વિદેશી મીડિયામાં કેવી રીતે બદલાય છે મોદીની હવા

Tuesday 14th May 2019 15:37 EDT
 
 

નવી દિલ્હીઃ પાંચ વર્ષ પહેલાં દેશમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બન્યા બાદ એવા ઘણા અવસર આવ્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય મીડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કવર સ્ટોરી કરીને વિવિધ રીતે તેમના કાર્યકાળ અને કાર્યશૈલી પર ટીકા-ટિપ્પણીઓ કરી છે.

આ જ ઘટનાક્રમમાં તાજી કડી અમેરિકાના ‘ટાઇમ’ મેગેઝિનની છે જેમાં એમણે લખ્યું કે ‘શું દુનિયાની સૌથી મોટી લોકશાહી આવનારા પાંચ વર્ષ મોદી સરકારને સહન કરી શકશે?’
૨૦ મેના રોજ પ્રકાશિત થનારા ‘ટાઇમ’ મેગેઝિનના અંકની કવર સ્ટોરીની તસવીર સાથે અમેરિકન સામયિકે ટ્વીટ કર્યું છે. ‘ટાઇમ’ મેગેઝિનની વેબસાઇટ પર પ્રકાશિત સ્ટોરીના કવર પેજ પર મોદીને ‘ઇંડિયાસ ડિવાઇડર ઇન ચીફ’ તરીકે રજૂ કરવામાં આવ્યા જેના પર ઘણો વિવાદ થયો છે.
નોંધનીય બાબત એ છે કે ચાર વર્ષ અગાઉ ૨૦૧૫ના મે મહિનાના અંકમાં ‘ટાઇમ’ મેગેઝિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કવર સ્ટોરી કરી હતી. એ સ્ટોરીનું શીર્ષક ‘વ્હાય મોદી મેટર્સ’ (મોદી કેમ મહત્ત્વપૂર્ણ છે) હતું.
આ જ રીતે ‘ફોર્બ્સ’ સમાચાર પત્રિકામાં ૧૬ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રકાશિત થયેલા એક લેખમાં લખ્યું છે કે ‘મોદીએ દેશ-વિદેશમાં ભારતની છબી ઊભી કરી છે, પરંતુ શાસન કરવાની પોતાની શૈલીને કારણે તેઓ ખુરશી ગુમાવી શકે છે.’ લેખમાં અનેક બીજી બાબતોની સાથે એમ પણ લખવામાં આવ્યું કે ‘મોદીની નીતિઓ સામાન્ય લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઈ છે, ત્યાં સુધી કે મોદીના સમયમાં સરેરાશ ભારતીયની હાલત ખરાબ થઈ છે.’

મોદીનું ભારત આગળ વધી રહ્યું છે

વર્ષ ૨૦૧૯માં મોદીની ટીકા કરી તેનાં બે વર્ષ અગાઉ ૧૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ એક લેખમાં ‘ફોર્બ્સ’ સામયિકે ‘મોદીસ ઇંડિયા ઇઝ રાઇઝિંગ’ લખ્યું હતું. જેનો અર્થ છે કે મોદીના ભારતનો ઉદય થઇ રહ્યો છે. આમાં કહેવામાં આવ્યું કે ‘વડા પ્રધાન મોદી વિશ્વના આર્થિક મંચ પર ભારતને આગળ વધારી રહ્યા છે. ભારતનું રેન્કિંગ સુધરી રહ્યું છે અને મોદીએ માળખાગત સુધારાઓ કર્યા છે.’
પરંતુ ‘ધ ઇકોનોમિસ્ટ’એ પોતાના રિપોર્ટમાં ત્યાં સુધી લખ્યું કે ‘મોદીએ મળેલી તક ગુમાવી દીધી છે.’
આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ‘જેની આશા રાખવામાં આવતી હતી એવો કોઈ આર્થિક સુધારો મોદીએ કર્યો નથી.’ આ લેખમાં મોદીને સુધારકની સરખામણીમાં શાસક તરીકે વધારે દર્શાવવામાં આવ્યા હતા.

આ જ રીતે ‘વોશિંગ્ટન પોસ્ટ’ આ જ વર્ષે છાપ્યું કે ‘મોદી ભારતની અર્થવ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ રહ્યા છે. મોદી ભારતની અર્થવ્યવસ્થાને ૭ ટકાથી આગળ ન લઈ જઈ શક્યા અને જે લક્ષ્ય સાથે નોટબંધીનું પગલું ભરવામાં આવ્યુ હતું તે લક્ષ્ય હાંસલ કરી શકાયું નથી.’

ભારતીય મીડિયા વિરુદ્ધ વિદેશી મીડિયા

કેટલાક જાણકારોનું માનવું છે કે વિદેશી મીડિયા કથિત બુદ્ધિજીવી વર્ગ અને ભારતના અંગ્રેજી મીડિયાની અસરમાં આવીને પોતાની વાત રજૂ કરે છે.
ફોરેન કોરસ્પોન્ડન્ટ્સ ક્લબ (એફસીસી)ના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર એસ. વેંક્ટ નારાયણ કહે છે કે વાત એમ છે કે વિદેશી મીડિયા અને તેમના સંવાદદાતાઓ પોતાની જાણકારી માટે મોટા ભાગે દિલ્હીથી નીકળતા અંગ્રેજી અખબારો પર નિર્ભર હોય છે.
તેઓ કહે છે, ‘ભારતના વિવિધ વિસ્તારોમાં જઈની પાયાની હકીકતો મેળવે એવા ખૂબ ઓછા લોકો હોય છે.’
‘બાકી, મોટા ભાગના સંવાદદાતાઓ અંગ્રેજી મીડિયામાં સ્થાન મેળવતા ભારતના કથિત બુદ્ધિજીવી વર્ગથી પ્રભાવિત હોય છે. ઇંદિરા ગાંધીના મામલામાં પણ આવું જ થતું હતું.’
વરિષ્ઠ પત્રકાર એસ. વેંક્ટ નારાયણનું માનવું છે કે ફક્ત શીર્ષકને આધારે કોઈ ચોક્કસ ધારણા ન બાંધવી જોઈએ. વિવાદમાં આવેલા ‘ટાઇમ’ મેગેઝિનના તાજેતરના અંકનો હવાલો આપીને તેઓ કહે છે, ‘જો તમે હેડલાઇનથી આગળ વધીને સ્ટોરી વાંચશો તો તમને સમજાશે કે એમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ સમગ્ર રીતે નકામી નીવડી છે અને તે ફક્ત એટલું કરી શકી છે કે રાહુલની મદદ માટે બહેન પ્રિયંકાને લઈ આવી છે.’ તેઓ કહે છે, ‘લખવામાં તો એમ પણ આવ્યું છે કે વિપક્ષ એટલો નબળો પડી ગયો છે કે તે મોદીનું કંઈ બગાડી નહીં શકે.’

‘નરેન્દ્ર મોદીનો અંકુશ નથી’

વરિષ્ઠ પત્રકાર હરતોષ બલ માને છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતીય મીડિયાથી અલગ છે અને ત્યાં નરેન્દ્ર મોદીનો અંકુશ નથી. બલ કહે છે, ‘વિદેશી મીડિયા અને ભારતીય મીડિયા વચ્ચે કોઈ અનુબંધ નથી એવી આપણામાં એક સમજણ છે પરંતુ ખરેખર એવું નથી. આજકાલ એક મોટો બદલાવ આવી રહ્યો છે. તમે જોશો કે વિદેશી મીડિયામાં જે અભિપ્રાય - લેખ આવી રહ્યા છે તે મોટા ભાગે ભારતીય કે ભારતીય મૂળના લોકો જ લખી રહ્યા છે.’
તેઓ ઉમેરે છે કે આ લોકો કાં તો ભારતીય મીડિયામાં કામ કરે છે અથવા તો ભારતીય મીડિયા સાથે સંકળાયેલા છે. આથી જ વિદેશી મીડિયામાં તમે જે જુઓ છો એ ભારતીય મીડિયાનું જ પ્રતિબિંબ છે.

હરતોષ બલ વિદેશી મીડિયા પર કંટ્રોલની વાત તરફ પણ ધ્યાન દોરે છે. તેઓ કહે છે, ‘બહારના મીડિયા પર નરેન્દ્ર મોદીનો અંકુશ નથી એની અસર તમે વિદેશી મીડિયામાં જોઈ શકો છો. કેટલાક લોકો ખરેખર એવું તટસ્થ વિશ્લેષણ કરી રહ્યા છે જે જમીની હકીકતો અને નક્કર સત્યો પર આધારિત છે.’
હરતોષ બલના આ તર્કનું એક ઉદાહરણ ૧૧ મેના ‘વોશિંગ્ટન પોસ્ટ’ના એક લેખમાં દેખાય છે. જેમાં બરખા દત્ત લખે છે કે આ ચૂંટણીઓ સંપૂર્ણ રીતે મોદી વિશે છે. મોદીના ફરી ચૂંટાવા પર ભારતનું ભવિષ્ય નક્કી થશે.
હરતોષ બલ અને એસ. વેંક્ટ નારાયણ બન્નેનું માનવું છે કે વિદેશી મીડિયામાં આવા લેખ પ્રકાશિત થવાથી વડા પ્રધાન મોદીને કંઈ ફરક નથી પડતો. એમનું માનવું છે કે વિશ્વના કોઈ નેતા કે રાજનાયકો કોઈ મેગેઝિનને આધારે પોતાનો મત નક્કી નથી કરતા.

ચૂંટણીનો સમય

‘સન્ડે ટાઇમ્સ’ લંડનમાં કોન્ટ્રિબ્યૂટર રહેલા દિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર અલકા નાથનું માનવું છે કે સરકારને અરીસો બતાવતા હોય એવા સમાચાર ચૂંટણી વખતે વધારે દેખાય છે. તેઓ યાદ કરાવે છે કે વર્ષ ૨૦૧૨માં ‘વોશિંગ્ટન પોસ્ટ’એ એ વખતના વડા પ્રધાન મનમોહન સિંહને ‘ટ્રેજિક ફિગર’ તરીકે રજૂ કર્યા હતા.
અલકા નાથ કહે છે કે ‘વિદેશી સંવાદદાતાઓમાં ધરાતલની સમજણ નથી હોતી એવું હું નહીં કહું કેમ કે બધા પત્રકાર એકસરખા નથી હોતા. જોકે, એ પણ સાચું છે કે દરેક રાજ્યમાં જવું એમના માટે સંભવ નથી હોતું અને એટલા માટે જ ન્યૂઝ મોનિટરિંગ મોટી ભૂમિકા ભજવે છે.’ ‘ટાઇમ’ મેગેઝિન જેવા સામયિકથી કોઈ સરકારને ફરક નથી પડતો એ વાતને પણ અલકા નાથ નકારી કાઢે છે.
તેઓ કહે છે, ‘સરકારની છબી પર, દેશની છબી પર અસર પડે છે. આ ભરોસાની વાત છે. ટાઇમ, સન્ડે ટાઇમ્સ લંડન, ન્યૂ યોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટમાં છપાતા એક-એક શબ્દને ગંભીરતાથી લેવામાં આવે છે. આ કોઈ નાનાં અખબારો નથી. વિદેશી પત્રકારોને અંકુશમાં રાખવા કોઈ પણ સરકાર માટે મુશ્કેલ હોય છે. સરકાર વધુમાં વધુ વિઝા આપવાની ના પાડી શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter