વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા તખતો તૈયાર

Thursday 07th May 2020 06:06 EDT
 
 

નવી દિલ્હી: કોરોના લોકડાઉનના કારણે વિદેશમાં અટવાઇ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા ગુરુવાર - સાતમી મેથી શરૂ થઇ છે. ગૃહ મંત્રાલયે સોમવારે જ આ અંગે જાહેરાત કરી હતી. ભારતીય દૂતાવાસોને આવા નાગરિકોની યાદી તૈયાર કરવાની ભારત સરકારે સૂચના આપી દીધી છે. ભારત સરકારે આ માટે ૬૪ ફ્લાઇટ અને ૩ યુદ્ધ જહાજ ફાળવ્યા છે. પાછા ફરેલા તમામ નાગરિકોએ ફરજિયાત ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.ઓપરેશનના પહેલા તબક્કામાં ભારત સરકાર ગલ્ફ દેશો, યુએસ અને યુકે સહિત ૧૩ દેશોમાં ફસાયેલા ૧૪,૦૦૦ ભારતીયોને પરત લાવી રહી છે. 

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સાતમી મેથી વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જે દેશોમાં ભારતના નાગરિકો ફસાયા છે, એ દેશોમાં ભારતના દૂતાવાસોને નાગરિકોની યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વતન પાછા ફરવા માટે વિમાનો ઉપરાંત નૌકાદળના જહાજોની મદદ લેવાશે. જોકે આ સર્વિસનું ભાડું પ્રવાસીઓએ ચૂકવવું પડશે.
નાગરિકોને પરત લાવતા પહેલાં મેડિકલ તપાસ થશે. જેમને શરદી-ઉધરસ-તાવના લક્ષણો હશે તેમને પાછા આવવાની પરવાનગી નહીં મળે. પાછા આવ્યા પછી દરેક નાગરિકે ફરજિયાત ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે. હોસ્પિટલોમાં કે નિયત ક્વોરેન્ટાઈન ઈન્સ્ટિટયૂટમાં ક્વોરેન્ટાઈન થવાનો જે ખર્ચ આવશે તે પણ નાગરિકોએ ભોગવવાનો રહેશે. પ્રવાસ દરમિયાન ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે વિદેશથી આવતા ઈચ્છતા બધા જ નાગરિકોએ આરોગ્ય સેતુ એપમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં આ અંગેની વિગતવાર માહિતી વેબસાઈટ્સમાં મૂકશે એવું પણ સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે તેમના રાજ્યોમાં વિદેશથી આવી રહેલા પ્રવાસીઓની સારવાર અને ક્વોરેન્ટાઈન થવા માટેની સુવિધા તૈયાર રાખે. એ નાગરિકો જે તે રાજ્યોમાં મોકલી દેવાશે અને પછી એ રાજ્યના આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ તેમને ક્વોરેન્ટાઈન રહેવું પડશે. ૨૩મી માર્ચથી ભારતે વિદેશથી આવી રહેલી તમામ ફ્લાઈટ રદ્ કરી હતી અને આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર બંધ કરી દીધો હતો. એ કારણે અસંખ્ય ભારતીય નાગરિકોને વિદેશમાં રહી જવું પડયું હતું.

સહિયારું અભિયાન

ભારતીય નૌકાદળ, વાયુસેના અને એર ઈન્ડિયાએ સાથે સાથે મળીને અખાતી દેશોમાં ફસાયેલા લોકોને સ્વદેશ પરત લાવવા ખાસ યોજના ઘડી કાઢી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ અખાતી દેશોમાં ફસાયેલા નાગરિકોને ભારત પરત લાવવા પોતાના લેન્ડિંગ પ્લેટફોર્મ યુદ્ધજહાજ આઈએનએસ જલાશ્વ અને અન્ય યુદ્ધજહાજને કામે લગાડવાની તૈયારી કરી રહ્યું છે. ત્રણેય યુદ્ધજહાજ હાલમાં સ્ટેન્ડબાય રખાયા છે. આદેશ થતાં જ ત્રણેય યુદ્ધજહાજ રવાના થશે. આ યુદ્ધજહાજથી સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને લોકોને મોટી સંખ્યામાં સ્વદેશ પરત લાવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter