વિજય રૂપાણી સરકાર સત્તારૂઢ

Wednesday 10th August 2016 06:14 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં એક સપ્તાહની ભારે રાજકીય ચહલપહલ બાદ રાજ્યના ૧૬મા મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિનભાઇ પટેલ તેમજ તેમના ૨૪ સભ્યોના પ્રધાનમંડળે કાર્યભાર સંભાળ્યો છે. વિજયભાઇ અને નીતિનભાઇ સાથે સાત કેબિનેટ તથા ૧૬ રાજ્યકક્ષાના પ્રધાનોએ રવિવારે મહાત્મા મંદિરમાં યોજાયેલા સમારોહમાં પક્ષના રાષ્ટ્રીય નેતાઓથી માંડીને પાયાના કાર્યકરોની ઉપસ્થિતિમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.
મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેન પટેલનના અણધાર્યા રાજીનામાથી માંડીને મુખ્ય પ્રધાન પદે વિજયભાઇ રૂપાણીની પસંદગી સુધીનો સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રાજકીય સંકેત આપે છે કે રાજ્યમાં આવતા વર્ષના અંત ભાગમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હવે સંપૂર્ણ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. ભાવિ આયોજનના ભાગરૂપે જ રાજ્યનું સુકાન પોતાના વિશ્વાસુ વિજય રૂપાણીને સોંપ્યું છે. આ સાથે જ અમિત શાહે પોતાની રાજકીય સૂઝથી સામાજિક, રાજકીય અને જ્ઞાતિગત ગણતરીઓને ધ્યાને લઇ આનંદીબહેન સરકારમાં પ્રધાન રહેલા રમણલાલ વોરા, સૌરભ પટેલ, મંગુભાઇ પટેલ જેવા નવ સિનિયરો પ્રધાનોને પડતાં મૂકીને પક્ષના કાર્યકરો, નેતાઓને ભાવિ રાજનીતિના સંકેત આપ્યા છે.
રાજ્યમાં પાટીદાર, દલિત તેમજ ઓબીસી-ઠાકોર સમાજના સામાજિક આંદોલનો ભાજપ માટે પડકારરૂપ છે અને તેને અનુલક્ષીને રૂપાણીની કેબિનેટમાં આઠ પાટીદારોને સ્થાન અપાયું છે તો બે ઠાકોર સમાજના પ્રતિનિધિઓ મળીને કુલ સાત ઓબીસી, એક અનુસૂચિત જાતિ અને ત્રણ અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે. આમ, લગભગ ૩૩માંથી ૨૫ જિલ્લાને વિવિધ રીતે પ્રધાન-મંડળમાં પ્રતિનિધિત્વ અપાયું છે.
સરકારમાં જૈન, બ્રાહ્મણ, સિંધી સમાજના પ્રતિનિધિને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત કરતાં સૌથી વધારે મહત્વ સૌરાષ્ટ્રને મળ્યું છે જેના નવ પ્રતિનિધિઓ છે. અલબત્ત, આમાં ક્યાંય કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૫૬ વર્ષમાં પહેલી વખત એક જૈન નેતાએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું છે તો લગભગ બે દસકા બાદ ભાજપે ફરી એક વખત સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પદનો હોદ્દો સામેલ કર્યો છે.
કેસરિયાં ખેસ ધારણ કરેલા કાર્યકરોથી ખીચોખીચ હોલમાં ગવર્નર ઓ. પી. કોહલીએ તમામને શપથ લેવડાવ્યા હતા.
 આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નાણાં પ્રધાન અરુણ જેટલી, રાષ્ટ્રીય નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી ઉપરાંત હરિયાણા - મહારાષ્ટ્ર - ઝારખંડ મુખ્ય પ્રધાનો, પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ઉપસ્થિત રહીને સમગ્ર કેબિનેટને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે સમાજ સમાજ, ધર્મ, પંથ, સંપ્રદાયના સાધુ સંતો, ધર્મગુરુઓએ પણ એક અલગ મંચ ઉપર ઉપસ્થિત રહી નવરચિત પ્રધાનમંડળને આશીર્વાદ આપ્યા હતા.
રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પ્રથમ જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને શપથ લેવડાવ્યા બાદ શુભેચ્છા આપી હતી.

અને મુખ્ય પ્રધાન પદના નામે સહુને ચોંકાવ્યા

ભાજપ હાઇ કમાન્ડે આ પૂર્વે મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણીની પસંદગી કરીને તમામને ચોંકાવી દીધા હતા. આ હોદ્દા માટે છેલ્લી ઘડી સુધી વરિષ્ઠ પ્રધાન નીતિનભાઇ પટેલનું નામ નક્કી ગણાતું હતું. ટીવી ન્યૂસ ચેનલો અને વિવિધ વેબસાઇટ પર નીતિનભાઇનું નામ ચમકવા લાગ્યું હતું તો તેમના વતન કડીમાં બપોરથી ઉજવણીનો માહોલ હતો. જોકે ઢળતી સાંજે અચાનક જ મુખ્ય પ્રધાન પદે વિજયભાઇનું નામ અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિનભાઇનું નામ જાહેર થતાં કાર્યકરોથી માંડીને લોકોએ આશ્ચર્યનો આંચકો અનુભવ્યો હતો.
પાંચમી ઓગસ્ટે સાંજે પક્ષના વડા મથક કમલમ્ ખાતે અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં કેન્દ્રીય નિરીક્ષકો અને પક્ષના મોવડીઓ સાથે મેરેથોન બેઠક ચાલ્યા બાદ આ જાહેરાત કરાઇ હતી. મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેને રાજીનામું આપ્યા બાદ તેમના અનુગામીની સ્પર્ધામાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પરષોત્તમભાઇ રૂપાલા અને રાજ્યના વરિષ્ઠ પ્રધાનો નીતિનભાઇ પટેલથી માંડીને નાણાં પ્રધાન સૌરભભાઇ દલાલ જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ હતા. જોકે રાજકોટના વતની વિજયભાઇ આ તમામને પાછળ રાખીને સર્વસંમત ઉમેદવાર તરીકે ઉભર્યા હતા.
નવા નેતાની પસંદગી માટે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય નીરિક્ષકો તરીકે વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને સરોજ પાંડે, ગુજરાત ભાજપના પ્રભારી દિનેશ શર્મા તથા વી. સતીષ, વિદાય લઇ રહેલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, આઇ. કે. જાડેજા સહિતના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાજપ માટે ગુજરાત ‘સરતાજ’ સમાન છે. ભાજપ ગુજરાતને હંમેશા મોડેલ સ્ટેટ તરીકે પ્રોજેક્ટ કરતું રહ્યું છે અને લોકસભાના ચૂંટણીપ્રચારમાં પણ ગુજરાત મોડેલ જ કેન્દ્રસ્થાને રજૂ રહ્યું હતું. આ બધા કારણસર જ ગુજરાતના નવા મુખ્ય પ્રધાનની પસંદગી ખૂબ જ અગત્યની હતી

રાત્રે ૧૨ વાગ્યા પછી પ્રધાનોની આખરી યાદી

અધ્યક્ષ અમિત શાહે કમલમ્ ખાતે મુખ્ય પ્રધાન અને પ્રદેશ આગેવાનો સાથે છઠ્ઠી ઓગસ્ટ, શનિવારે પાંચ કલાક સુધી બેઠક કરીને પ્રધાનમંડળના સભ્યોની પસંદગી માટે ચર્ચા કરી હતી. જોકે રાત્રે ૧૨ વાગ્યા પછી તેમણે દિનેશ શર્મા અને વી. સતીષ સાથે અલગ બેઠક યોજીને પ્રધાનમંડળની આખરી યાદી તૈયાર કરી હતી. જેમાં પ્રદેશના એક પણ નેતાને હાજર રખાયા ન હતા. રાત્રે દોઢ કલાકે શાહે લિસ્ટ આપ્યા બાદ ધારાસભ્યોને શપથવિધિ માટે તૈયાર રહેવાની જાણ કરી હતી.
શનિવારે મોડી રાત્રે આશરે બે વાગ્યા સુધી નવા પ્રધાનમંડળમાં કોને સમાવવા તેની ગડમથલ ચાલી હતી. બે વાગ્યા બાદ નવા પ્રધાનોને ફોન થવા માંડ્યા હતા. પરંતુ નાનુભાઈ વાનાણીને સવારે ૧૦.૧૦ વાગ્યે જાણ કરી હતી.

‘બધું ગોઠવી આપ્યું છે, હવે આંદોલન થવું ન જોઈએ’

પહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસે અને ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ઘરે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવનિયુક્ત પ્રધાનોને ખાતાઓની વહેંચણીના મુદ્દે લંબાણપૂર્વક બેઠક યોજી. છેલ્લે છુટા પડતા પહેલા અમિત શાહે રૂપાણી અને નીતિન પટેલને ઉદ્દેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પ્રધાનમંડળ, ખાતાઓની વહેંચણી સહિત બધું જ તમને ગોઠવી આપ્યું છે. કેન્દ્રમાં સરકાર પણ તમારી સાથે જ છે. હવે રાજ્યમાં કોઈ આંદોલન ઊભું થવું ન જોઈએ. ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીને કેન્દ્રમાં રાખીને હવે સમાજમાં કોઈ વિરોધ સર્જાવા ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરવો, કોને પડતા મૂકવા અને કોને કયા ખાતા સોંપવા તે તમામ નિર્ણયો અમિત શાહે જ કર્યા હતા. અલબત્ત, આમાં જરૂર પડી ત્યારે નરેન્દ્ર મોદી સાથે પણ પરામર્શ કરાયો હતો. આ પ્રક્રિયામાં વી. સતીષ, દિનેશ શર્મા, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ પણ હાજર હતા.

નવનિયુક્ત મુખ્ય પ્રધાનને કોંગ્રેસના અભિનંદન

નવનિયુક્ત મુખ્ય પ્રધાન રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પટેલને કોંગ્રેસે શુભેચ્છા સાથે અભિનંદન આપ્યાં છે. કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સંયુક્ત રીતે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતાં વધારે વર્ષોથી ભાજપની સરકારો રહી છે. છતાં નાગરિકો પાયાની સુવિધાથી વંચિત છે. ભાજપ સરકાર સંવેદનાથી કામ કરે તે સમયની માગ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રહેઠાણ સહિતના મુદ્દે પ્રજામાં આક્રોશ અને અજંપો છે ત્યારે પ્રજાલક્ષી કામગારી થાય તેવી અપેક્ષા છે. પાટીદાર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ કે ખેડૂત સમાજ પરના દમન બંધ થાય તે જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter