વિદેશથી આવતાં યાત્રી માટે સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત

કોરોનાના કેસોમાં ઉછાળાની સાથે જ ભારત સરકારે નવી ગાઇડલાઇન જારી કરી, ૧૧ જાન્યુ.થી અમલી બની

Tuesday 11th January 2022 07:15 EST
 
 

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિયન્ટ સહિત કોરોનાના કેસોમાં ઉછાળાની સાથે સાથે દેશમાં આવી રહેલી ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વિદેશથી આવતા યાત્રીઓ માટે કોરોનાની નવી ગાઇડલાઇન જારી કરી છે. નવી ગાઇડલાઇન મુજબ ભારતમાં આવતા તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સે ફરજિયાત સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે. આ સાથે જ યુકે, યુરોપ સહિતના જોખમ ધરાવતા દેશોમાંથી આવતા યાત્રીઓ માટે સાવચેતીના કેટલાંક વધુ પગલાં લેવામાં આવ્યા છે. નવા નિયમોનો ૧૧ જાન્યુઆરી - મંગળવારથી અમલ શરૂ થઇ ગયો છે, અને તે નવા આદેશ સુધી અમલી રહેશે.
ટેસ્ટ રિઝલ્ટ પછી જ એરપોર્ટમાંથી બહાર
નવા નિયમો મુજબ જોખમ ધરાવતા દેશોના ટ્રાવેલર્સે ભારતમાં આગમન સમયે કોવિડ ટેસ્ટિંગ માટે સેમ્પલ આપવા પડશે. આ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ જ ટ્રાવેલરને એરપોર્ટ સંકુલ છોડવાની પરવાનગી મળશે. નેગેટિવ આવનારા લોકોએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે તથા આગમનના આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. જો ટ્રાવેલર્સ કોરોના પોઝિટિવ આવશે તો તેમના સેમ્પલ જિનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે.
પોઝિટિવ આવનારા વ્યક્તિઓને આઇસોલેશન ફેસિલિટીમાં રાખવામાં આવશે અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ તેમની સારવાર થશે. આ પછી સંબંધિત રાજ્યોએ આવા મુસાફરોના સંપર્કમાં આવનારા લોકોને શોધવાનું ચાલુ કરવું પડશે. જો ટ્રાવેલર્સ નેગેટિવ આવશે તો તેમને પછીના સાત દિવસ માટે સેલ્ફ મોનિટર કરવાનું રહેશે. ભારત સરકારે જણાવ્યું છે કે જોખમ આધારિત અભિગમ અપનાવીને ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે અને નવા વેરિયન્ટને પગલે હાલની ગાઇડલાઇનમાં સુધારો કરવામાં આવ્યો છે.
પ્રવાસીઓની સુવિધા માટે એર સુવિધા પોર્ટલ
સરકારે જોખમ ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. જેમાં યુરોપના તમામ દેશો, દક્ષિણ આફ્રિકા, યુકે, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથિયોપિયા, કઝાખસ્તાન, કેન્યા, નાઇજિરિયા, ટ્યુનિશિયા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાંથી ભારત પહોંચતા ટ્રાવેલર્સે નિયત મુસાફરી ચાલુ કરતાં પહેલા ઓનલાઇન એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. તેમાં છેલ્લાં ૧૪ દિવસની ટ્રાવેલ વિગતો હશે. આ ઉપરાંત નેગેટિવ કોરોના આરટી-પીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે. આ ટેસ્ટ મુસાફરના પ્રારંભના ૭૨ કલાક પહેલાનો હોવો જોઇએ. ટેસ્ટની વિશ્વસનીયતા અંગે પણ ડિક્લેરેશન આપવું પડશે.
જોખમ ધરાવતા દેશોમાંથી આવતા ટ્રાવેલર્સને એરલાઇન્સે માહિતી આપવી પડશે કે તેમનો પોસ્ટ એરાઇવલ ટેસ્ટ કરવામાં આવશે અને જો નેગેટિવ રિપોર્ટ આવશે તો ક્વોરેન્ટાઇન થવું પડશે અને પોઝિટિવ રિપોર્ટ હશે તો આકરા આઇસોલેશનમાંથી પસાર થવું પડશે. આવા દેશોના મુસાફરોને એરલાઇન્સ ટિકિટની સાથે શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપશે.
એરલાઇન્સ માત્ર એવા ટ્રાવેલર્સને બેસવાની તક આપશે કે જેમને એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન આપ્યું હોય અને આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અપલોડ કર્યો હોય. આની સાથે ફ્લાઇટમાં બેસતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ થશે.

વિદેશી યાત્રીઓ માટે નવા નિયમો
• તમામ ઇન્ટરનેશનલ યાત્રીઓએ ભારતમાં આગમન બાદ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે.
• જોખમ ધરાવતા દેશોના ટ્રાવેલર્સ ભારતમાં આગમન સમયે કોવિડ ટેસ્ટિંગ માટે સેમ્પલ આપવા પડશે.
• આ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ જ ટ્રાવેલરને એરપોર્ટ સંકુલ છોડવાની પરવાનગી મળશે.
• નેગેટિવ આવનારા લોકોએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે તથા આગમનના આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.
• ટ્રાવેલર્સ આઠમા દિવસે કરવામાં આવેલા કોરોના આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.
• તમામ મુસાફરોએ લેખિતમાં બાયધરી આપવી પડશે કે હેલ્થ મોનિટરિંગના તમામ નિયમોનું પાલન કરીશ.
• ભારતમાં આગમન પહેલા કોરોના ટેસ્ટ માટે એર સુવિધા પોર્ટલ પર બુકિંગ કરી શકાશે, જેથી સમયસર ટેસ્ટ થઈ શકે.
• ભારતમાં આગમન પહેલા કોરોના ટેસ્ટ માટે એર સુવિધા પોર્ટલ પર બુકિંગ કરી શકાશે, જેથી સમયસર ટેસ્ટ થઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter