને મદદરૂપ થવાનો વિચાર આવ્યો હતો અને તેઓ10 કરતાં વધુ વર્ષથી કલ્યાણકાર્યો, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગીતસંગીત અને ભજનોના કાર્યક્રમો યોજવા સહિત અથાક પ્રયત્નોમાં લાગેલા રહ્યા છે. ઈવેન્ટ્સમાં હાજરી આપવાની હોય કે આયોજનો કરવાના હોય, તેઓ મુખ્યત્વે જાહેર પરિવહન પર આધાર રાખતા હોવાં છતાં, તેમની પ્રતિબદ્ધતા જરા પણ ડગી નથી. કોમ્યુનિટીમાં ઘણા લોકો તેમને પ્રેમથી પરિવર્તન માટે ‘વન-મેન મશીન’ના હુલામણા નામથી પણ ઓળખાવે છે.
તેમના સખાવતી પ્રયાસોની લાંબી યાદીમાં આનો સમાવેશ થાય છેઃ
• બેકી વ્હાઈટની મલ્ટિપલ સોરાયસિસ (MS)ની સ્ટેમ સેલ સારવાર માટે મેક્સિકો-રશિયા જવા 50,000 પાઉન્ડની જરૂર હોવાનો લેસ્ટર મર્ક્યૂરીમાં આર્ટિકલ વાંચ્યા પછી ધીરુભાઈને બેકીને મદદરૂપ થવાનો વિચાર આવ્યો હતો. અન્ય કોમ્યુનિટી માટે મદદ કરવા આગળ આવનારા ધીરુભાઈ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 2500 પાઉન્ડ એકત્ર કર્યા હતા અને વધુ ભંડોળ એકત્ર કરવા વધુ ઈવેન્ટ્સ યોજવાની તેમની તૈયારી હતી. જોકે, સારાં નસીબે બેકીને સારવાર લેવાં રશિયા કે મેક્સિકો જવાની જરૂર ન રહી અને લંડનની હોસ્પિટલમાં જ સારવાર શક્ય બની હતી. આજે પણ બેકી વ્હાઈટ ધીરુભાઈને યાદ કરે છે. આ રીતે તેમણે અન્યોને મદદરૂપ થવાની શરૂઆત કરી હતી અને તેઓ લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ ઉપરાંત, તેઓAIMS ચેરિટીની સ્થાપનામાં મદદરૂપ બન્યા હતા.
• એલેક્સ‘સ વિશ (ઈચ્છાપૂર્તિ) ચેરિટી માટે કોમ્યુનિટી ડાન્સ ફંડરેઈઝરના આયોજન થકી ડૂશેન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી (DMD) ધરાવતા બાળકો માટે 2500/3000 પાઉન્ડ એકત્ર કર્યા હતા. ધીરુભાઈ 12 વર્ષના એલેક્સની માતાને મળ્યા હતા અને ગુજરાતી નાટકો, ડાન્સ અને ભજનોના કાર્યક્રમો થકી રકમ એકત્ર કરી હતી.
• લ્યૂકેમિઆ એટલે કે બ્લડ કેન્સર સાથે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓને મદદ કરી રહેલા એન્થોની નોલાન ટ્રસ્ટ માટે 11,000 પાઉન્ડ એકત્ર કર્યા છે.
• MedAid ચેરિટીના ટ્રસ્ટી તરીકે આંતરરાષ્ટ્રીય હેલ્થકેરને સપોર્ટ કરવા સંદર્ભે ધીરુભાઈ શાહે યુગાન્ડામાં હોસ્પિટલ ઉભી કરવાનું ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી તેમજ આ વિસ્તારમાં એર એમ્બ્યુલન્સ મોકલી શકાય તે માટે 12,000 પાઉન્ડનું ભંડોળ મેળવ્યું હતું. હાલ યુગાન્ડાની હોસ્પિટલમાં નાના બાળકોનું વેક્સિનેશન અને સગર્ભા સ્ત્રીઓનું પ્રસૂતિકાર્ય પણ ચાલી રહ્યું છે.
• લેસ્ટર NHS ચિલ્ડ્રન્સ વોર્ડ માટે ઓક્સીજન મશીન્સ ખરીદવાં માટે મોટું ફંડરેઈઝિંગ અભિયાન ચલાવ્યું હતું અને 54,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી. આ રકમમાંથી ચાર ઓક્સીજન મશીન્સ મેળવાયા હતા અને બાળકોના વોર્ડનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું.
• હાલ તેઓ યુકેમાં એર એમ્બ્યુલન્સ સર્વિસને સપોર્ટ કરવા બોલીવૂડ ચેરિટી ફંડરેઈઝરનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. એર એમ્બ્યુલન્સના એક ઉડ્ડયન પાછળ ઓછામાં ઓછાં 2000 પાઉન્ડનો ખર્ચ થાય છે. ધીરુભાઈએ તાજેતરમાં 25 મેના રોજ ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું જેમાં 24,000 પાઉન્ડની જરૂરિયાત સામે 13,000 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું.
ધીરુભાઈ શાહના યોગદાન હેલ્થકેર, ડિસેબિલિટી સપોર્ટ, આંતરરાષ્ટ્રીય વિકાસ અને ઈમર્જન્સી સર્વિસીસના ક્ષેત્રો સુધી ફેલાયેલાં છે. સમગ્રતયા કોમ્યુનિટીઓ અને વિશ્વના ખંડો સુધી વ્યક્તિઓ અને પરિવારોને મદદ કરવા સુધી પહોંચવા સાથે તેમના યોગદાનની અસર ગાઢ અને વ્યાપક બની રહેલ છે.
સમુદાયના સપોર્ટ માટે આભાર
સન્માનનો સ્વીકાર કરતાધીરુભાઈ શાહે નમ્રતાપૂર્વક સ્થાનિક સમુદાયના સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘હું હંમેશાંથી માનતો આવ્યો છું કે જો તમે કોઈની જરૂરિયાતને નિહાળો છો અને તમારી પાસે મદદ કરવાની ક્ષમતા--શક્તિ - ભલે નાના પ્રમાણમાં હોય, તમારે એક ડગલું આગળ આવવું જોઈએ. હું આ એવોર્ડનો સ્વીકાર ફક્ત મારા માટે કરતો નથી પરંતુ, મારી સાથે ચાલનારા દરેક વોલન્ટીઅર, દાતા અને સપોર્ટર માટે કરી રહ્યો છું.’
હાઈ શેરિફે ધીરુભાઈના કાર્યોને ‘આશાના પ્રતીક અને સેવાની તાકાતના પુરાવા’ સમાન ગણાવ્યા હતા. તેમણે અન્ય લોકોને ધીરુભાઈનું ઉદાહરણ દયાભાવ, સમાવેશિતા અને નાગરિક ઉત્તરદાયિત્વ પ્રત્યે પુનઃ સમર્પણની પ્રેરણા આપનારું બની રહે તેવી હાકલ કરી હતી.
અજાણ્યા નાયકોનું સન્માન
કાઉન્ટીમાં રાજવીના પ્રતિનિધિ દ્વારા સદીઓ જૂની સન્માન કરવાની પ્રથા તરીકે ધ હાઈ શેરિફ્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. મોટા ભાગે પડદા પાછળ રહીને કામ કરતા અને જાહેર જનતાની નજરમાં પણ નહિ આવતા વ્યક્તિઓ દ્વારા તેમની કોમ્યુનિટીઓને અભૂતપૂર્વ યોગદાન કરાયા હોય તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
હાઈ શેરિફે જણાવ્યું હતું કે, ‘લેસ્ટરશાયરમાં સદ્નસીબે આપણી પાસે એવી ઘણી વ્યક્તિઓ છે જેઓ ચૂપચાપ લોકોપયોગી કાર્યો કરતા રહે છે. આજની રાત્રે આપણે આવા અજામ્યા નાયકોમાંથી એક – એવી વ્યક્તિ જેની શાંત મક્કમતાએ લોકોનું જીવન બદલી નાખ્યું છે તેને પ્રકાશમાં લાવી રહ્યા છીએ.’
જીવન પરિવર્તનનો સંદેશો
અન્ય લોકો પણ બહેતર, સંવેદનાશીલ-દયાળુ સમાજના નિર્માણમાં યોગદાન આપી શકે તેમ વિચારતા થાય તેવી હાકલ સાથે સમારંભનું સમાપન થયું હતું. મોટા પાયા પરના સખાવતી ઈનિશિયેટિવ્ઝ અને દયા દાખવતા નાના કાર્યો થકી આમ કરી શકાય. આ સાંજનો સંદેશો સ્પષ્ટ હતોઃ એક વ્યક્તિ પણ તફાવત સર્જી શકે છે.
લેસ્ટર અને લેસ્ટરશાયરના લોકો વતી ‘માનવતા અને કોમ્યુનિટી પ્રત્યે અભૂતપૂર્વ પ્રતિબદ્ધતા’ દાખવવા બદલ ધીરુભાઈ શાહનો આભાર માનવામાં આવ્યો હતો.
ધીરુભાઈ શાહઃ સેવામય જીવન
• વિવિધલક્ષી ઉદ્દેશ્યો માટે 80,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી
• NHS, ઈમર્જન્સી સર્વિસીસ, ઈન્ટરનેશનલ મેડિકલ રીલિફને અવિરત સપોર્ટ
• યુકે તથા અન્યત્ર એર એમ્બ્યુલન્સ સર્વિસીસને સપોર્ટ
• અનુકંપા, ધીરજ અને નિઃસ્વાર્થ ભાવનાનું મૂર્તિમંત પ્રતીક