વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો રોડમેપ રજૂ કરતું બજેટ

Wednesday 04th February 2026 01:32 EST
 
 

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આઝાદી પછી તમામ પરંપરા તોડીને પહેલી વાર રવિવારે વર્ષ 2026-27નું સામાન્ય બજેટ રજૂ કરાયું હતું. 85 મિનિટનાં તેમનાં બજેટ ભાષણમાં આ વખતે પહેલીવાર દેશની સુરક્ષા અને સંરક્ષણ પર વધારે ફોકસ કરાયું હતું. બજેટમાં 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો રોડમેપ રજૂ કરાયો છે.
બજેટને ત્રણ કર્તવ્ય પથ આધારિત તૈયાર કરાયું હતું. જે ત્રણ કર્તવ્ય નક્કી કરાયા છે તેમાં આર્થિક ગ્રોથ વધારવો અને તેને ટકાવીને ચાલુ રાખવો, લોકોની આશા અપેક્ષાઓ સંતોષવી અને દેશના વિકાસમાં લોકોને ભાગીદાર બનાવવા તેમજ સબ કા સાથ અને સબ કા વિકાસની તકો સૌને પૂરી પાડવાનો સમાવેશ થાય છે. ભારતને ગ્લોબલ બાયો ફાર્મા ઉત્પાદન હબ બનાવવાનો સંકલ્પ રખાયો હતો.
બજેટમાં ઓપરેશન સિંદૂરની અસર જોવા મળી હતી. જે રીતે વૈશ્વિક સ્તરે ભૂભૌગોલિક સ્થિતિ અને સમીકરણો બદલાઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો કરાયો છે. સંરક્ષણ બજેટ રૂ. 6.81 લાખ કરોડથી વધારીને રૂ. 7.85 લાખ કરોડ કરાયું હતું. સેનાનાં તમામ દળોનાં આધુનિકીકરણ માટે રૂ. 2.19 લાખ કરોડ ખર્ચવાને નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
ઉપરાંત બજેટમાં દેશના વિકાસનાં લાભ ખેડૂતો, આદીવાસીઓ, મહિલાઓ અને યુવાનો સુધી પહોંચાડવાનો સંકલ્પ રખાયો હતો. દેશમાં 7 ટકાનો ગ્રોથ રેટ જાળવી રખાયો હતો. બજેટમાં મહિલાઓ માટે લખપતિ દીદી મોડલને આધારે મહિલાઓને રોજગારી આપવા તેમજ આવક વધારવા માટેની સ્કીમ જાહેર કરાઈ હતી. ખેતી તેમજ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે આવક અને રોજગારી વધારવા ભાર મુકાયો હતો.
85 મિનિટનું તેમનું બજેટ ભાષણ આમઆદમી અને પગારદારો માટે નિરાશ કરનારૂં હતું. આવકવેરાના દર અને માળખાને યથાવત રાખવામાં આવતા તેમની આશા અને અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતું. દેશમાં 7હાઈસ્પીડ રેલવે કોરીડોર શરૂ કરવાની તેમજ 3 આયુર્વેદિક AIIMS શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. મેડિકલ ટુરિઝમ વધારવા 5 મેડિકલ હબ બનાવવા અને કેન્સરની 17 દવાઓ પરની કસ્ટમ્સ ડયુટી હટાવવા જાહેરાત કરાઈ હતી. 7 ગંભીર બિમારીની દવાઓને ડયુટી ફ્રી કરાઈ હતી. ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોનાં વિકાસ માટે રૂ. 12.2 લાખ કરોડનો ખર્ચ કરવાનું નક્કી કરાયું હતું 800 જિલ્લામાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવા જાહેરાત કરાઈ હતી. બજેટ 2026-27માં રાજકોષિય ખાધ ઘટાડીને 4.3 ટકા રાખવાનો નિર્ધાર કરાયો હતો.

• બજેટમાં શું સસ્તું થશે? કપડાં, લેધર વસ્તુઓ, સિન્થેટિક ફૂટવેર, કેન્સર અને ડાયાબિટીસની 17 દવા ડયુટી ફ્રી, અંગત વપરાશ માટે આયાતી દવા, બીડી, લિથિયમ આયન બેટરી, મોબાઈલ બેટરી, સોલાર ગ્લાસ, ઈલેક્ટ્રિક વાહનો, માઈક્રોવેવ ઓવન, વિમાનના એન્જિન સહિતના પાર્ટ્સ, પરમાણુ પ્રોજેક્ટનો સામાન, દુર્લભ ખનીજો માટે કેપિટલ ગૂડ્સ, વિદેશ પ્રવાસ, વિદેશમાં અભ્યાસ, સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી વસ્તુઓ • બજેટમાં શું મોંઘું થશે? સ્ક્રેપ, દારૂ, વાયદા બજારમાં ટ્રેડિંગ, પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ, એટીએમ-કેશ ડિસ્પેન્સર મશીન અને તેના પાર્ટ્સ અને કોમ્પોનન્ટ્સ, ફિલ્મ અને બ્રોડકાસ્ટિંગ ઈક્વિપમેન્ટ, એમોનિયમ ફોસ્ફેટ-નાઈટ્રો ફોસ્ફેટ ખાતરો અને નેપ્થા તરીકે વપરાતા ખાતર, કોફી રોસ્ટિંગ, વેન્ડિંગ મશીન્સ, એરંડાની ખોળ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter