લોકડાઉન લંબાયું, પણ છૂટછાટ સાથે

Wednesday 06th May 2020 06:05 EDT
 
 

નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું છે. આમ દેશમાં ત્રીજી મેના રોજ લોકડાઉન ૨.૦ની મુદત પૂરી થતાં જ ચોથી મેથી લોકડાઉન ૩.૦ લાગુ થયું છે. જોકે આમ પ્રજા માટે રાહતજનક બાબત એ છે કે લોકડાઉનના ત્રીજા તબક્કામાં કેટલીક શરતોને આધીન છૂટછાટ અપાઇ છે.
આ માટે સરકારે કોરોના સંક્રમણના કેસોની સંખ્યા અને તેના ફેલાવાની ઝડપના આધારે સમગ્ર દેશના જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ વિભાગમાં વહેંચી નાંખ્યા છે. સરકારના આ દૂરંદેશીભર્યા આયોજનના કારણે દેશના લગભગ ૮૨ ટકા જિલ્લાઓમાં આર્થિક ગતિવિધિ તેજ બની છે.
રવિવારથી લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે, પણ સરકારે આકરી શરતો સાથે મોટી રાહતો આપી છે. પરિણામે ૪૦ દિવસ બાદ લોકો કામ પર પહોંચ્યા હતા.
જોકે, કેટલાક રાજ્યોએ સૌથી વધુ સંક્રમિત શહેરોને સંપૂર્ણ લોકડાઉનમાં રાખ્યા છે. દેશના કુલ ૭૩ જિલ્લામાંથી ૮૨ ટકા જિલ્લા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે. આમ અહીં સોમવારથી વેપાર-ધંધા, ઉદ્યોગો શરૂ થવાની સાથોસાથ જનજીવન પણ ચેતનવંતુ થયું છે. હવે ૩૦૦થી વધુ જિલ્લામાં કેટલીક શરતોને આધીન બસો અને કેબ પણ દોડશે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસ કહે છે કે ગામડાંમાં ૧ કરોડ લોકો કામ પર પાછા ફરી ચૂક્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના પૂર્વ પ્રોફેસર અને અર્થશાસ્ત્રી અરુણકુમાર કહે છે કે લોકડાઉન-૨ સુધી અર્થતંત્ર ૨૫ ટકા ચાલતું હતું, હવે ૩૫ ટકા સુધી ચાલવા લાગશે. ઔદ્યોગિક ક્ષેત્રોમાં ૭થી આઠ ટકા કામ શરૂ થઇ જશે. જોકે, શ્રમિકોનો ગામડે પાછા ફરવાનો સિલસિલો જારી હોવાથી ઉદ્યોગોમાં કામ શરૂ થવામાં તકલીફ પણ પડશે.

વિશ્વની સરખામણીએ ભારતની સ્થિતિ સારી

કોરોના સામેની લડાઈમાં ભારત સોમવારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં પ્રવેશ્યો છે ત્યારે વૈશ્વિક સંદર્ભમાં જોઇએ ભારતમાં કોરોના અંગેની સ્થિતિ ઘણી સારી છે.
સોમવારે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૧,૦૭૪ દર્દી સાજા થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.
જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી હતી કે લોકડાઉનના ત્રીજા તબક્કામાં અપાયેલી છૂટછાટોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈથી પાલન નહીં કરે તો નિયંત્રણો ફરીથી લદાઇ શકે છે. નોંધનીય છે કે મંગળવારે રાત સુધીમાં ભારતમાં કોરોના ૪૬,૭૧૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૫૮૩ના મૃત્યુ થયા છે.

ક્યાંક રાહત, ક્યાંક કહેર

ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો તે કેરળમાં સોમવારે સતત બીજા દિવસે નવો એક પણ કેસ નોંધાયો નહોતો, પરંતુ તામિલનાડુમાં સોમવારે ૫૦૦થી વધુ નવા કેસ નોંધાયા હતા. એ જ રીતે ગુજરાતમાં પણ સોમવારે ૫૦૦થી વધુ નવા કેસ નોંધાયા હતા. દેશના કેટલાક મોટા શહેરી કેન્દ્રોમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે ત્યારે કેટલાક નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી. આ રાજ્યોમાં ગોવા, પુડુચેરી, આંદામાન-નિકોબાર, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર, મિઝોરમ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ૨૭.૫ ટકા લોકો સાજા થયા છે, પરંતુ કોરોનાનો ફેલાવો અટકાવવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે.

આર્થિક ગતિવિધિને વેગ

લોકડાઉનના ત્રીજા તબક્કામાં ભારત સરકાર દ્વારા અપાયેલી છૂટછાટોના પગલે દેશમાં અનેક જગ્યાએ ઓટો, ટેક્સટાઈલ, બ્રુઅરી અને ખાતર સેગ્મેન્ટમાં ઉત્પાદન એકમોમાં ફરીથી કામકાજ શરૂ થયું છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં રિટેલ દુકાનો પણ શરૂ થઈ હતી. જોકે, કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા ગૃહ મંત્રાલયના આદેશોનું અલગ અર્થઘટન થવાથી રિટેલર્સે અસમંજસની સ્થિતિની ફરિયાદ કરી હતી. રિટેલ મોરચે અનેક દિવસો પછી કેટલીક દુકાનો ખૂલી હતી જ્યારે સ્થાનિક તંત્રની દરમિયાનગીરીના કારણે કેટલીક દુકાનો વહેલા બંધ થઈ ગઈ હતી.
ટ્રેડર્સ બોડી સીએઆઈટીએ દાવો કર્યો હતો કે કેન્દ્રના આદેશો અને સ્થાનિક તંત્રના અર્થઘટનમાં અસ્પષ્ટતાના કારણે વિવિધ રાજ્યોમાં માત્ર ૨૦ ટકા દુકાનો ખુલી શકી હતી. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પણ જણાવ્યું હતું કે સ્થાનિક તંત્ર દ્વારા અલગ અર્થઘટનના કારણે અનેક જગ્યાએ દુકાનો ખૂલી, પણ તેને વહેલા બંધ કરી દેવી પડી હતી. દેશની સૌથી મોટી ટુ-વ્હિલર ઉત્પાદક હીરો મોટોકોર્પે જણાવ્યું કે તેણે ગુરુગ્રામ, ધારુહેરા, હરિદ્વારમાં તેના ઉત્પાદન એકમો તબક્કાવાર શરૂ કર્યા છે. જોકે, ઉત્પાદનનું વાસ્તવિક કામકાજ બુધવારથી શરૂ થશે.

શ્રમિક સંકટનો ભય

માઇગ્રન્ટ વર્કર્સ, વિદ્યાર્થી, પર્યટકને પોતાના રાજ્યમાં પરત લાવવા માટે સરકારોએ હાથ ધરેલા પ્રયાસના વરવા પરિણામ આવવાનો ખતરો છે. આના કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં મળેલી સફળતા પર પાણી ફરી વળે તેવું જોખમ સર્જાયું છે. સરકારે પરપ્રાંતીય મજૂરોને તેમના વતનમાં જવાની છૂટ તો આપી છે પરંતુ તેઓ તેમની સાથે કોરોના સંક્રમણ લઈને જઈ રહ્યાં છે. મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશના બસ્તી પહોંચેલા સાત મજૂરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. બિહારમાં પણ લાખો માઇગ્રન્ટ વર્કસ પાછા ફરે તે પહેલાં જ ૩૮માંથી ૩૦ જિલ્લામાં કોરોના વાઇરસ પ્રસરી ચૂક્યો છે. ૧૪મી એપ્રિલે બિહારમાં ૧૨ જિલ્લામાં કોરોનાના ફક્ત ૬૬ કેસ નોંધાયાં હતાં, પરંતુ બીજી મેના રોજ કોરોના વાઇરસ ૩૦ જિલ્લામાં પ્રસરી ચૂક્યો છે અને કુલ કેસની સંખ્યા ૪૭૫ પર પહોંચી છે.

વેપારી, બેકાર થનારને રાહતની તૈયારી

૪૦ દિવસ લાંબા લોકડાઉનને કારણે ખોરંભે પડેલા અર્થતંત્રને પાટા પર ચઢાવવા ભારત સરકાર બીજું રાહત પેકજ જાહેર કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ટુંક સમયમાં જ નાના વેપારીઓ માટે પેકેજ જાહેર કરી શકે છે. રાહત પેકેજ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સહિત વિવિધ મંત્રાલયોના પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. એમએસએમઇ, શિક્ષણ, કૃષિ અને અન્ય મંત્રાલયો સામેના પડકાર અંગે ચર્ચા કરાઇ હતી. અર્થતંત્રમાં તેજી લાવવા અને રાહતની યોજના અંગે નાણા મંત્રાલય દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું.

તો દેશનું અર્થતંત્ર ભાંગી પડશેઃ રાજન

કોરોનાના સંકટ સમયમાં છેલ્લા એક મહિનાથી દેશમાં લોકડાઉન લાગુ છે અને તેના કારણે દેશનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. લોકો ઘરોમાં કેદ છે, ફેક્ટરીઓમાં તાળા વાગ્યા છે. અર્થતંત્ર પર તેની અસર પડી રહી છે. દેશના અર્થતંત્ર સામે આવેલા આ પડકારો અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રઘુરામ રાજને મોદી સરકારને દેશમાંથી તબક્કાવાર લોકડાઉન ઉઠાવી લેવા તેમજ ગરીબોની મદદ માટે અંદાજે રૂ. ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવા સૂચન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે વૈશ્વિક સ્તરે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. નવા વર્લ્ડ ઓર્ડરમાં ભારત તેનું સ્થાન બનાવી શકે છે.

છૂટછાટથી રાહત

• લઘુઉદ્યોગ ભારતીના જનરલ સેક્રેટરી ગોવિંદ લેલે અનુસાર નવી રાહતથી મોટી કંપનીઓને સપ્લાય કરનારી ૩૦થી ૩૫ ટકા કંપનીઓ અને પોતાનું ઉત્પાદન કરતા ૧૦થી ૧૫ ટકા એકમ શરૂ થઈ જશે.
• લોકડાઉન ૩.૦માં નવી રાહતથી ૧૦થી ૧૫ ટકા ઈન્ડસ્ટ્રી ધમધમતી થઇ જશે. મોટા ભાગનાં સ્થળોએ મજૂરો, રો-મટીરિયલના અભાવમાં મોટી ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે ખૂલશે. દેશમાં હાલ ૨૩ લાખથી વધુ કારખાનાં છે, જેમાં ૨.૬ કરોડ લોકો કામ કરે છે.
• કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના બી. સી. ભરતિયાના જણાવ્યા પ્રમાણે પહેલાંથી જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખૂલી રહી છે. ત્રીજા લોકડાઉન દરમિયાન નવી છૂટથી ૨૫ લાખ દુકાનો ખૂલવાની આશા છે. દેશમાં આશરે ૭ કરોડ દુકાનો છે. આ દુકાનોના માધ્યમથી ૫૦ લાખ લોકો પોતાના કામ પર પાછા ફરશે. રોજગાર શરૂ થશે.
• રિઅલ એસ્ટેટ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ક્રેડાઈના નેશનલ ચેરમેન જક્ષય શાહે કહ્યું કે શરતો સાથે છૂટ મળી શકે છે. ચોમાસુ પણ શરૂ થવાનું છે એટલા માટે પહેલાથી જારી પ્રોજેક્ટ શરૂ થઈ શકે. ૨૦ ટકા રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાં કાર્ય શરૂ થઇ શકશે. રિઅલ એસ્ટેટ અને નિર્માણ ક્ષેત્રમાં ૫ કરોડ રોજગારી છે. આ સેક્ટર પહેલાંથી પ્રભાવિત છે.

અમદાવાદ સહિતના મોટા મેટ્રો શહેર રેડ ઝોનમાં

ભારત સરકારે તમામ મોટા મેટ્રો શહેરોને રેડ ઝોનમાં સામેલ કર્યાં છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સુધારેલી યાદી અનુસાર દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કોલકતા, હૈદરાબાદ, બેંગ્લૂરુ અને અમદાવાદને રેડ ઝોનમાં સામેલ કરાયાં છે.
• રેડ ઝોન: જે જિલ્લામાં કોરોના વાઇરસના પ્રસારનો દર અને મોતનો આંકડો ઊંચો છે
• ઓરેન્જ ઝોન: શ્વસનતંત્રના ઓછા કેસ સામે આવ્યા હોય તેવા જિલ્લા
• ગ્રીન ઝોન: છેલ્લા ૨૧ દિવસમાં કોરોનાનો એક પણ કેસ સામે નથી આવ્યો તેવા જિલ્લા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter