વિચક્ષણ રાજપુરુષ ઉમદા ઇન્સાનઃ અટલ હૃદયસ્થ બન્યા

Wednesday 22nd August 2018 07:22 EDT
 
 

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનો નશ્વર દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પરંતુ તેમની સ્મૃતિ કરોડો ભારતીયોના દિલમાં અંકિત થઇ ગઇ છે. અટલજીએ લાંબી બીમારી બાદ ગુરુવારે - ૧૬ ઓગસ્ટે સાંજે ૫.૦૫ વાગ્યે ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ)માં અંતિમ શ્વાસ લીધા હતા.
દેશવિદેશના શાસકોએ અટલજીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આપેલા પ્રદાનને બિરદાવીને તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. સહુકોઇનું એક સૂરે કહેવું છે કે અટલજીના નિધનથી ભારતને ન પૂરાય તેવી ખોટ પડી છે. આ વિચક્ષણ રાજપુરુષ અને ઉમદા ઇન્સાનના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
રાજકારણમાંથી સન્યાસ લીધા બાદ ૨૦૦૯થી તેઓ જાહેરજીવનથી તદ્દન અલિપ્ત થઇ ગયા હતા. એક સમયે જેમના પ્રવચન સાંભળવા હજારો લોકો ઉમટતા હતા તે અટલજીનો અવાજ પણ લોકોને આ પછી સાંભળવા મળ્યો નહોતો. સ્ટ્રોકને કારણે યાદદાસ્ત નબળી થઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓ ડિમેન્સીયાથી પીડાતા હતા. લાંબા સમયથી તેમની એક જ કિડની કામ કરતી હતી. ૧૧ જૂનથી ‘એઇમ્સ’માં સારવાર લઇ રહેલા ૯૩ વર્ષના અટલજીની તબિયત ૧૫ ઓગસ્ટે કથળી
હતી અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા.
અટલજીના પાર્થિવ દેહને પહેલા તેમના કૃષ્ણમેનન સ્થિત નિવાસસ્થાને અને બીજા દિવસે ભાજપના વડા મથકે જાહેર દર્શનાર્થે રખાયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દાયકાઓ જૂના મિત્ર લાલ કૃષ્ણ અડવાણી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષપ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ વગેરેએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એક વાગ્યે તેમની અંતિમયાત્રા શરૂ થઈ હતી, જેમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. ચાર વાગ્યે અંતિમ સંસ્કાર થયા હતા. તેમનું સ્મારક બનાવવા વિજય ઘાટ પાસે દોઢ એકર જમીન ફાળવાઇ છે.

મહાનાયકનું મહાપ્રયાણ, અટલ અનંતમાં વિલીન

વાજપેયીના અંતિમ સંસ્કાર યમુના નદીના કિનારે આવેલાં સ્મૃતિસ્થળ ખાતે સંપૂર્ણ રાજકીય અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. વાજપેયીના નશ્વર દેહને સુશોભિત ગન કેરેજમાં દીનદયાલ માર્ગ પર આવેલાં ભાજપના મુખ્ય મથકે લઇ જવાયો હતો, જ્યાં દેશવિદેશના મહાનુભાવો અને ભાજપ કાર્યકર્તાઓએ લોકલાડીલા નેતાનાં અંતિમ દર્શન કરીને અંજલિ અર્પી હતી.
ત્યારબાદ યમુનાના કિનારે ચાર કિલોમીટરના અંતરે આવેલા સ્મૃતિસ્થળ તરફ અંતિમ યાત્રાએ પ્રયાણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપઅધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના વરિષ્ઠ પ્રધાનો અને નેતાઓ અંતિમ યાત્રામાં પગપાળા જોડાયા હતા. વાજપેયીને અંતિમ વિદાય આપવા માટે ક્રિશ્ન મેનન માર્ગ, સુનેહરી બાગ રોડ, તુઘલક માર્ગ, અકબર રોડ, તીસહજારી માર્ગ, માનસિંહ રોડ, શાહજહાં રોડ અને સિકંદરા રોડ પર લાખોનો માનવ મહેરામણ ઊભરાયો હતો.
સ્મૃતિસ્થળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપના મોવડી અડવાણી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ‘સાર્ક’ દેશોના મહાનુભાવો, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સહિતના પ્રધાનો, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના ગણમાન્ય નેતાઓએ વાજપેયીને અંતિમ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. સેનાના ત્રણે પાંખના વડાઓએ દિવંગત વાજપેયીને સલામી આપ્યા બાદ મંત્રોચ્ચાર મધ્યે વાજપેયીની દત્તક દીકરી નમિતા ભટ્ટાચાર્યે મુખાગ્નિ આપ્યો હતો. આ સાથે અજાતશત્રુ એવા અટલબિહારી વાજપેયીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

અંત્યેષ્ટિમાં ‘સાર્ક’ દેશોના નેતાઓની હાજરી

અંત્યેષ્ટિમાં ૨૦થી વધુ દેશોના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ‘સાર્ક’ દેશોના નેતાઓ મુખ્ય હતા. ભૂતાનના રાજા જિગ્મે વાંગચુક, નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર ગ્યાવલી, શ્રીલંકાના કાર્યકારી વિદેશ પ્રધાન લક્ષ્મણ કિરિયેલા, પાકિસ્તાનના કાયદા પ્રધાન અલી ઝફર, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન અબદુલ હસન મહમૂદ અલીએ હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
પાક. પ્રધાન અલી ઝફરે જણાવ્યું હતું કે, અમે અહીં પાકિસ્તાનની જનતા વતી ભારતનાં દુઃખમાં ભાગીદાર બનવા અને દિલાસો પાઠવવા આવ્યા છીએ. બાંગ્લાદેશના નેતા અલીએ જણાવ્યું હતું કે, અમે બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં વાજપેયીનાં યોગદાનને હંમેશાં યાદ રાખીશું. નેતાઓમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરઝાઇનો પણ સમાવેશ થતો હતો.

વિવિધ દેશોના ધ્વજ અડધી કાઠીએ ફરક્યા

ભારતમાં ભાગ્યે જ જોવા મળતાં દૃશ્યમાં દિલ્હીસ્થિત બ્રિટિશ દૂતાવાસે શુક્રવારે યુનિયન ફ્લેગને અડધી કાઠીએ લટકાવી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ જ રીતે મોરિશિયસ સરકારે દેશમાં ભારતીય ત્રિરંગા સાથે મોરેશિયસના ધ્વજને સરકારી ઇમારતો પર અડધી કાઠીએ ફરકાવી પૂર્વ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. બેલ્જિયમે પણ અડધી કાઠીએ ધ્વજ ફરકાવ્યો હતો. ફ્રાન્સે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, કવિ, રાજકીય નેતા અને દૃષ્ટા વાજપેયી ભારતીય ઇતિહાસમાં અનોખી છાપ મૂકી ગયા છે. તેમનું નામ ભારત અને ઇન્ડો-ફ્રેન્ચ મિત્રતા સાથે હંમેશાં સંકળાયેલું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter