લોકશાહી ખતરામાં છેઃ ભારતની સુપ્રીમ કોર્ટના ચાર જજનો બળવો

Saturday 13th January 2018 05:27 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં ઐતિહાસિક અને આંચકારૂપ ગણાય તેવી ઘટનામાં સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ સામે ગંભીર આરોપો મૂકતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘દેશની લોકશાહી ખતરા હેઠળ' છે. ચીફ જસ્ટિસ પછીના સિનિયર જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે એક આશ્ચર્યકારક અને અભૂતપૂર્વ પગલું ભરતાં પાટનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને દેશના ચીફ જસ્ટિસ સામે ગંભીર આરોપો મૂક્યા હતા. 

તેમણે મીડિયાનો આભાર માનતા કહ્યું હતું કે, ‘કોઈ પણ દેશની કાનૂની વ્યવસ્થામાં આ એક મોટો દિવસ, અભૂતપૂર્વ ઘટના છે, કેમ કે અમારે મીડિયા મારફતે દેશની જનતાને માહિતી પહોંચાડવા માટે મજબૂર થવું પડ્યું છે.' તેમણે કહ્યું હતું કે, ‘અમે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે યોજી છે કેમ કે, ભવિષ્યમાં કોઈ અમને એમ ન કહે કે અમે બધાંએ બીજાં લોકોની જેમ અમારો આત્મા વેચી નાંખ્યો છે.’
જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે જે સામાન્ય રીતે ન થવું જોઈએ. અમને લાગ્યું કે, અમારી સંસ્થા અને દેશ પ્રત્યે કોઈ જવાબદારી છે. અમે ચીફ જસ્ટિસ મિશ્રા સમક્ષ આ મુદ્દે પગલાં ઉઠાવવા માટે ઘણી કોશિશ કરી હતી. તેમને પત્ર પણ લખ્યો હતો, પણ અમે નાકામિયાબ રહ્યા હતા. જસ્ટિસ ચેલમેશ્વરે દાવો કર્યો હતો કે જો સુપ્રીમ કોર્ટને નહીં બચાવવામાં આવે તો દેશની લોકશાહી ખતમ થઈ જશે.
આ પત્રકાર પરિષદમાં હાજર સુપ્રીમ કોર્ટના અન્ય ત્રણ જજોએ કહ્યું હતું કે, ચીફ જસ્ટિસને સુધારાત્મક કદમો ઉઠાવવા માટે તેમણે ઘણી વાર મનાવવાની કોશિશ કરી હતી, પણ દુર્ભાગ્ય એ છે કે અમે અમારા પ્રયાસમાં નિષ્ફળ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ચાર મહિના પહેલાં તેમણે આ અંગે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો, પણ તેનો કોઈ જવાબ તેમને મળ્યો નથી. આ ચારેય જજે કહ્યું હતું કે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરતાં પહેલાં તેઓ ચીફ જસ્ટિસને મળ્યા હતા પણ તેમણે દેશ સમક્ષ આ સત્ય લાવવું પડ્યું છે.
જસ્ટિસ ચેલમેશ્વરે મીડિયા સામે સતત હાથ જોડીને વિનંતીના સ્વરમાં આ તમામ વાતો કરી હતી. જસ્ટિસ કુરિયન જોસેફ સાથે તેમણે કહ્યું હતું કે, અમે આ લેટર સાર્વજનિક કરીશું જેના પગલે અમારી તમામ વાત સ્પષ્ટ થઈ જશે. ચેલમેશ્વરે કહ્યું કે, ૨૦ વર્ષ પછી કોઈ અમને એમ ન કહેવું જોઈએ કે અમે અમારો આત્મા વેચી નાંખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter