વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સંસદમાં નાગરિકતા સંશોધન બિલ પસાર

Tuesday 10th December 2019 12:00 EST
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના ટૂંકા નામે જાણીતું આ સિટીઝન (એમેન્ડમેન્ટ) બિલ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં રજૂ કર્યું હતું. આ બિલનો કોંગ્રેસ, શિવસેના સહિતના વિપક્ષે તીવ્ર વિરોધ કરીને ભારે હંગામો કર્યો હતો. આખો દિવસ ઉગ્ર ચર્ચા ચાલ્યા બાદ સોમવારે મોડી રાત્રે મતદાન થયું હતું, જેમાં બિલની તરફેણમાં ૩૧૧ જ્યારે વિરુદ્ધમાં ૮૦ મત પડ્યા હતા. 

આ બિલની જોગવાઇ અનુસાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના હિંદુઓ, જૈન, બૌદ્ધો, પારસી, ખ્રિસ્તીઓ કે જેઓ ભારતમાં શરણ લીધી હોય અને ૨૦૧૪ પૂર્વેથી તેઓ ભારતમાં રહેતા હોય તો તેમને ભારતની નાગરિક્તા અપાશે. જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરાયો, જેના પગલે વિપક્ષોની દલીલ છે કે આ બિલ કોમવાદી વાતાવરણ ઉભુ કરે તેવું છે અને બંધારણ કોઇના ધર્મના આધારે નાગરિક્તા નક્કી કરવાની ના પાડે છે. આ બિલ આસામ, મેઘાલય, મિઝોરમ કે ત્રિપુરામાં આદિવાસી વિસ્તારોમાં લાગુ નહીં થાય.

આનંદ અને આક્રોશ

સંસદ ગૃહમાં બિલ પસાર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કરતાં અમિત શાહને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે આ બિલ ભારતની સદીઓ જૂની પરંપરા અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસને અનુરૂપ છે. આ બિલને પાસ કરવામાં સમર્થન આપનાર પક્ષો અને સાંસદોનો પણ મોદીએ આભાર માન્યો હતો.
બીજી તરફ, મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી હતી, ‘અડધી રાત્રે જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી ત્યારે એક ઝાટકે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના ભારતના આદર્શ સાથે દગો કરવામાં આવ્યો.’ ચર્ચા દરમિયાન બિલનો ઉગ્ર વિરોધ કરતી વેળાએ ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલની નકલ ફાડી નાખી હતી. આ મુદ્દે ભારે હોબાળો થતાં કાર્યકારી સ્પીકરે આ ઘટનાને સંસદની કાર્યવાહીમાંથી દૂર કરવા આદેશ આપ્યા હતા. આ બિલ અંગે અમિત શાહ લોકસભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં ઉગ્ર દેખાવો યોજાયા હતા. આ ઉપરાંત દિલ્હીના જંતરમંતર પર પણ વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

મુસ્લિમવિરોધી નહીં...

બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે આ બિલ કોઇ પણ પ્રકારે બંધારણની જોગવાઇઓનો ભંગ કરતી નથી. આનાથી પાડોશી દેશમાં અત્યાચારને કારણે દર્દભર્યું જીવન જીવી રહેલા લોકોને રાહત મળશે. આ બિલ મુસ્લિમવિરોધી નથી. અમને મુસ્લિમો સાથે નફરત નથી. હું સ્પષ્ટ કરવા માંગું છું કે દેશના મુસ્લિમોને આ બિલથી કોઇ નિસ્બત નથી. આ માત્ર ત્રણ દેશોમાંથી આવનાર બિન-મુસ્લિમોને નાગરિક્તા માટે છે. અગાઉ પણ આ કાયદામાં સુધારા થઇ ચુક્યા છે. જેને પગલે મનમોહન સિંહ અને લાલ કૃષ્ણ અડવાણી પણ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન બની ચૂક્યા છે. અલબત્ત, અમિત શાહે રોહિંગ્યા મુસ્લિમોને નહીં સ્વીકારવાની સ્પષ્ટતા કરી હતી.
શાહે કહ્યું હતું કે આ બિલની આજે કેમ જરૂર પડી છે? જો કોંગ્રેસે ધર્મના નામે ભાગલા ન પાડયા હોત તો આજે આ બિલ લાવવાની કોઇ જ જરૂર ન રહેત. કોંગ્રેસે ધર્મના નામે દેશના ભાગલા પાડયા. નાગરિક્તા કાયદામાં સુધારા કરવા તે અમારા ઘોષણાપત્રનો ભાગ રહ્યો છે અને તેથી જ અમે આ કરી બતાવવા માગીએ છીએ. શાહે જણાવ્યું હતું કે આ બિલ લાખો લોકોની યાતનાઓ દુર કરવામાં મદદરૂપ થશે, લાખો શરણાર્થીઓને આ દેશની નાગરિક્તા મળી જશે. જે લોકો પર ધર્મના નામે અત્યાચાર થઇ રહ્યા છે તેમને નાગરિક્તા આપવા માટે આ બિલ લાવ્યા છીએ. આથી આ બિલ ધર્મના નામે ભેદભાવ કરતું હોવાનો વિપક્ષનો દાવો જુઠો છે. આ બિલથી કોઇ પણ મુસ્લિમના અધિકાર નહીં જાય. નિયમ અનુસાર કોઇ પણ નાગરિક્તા માટે અરજી કરી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને મંજૂરી અપાશે.

ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ઇનરલાઇન પરમિટ

અમિત શાહે જણાવ્યું હતું કે, આસામ, અરુણાચલ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં બંગાળ ઇસ્ટ ફ્રન્ટિયર કાયદો અમલમાં જ રહેશે. તે ઉપરાંત નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં ઇનરલાઇન પરમિટ લાગૂ રહેશે. અત્યાર સુધી મણિપુરમાં ઇનરલાઇન પરમિટ અમલમાં નહોતી પરંતુ હવે લાગુ કરાશે. શાહે જણાવ્યું હતું કે, વિભાજન સમયે લઘુમતી અધિકારોનાં સંરક્ષણ પર નહેરુ-લિયાકત કરાર થયો હતો. ભારતે તેનું પાલન કર્યું છે, પરંતુ પાકિસ્તાને ન કર્યું. પરિણામે હિંદુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ સાથે ત્યાં દુર્વ્યવહાર થતો રહ્યો. ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસે દેશનું ધર્મના આધારે વિભાજન કર્યું છે. આ ત્રણ દેશના કોઈ મુસ્લિમ ભારતની નાગરિકતા માટે અરજી કરશે તો સરકાર ખુલ્લા મને તેના પર વિચારણા કરશે, પરંતુ તેમને આ ખરડાની જોગવાઈઓનો લાભ મળશે નહીં.

વિપક્ષનો પ્રચંડ વિરોધ

દેશના કેટલાક ભાગમાં આ બિલનો ભારે વિરોધ થયો છે. દિલ્હીમાં અનેક લોકોએ બિલના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા અને સરકારવિરોધી નારેબાજી કરી હતી. આસામમાં બિલના વિરોધમાં બંધનું એલાન અપાયું હતું. બંધ દરમિયાન સામાન્ય જનજીવન પર અસર પહોંચી હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. રાજ્યની મમતા બેનરજી સરકાર બિલનો વિરોધ કરી રહી છે અને તેનો અમલ નહીં થવા દેવાની ચીમકી આપી છે. જે પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસ, શિવસેના, એનસીપી, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો વગેરેનો પણ સમાવેશ થાય છે. મમતાએ જણાવ્યું હતું કે એક પણ નાગરિકને આ બિલને કારણે રેફ્યૂજી નહીં બનવા દઇએ. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે અમે કોઇ પણ સંજોગોમાં આ બિલને કાયદો નહીં બનવા દઇએ. સિટિઝન (એમેન્ડમેન્ટ) બિલને ‘કેબ’ના ટૂંકાક્ષરી નામે પણ ઓળખાય છે. તે સંદર્ભે વિપક્ષના નેતા કપીલ સિબ્બલે જણાવ્યું હતું કે આ ‘કેબ’ના ડ્રાઇવર જ ભાગલાવાદી નીતિ ધરાવે છે.

વિરોધમાં ઓનલાઇન ઝૂંબેશ

દેશભરમાંથી આશરે ૧૦૦૦ ભારતીય વૈજ્ઞાનિકો, સ્કોલર્સે મોરચો ખોલ્યો છે અને આ બિલનો વિરોધ કર્યો છે. આ સ્કોલર્સ અને વૈજ્ઞાનિકોએ એક ઓનલાઇન અભિયાન શરૂ કર્યું છે. જેમાં માત્ર ૨૪ કલાકમાં જ એક હજારથી વધુ સ્કોલર્સ અને વૈજ્ઞાનિકો જોડાયા હતા. જેમાં જેએનયુથી લઇને ટોરંટો યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકો પણ સામેલ છે. અભિયાનમાં જણાવાયું છે કે સરકાર બિલ લાવી છે તેમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના એવા શરણાર્થીઓ કે જેઓ યાતનાઓ સહન કરી ભારત આવ્યા હોય તેમને નાગરિક્તા અપાશે. આ એક સારું પગલું છે, પણ તે ધર્મના આધારે નાગરિક્તા આપી રહ્યું છે તે યોગ્ય નથી.
આ સ્કોલર્સ અને વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આઝાદી બાદ જે બંધારણ લખાયું છે તેમાં દરેક ધર્મના લોકોની સાથે સમાન વ્યવહાર રાખવાની વાત કરવામાં આવી છે. આ બિલમાંથી મુસ્લિમોને બાકાત રાખવાથી દેશમાં કોમવાદી વાતાવરણ ઉભું થઇ શકે છે અને બિલ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધનું પણ છે. આપણું બંધારણ બિનસાંપ્રદાયિક્તામાં માને છે, બિલ કોમવાદી છે તેથી તેનો સ્વીકાર ન કરી શકાય.

શું છે નાગરિક્તા સંશોધન બિલ? અને તેની જોગવાઇ

ભારત દેશનો નાગરિક કોણ છે તેની પરિભાષા માટે વર્ષ ૧૯૫૫માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો. જેને ‘નાગરિકતા અધિનિયમ ૧૯૫૫’ નામ અપાયું હતું. નરેન્દ્ર મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને ‘નાગરિક સંશોધન બિલ ૨૦૧૬’ નામ અપાયું છે. આ બિલ દેશમાં છ વર્ષ ગુજારનાર અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને પાકિસ્તાનના છ ધર્મો (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી)ના લોકોને યોગ્ય દસ્તાવેજ વગર ભારતીય નાગરિક્તા આપવાનો માર્ગ મોકળો કરશે.
મુખ્ય જોગવાઇઓ
• પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશમાંથી ભારતમાં આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી નિરાશ્રિતોને નાગરિકતા અપાશે. • આ સમુદાયો પૈકીના ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારતમાં પ્રવેશેલા અને જેમના પ્રવેશને કાયદેસરની માન્યતા અપાઇ છે તેઓ ગેરકાયદે ઘૂસણખોર નહીં ગણાય. • પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં રહેતા આ લઘુમતી સમુદાયો પાસે રેશન કાર્ડ નહીં હોય તો પણ નાગરિકતા અપાશે. • આ સમુદાયના નિરાશ્રિત સામે કોઇ કાર્યવાહી ચાલતી હશે તો નાગરિકતા મળતાની સાથે જ તે રદ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter