મહાગઠબંધન માત્ર તકવાદ: ભાજપને વધુ - વિક્રમજનક બેઠકો મળશેઃ નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ

Thursday 16th August 2018 01:57 EDT
 
 

નવી દિલ્હીઃ અમે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વિકાસ, ઝડપી વિકાસ ને સૌના માટે વિકાસના મુદ્દા પર જ લડશું... મને ખાતરી છે કે ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી કરતાં પણ વધારે અને એનડીએને આ પહેલાં કદી ના મળી હોય તેટલી વિક્રમજનક બેઠકો મળશે તેવો આત્મવિશ્વાસભર્યો દાવો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. ભારતના અગ્રણી દૈનિક ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ને આપેલી ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું હતુંઃ આસામમાં ઘૂસણખોરોની સમસ્યાની અત્યાર સુધી ઉપેક્ષા કરી કોંગ્રેસે ગુનાહિત બેદરકારી દાખવી છે. તેમણે આગામી ચૂંટણી માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા રચાનારાં સંભવિત મહાગઠબંધનને રાજકીય તકવાદ ગણાવ્યો હતો.
એનડીએના સાથી પક્ષો શિવ સેના, જનતા દળ (યુ) વગેરેની કથિત નારાજગી વિશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીએ તમામ શંકાઓ દૂર કરી છે. આ મોરચે અમારા વિરોધીઓને નિરાશા જ સાંપડી છે.
અર્થતંત્ર, રોજગારી, સરકારની કામગીરી, વિપક્ષી એકતા સહિતના અનેક મુદ્દે સવિસ્તર વાત કરતાં વડા પ્રધાને ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેમની સરકાર ક્યારેય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ નથી કરતી, પરંતુ ૨૦૨૨ માટે જે વિઝન નક્કી કરાયું છે તેનાં ધ્યેયો સાકાર કરવાની દિશામાં કામ કરે છે.
સરકાર નવી નોકરીઓ સર્જવામાં નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપોને નકારતાં વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે પ્રશ્ન રોજગારીનો નથી, પણ તેના ડેટાનો છે. ડેટાના અભાવે વિપક્ષો સરકાર પર રોજગારી સર્જવામાં નિષ્ફળતાનો ખોટો આરોપ લગાવી રહ્યા છે. વાસ્તવમાં ઇપીએફઓ (એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ)ના ડેટાને જોવામાં આવે તો છેલ્લાં સાત વર્ષમાં ફોર્મલ સેક્ટરમાં ૭૦ લાખ રોજગારી સર્જાઇ છે.
આપણે જાણીએ છીએ કે દેશમાં ૮૦ ટકા રોજગારી ઇન્ફોર્મલ સેક્ટરમાં છે. ફોર્મલ સેક્ટરમાં રોજગારી સર્જાય એટલે ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ આનુષંગિક અસર થાય જ છે.

આ મુલાકાતના અંશો...

સરકારની સફળતા વિશે...

અમારી સરકાર સત્તા પર આવી ત્યારથી અત્યાર સુધી લેવાયેલાં તમામ પગલાં એકસમાન ભાવના અને કટિબદ્ધતા સાથે લેવાયેલાં છે. તેમાંથી અમને સૌથી વધુ સંતોષ મળ્યો હોય એવાં કોઇ એક ખાસ પગલાંને અલગ તારવવું એ સરકારની નીતિ સાથે સુસંગત નથી. અમે ન્યૂ ઇન્ડિયાના વિઝન સાથે સતત કાર્યરત છીએ. અગાઉની પહેલની સફળતાઓ વિશે વિચારવામાં સમય વેડફવા કરતાં તેટલો સમય નવી પહેલ માટે સમર્પિત કરી શકાય.

કોર્પોરેટ સેક્ટર વિશે...

મારી સરકાર ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. સાથે સાથે મારી સરકાર ગેરરીતિઓ આચરતાં કૌભાંડી તત્વોને જેર કરવા માટે પણ કટિબદ્ધ છે. સરકારનું ધ્યેય છે કે કંપનીની સ્થાપનાથી માંડીને ડિરેક્ટર નિમવા સુધી અને ઇન્કમટેક્સની ચૂકવણીથી માંડીને જીએસટીની ચૂકવણી સહિતની તમામ પ્રક્રિયાઓ સરળ બને. બહુ મોટા પાયે આઇટીના ઉપયોગથી આ પ્રક્રિયાઓમાં માનવીય દખલ ઘટી છે.
વર્લ્ડ બેન્કનાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ભારત ૧૪૨મા સ્થાનેથી ઉપર આવીને ૧૦૦મા ક્રમે પહોંચ્યું છે. તે દર્શાવે છે કે આપણે કંપનીઓને સક્ષમ બનાવવાની દિશામાં જઇ રહ્યાં છીએ અને વેપાર-ધંધા માટેની સરળતા વધારી રહ્યા છીએ. જેઓ નિયમોનું પાલન કરે છે તેમના માટે પ્રક્રિયાઓ અને કાર્યવિધિઓ સરળ બની રહી છે પરંતુ ખોટું કરનારાઓને કોઇ છટકબારી નહીં મળે.
કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર સામેની લડાઇના ભાગરૂપે મારી સરકારે ૨.૬ લાખ શેલ કંપનીઓ તથા ૩.૦૯ લાખ ડિરેક્ટર્સનાં નામ રદ કર્યાં છે. હજુ આવતા મહિને બીજી ૫૫૦૦૦ અને તે પછીના મહિનાઓમાં તેનાથી પણ વધારે આવી કંપનીઓના નામ રદબાતલ કરાશે. એ નોંધવું જોઇએ કે તેમાંની બહુ જ ઓછી કંપનીઓ આ પગલાં સામે રાહત મેળવી શકી છે તેનો મતલબ એ કે અમે સાચી દિશામાં જઇ રહ્યા છીએ.
સીધા વેરાના મોરચે ટેક્સ રિટર્નનાં ફોર્મ્સ કરદાતા માટે વધારે સુગમ બનાવાયાં છે. ઇનકમટેક્સ વિભાગે સ્ક્રુટિની એસેસમેન્ટનાં ધોરણો પણ સરળ બનાવ્યાં છે.

બેન્કિંગ સેક્ટર વિશે...

પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)નો પ્રશ્ન આટલો ગંભીર કેમ બન્યો. યુપીએ-ટુ શાસન દરમિયાન લોનનાં ડિસ્બર્સમેન્ટમાં જંગી વધારો થયો હતો. તેનું શ્રેય ‘ટેલિફોન બેંકિંગ'ના ઇનોવેશનને અપાવું જોઇએ. ત્યારે બેન્કને સીધી ફોન પર સૂચના આપી દેવાતી હતી અને લોન મંજૂર થઇ જતી હતી. આ રીતે આડેધડ લોન અપાતાં આજની એનપીએની સમસ્યા સર્જાઇ છે. વધુમાં આગલી સરકારે એનપીએના આંકડા ઓછા ટાંક્યા હતા એટલે દેશને સમસ્યાનાં ખરાં સ્વરૂપનો અંદાજ જ ન હતો આવ્યો. જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન કુલ અપાયેલી લોનોમાં ત્રણ ગણો વધારો થયો હતો. સત્તા સંભાળ્યા પછી હું તરત જ આ મુદ્દે શ્વેતપત્ર પ્રગટ કરી શકું તેમ હતો, પરંતુ મેં તેમ ના કર્યું કારણ કે તેનાથી અર્થતંત્રમાં ગભરાટ ફેલાય તેમ હતો. આના બદલે અમે શાંતિથી બેકિંગ સિસ્ટમની ગાડીને ફરી પાટા પર લાવવાનું કામ કર્યું. સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે બેન્કો તમામ ધારાધોરણોનું પાલન કરે.
એનપીએની સમસ્યાને હળવી બનાવવા એકદમ સ્વચ્છ અને કાર્યક્ષમ રિકવરી સિસ્ટમ વિકસાવવા માટે સરકાર ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) લાવી છે. સરકારે રિઝર્વ બેન્કને બેન્કોને આઇબીસીનો અમલ કરવા આદેશ આપવા માટે સક્ષમ બનાવવા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં પણ સુધારો કરાવ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ રૂપિયા ૨.૬૯ લાખ કરોડની બાકી લોન હોય તેવા ૩૯ મોટા ડિફોલ્ટર સામેના કેસ ફાઇલ કરાયા છે. ડિફોલ્ટર્સ સામે વધુ કડક પગલાંરૂપે અમે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ લો લઇ આવ્યા છીએ. વધુમાં જાહેર ક્ષેત્રની બેન્કોને વધારે મજબૂત કરવા સરકારે આ બેન્કમાં પ્રારંભમાં રૂ. ૭૦,૦૦૦ કરોડની મૂડી ઠાલવ્યા બાદ ઇન્દ્રધનુષ યોજના હેઠળ વધુ રૂ. ૨.૧૧ લાખ કરોડની મૂડી ઠાલવવાનું નક્કી કર્યું છે. આ તમામ પગલાંના કારણે ધિરાણ અને રિકવરી સિસ્ટમની સાફસૂફી થઇ રહી છે અને એક સ્વચ્છ અને ગતિશીલ બેકિંગ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે.

ટોળાં દ્વારા હિંસા વિશે...

આવા બનાવો બને છે તે બહુ દુઃખદ છે. મારી સરકાર કાયદાનું શાસન જાળવવા તથા દેશના દરેક નાગરિકની જિંદગી અને સ્વતંત્રતા જાળવવા સંપૂર્ણ કટિબદ્ધ છે. આ મુદ્દે કોઇ શંકા ન હોવી જોઇએ. અમારી સરકારે રાજ્યોને આ મુદ્દે બહુ સ્પષ્ટ સૂચના આપી છે. કોઇ વ્યક્તિ કાયદો હાથમાં લઇ શકે નહીં અને હિંસા આચરી શકે નહીં. સરકારે કેન્દ્રીય ગૃહ સચિવના વડપણ હેઠળ એક ઉચ્ચ સ્તરીય કમિટી રચી છે જે આ સમસ્યાના ઉકેલ માટે નક્કર પગલાં ઘડશે. સરકારે આ કમિટીની ભલામણો પર વિચારણા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના વડપણમાં કમિટી રચી છે.

અવિશ્વાસ પ્રસ્તાવ વિશે...

હું પોતે આ પ્રશ્નોના જવાબ શોધી રહ્યો છું. તેમની પાસે સંખ્યા પણ ન હતી અને મુદ્દા પણ ન હતા. એવું લાગે છે કે તેઓ માત્ર અહમના કારણે અવિશ્વાસ પ્રસ્તાવ લઇ આવ્યા હતા. તમે જાણો છો કે ‘નામદાર'ના પોતાના આગવા નિયમો હોય છે. તેઓ જ નક્કી કરે છે કે કોને ધિક્કારવા અને કઇ રીતે ધિક્કારવા કે કોના પ્રત્યે લાગણી બતાવવી. અમે કામદાર છીએ. અમને આવા કોઇ વિશેષ હક્ક નથી.

રાફેલના આક્ષેપ વિશે...

કોંગ્રેસને બોફોર્સનું ભૂત સતાવે છે, આથી તેઓ (રાફેલ વિમાન સોદા અંગે) પુરાવા વિના જુઠ્ઠાણાં આચરે છે. રાફેલ આપણા વાયુ દળની ક્ષમતા વધારવા જરૂરી છે. એક સરકારની બીજી સરકાર સાથે સંપૂર્ણ પારદર્શી રીતે ડીલ થઇ છે. બાકી બધો ખોટો પ્રચાર છે જેનાથી રાષ્ટ્રના હિતને નુકસાન થઇ રહ્યું છે.

ભાગેડુઓ વિશે...

ભૂતકાળની સરકારોએ અપનાવેલી નીતિના કારણે આ લોકોને નાણાં લઇને ભાગી જવાનું સરળ બન્યું હતું. અમે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ લો લાગુ પાડ્યો છે. તેના કારણે આ ભાગેડુઓ પર ભીંસ વધી છે. હું ભારપૂર્વક કહું છું કે લોકોના નાણાં લઇને ભાગી જનારાઓને આ સરકાર કોઇ પણ સંજોગોમાં છોડશે નહીં.

એનસીઆર વિવાદ વિશે...

ઇન્દિરા-મુજીબ એકોર્ડ ૧૯૭૨ તેમજ રાજીવ ગાંધી -‘આસુ’ સમજૂતી-૧૯૮૫માં ગેરકાયદે ઘૂસણખોરોને કાબૂમાં લેવા પ્રતિબદ્ધતા વ્યક્ત થઇ હતી. કોંગ્રેસે મતબેન્કના રાજકારણને કારણે તેનો અમલ ના કર્યો. આ કોંગ્રેસની ગુનાહીત બેદરકારી છે. અમે એનઆરસી (નેશનલ સિટિઝન રજિસ્ટર) મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ કરી રહ્યા છીએ. હાલ જે યાદી પ્રગટ કરાઇ છે તે ડ્રાફ્ટ જ છે. જે લોકો બિનજરૂરી વિવાદ સર્જે છે તેઓ આ કવાયતની સત્યતા સમજે તે સારું છે. અમારા વિરોધી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થતી કાર્યવાહીને માનવા પણ તૈયાર નથી. હું ફરી ફરીને કહીશ કે આ કવાયત રાષ્ટ્રના હિતમાં જ થઇ રહી છે.

વિપક્ષી મોરચા વિશે...

લોકોને ભૂતકાળમાં મોરચા સરકારોનો માઠો અનુભવ છે. મહાગઠબંધન નર્યો રાજકીય તકવાદ છે. ભારતીય મતદારો હંમેશાં રાષ્ટ્રનાં હિતનો સર્વોપરી માને છે. તેઓ માત્ર મોદી-વિરોધના વિચાર હેઠળ એક થનારા શંભુમેળાને ફગાવી દેશે. ઇતિહાસ દર્શાવે છે કે ૧૯૭૯, ૧૯૯૦ અને ૧૯૯૬માં આવા અખતરા નિષ્ફળ ગયા છે.

મુખ્ય ચૂંટણી મુદ્દા વિશે...

મારો મુદ્દો વિકાસ, ઝડપી વિકાસ અને સૌ માટે વિકાસ જ રહેશે. જે લોકો પાસે પોતાનું કામ બતાવવા જેવું હોતું નથી તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા સૂત્રોનો આશરો લે છે. અમે ચાર વર્ષમાં બહુ મહેનત કરી છે અને અમે લોકો સમક્ષ અમારા વિકાસના રેકોર્ડને લઇને જશું. મને પૂરો વિશ્વાસ છે કે મારા પક્ષને છેલ્લાં ચાર વર્ષમાં લોકોનો જે પ્રેમ મળ્યો છે તે યથાવત્ મળશે.
અમે ગયાં વખત કરતાં પણ વધારે બેઠકો મેળવશું એ નિશ્ચિત છે. મને પૂરો વિશ્વાસ છે કે એનડીએને પાછલી ચૂંટણીઓમાં મળેલી બેઠકોના તમામ વિક્રમ આ ચૂંટણીમાં તૂટી જશે. લોકો અમારી સાથે છે અને અમારે ડરવાનું કોઇ જ કારણ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter