નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે ભારત સૌથી ઝડપે વિકાસ પામી રહેલું અર્થતંત્ર છે, છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસની નવી ઉંચાઇ સર કરી છે.
દેશને 2047સુધીમાં વિકસિત ભારત બનાવવાનો રોડમેપ રજૂ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે ભારત હવે નાનાં સપના નથી જોતો. શક્તિની સપ્તધારા થકી દેશને મહાશક્તિ બનાવવાનો આ સમય છે. દેશનાં વિકાસ માટે સાત ક્ષેત્રો પર ફોકસ કરતાં તેમણે કહ્યું હતું કે • મેન્યુફેકચરિંગ પાવર • કૃષિ તથા ફૂડ પ્રોસેસિંગ • ટેકનોલોજી - ઈનોવેશન • ગતિ શક્તિ • રક્ષા શક્તિ • ગ્રીન ઈકોનોમી તથા બ્લ્યૂ ઈકોનોમી તેમજ • સોફટ પાવરની શક્તિ જ દેશને મહાશક્તિ બનવાના પંથે દોરી જશે.
તાજેતરમાં પેપર લીક મુદ્દે થયેલાં જેન ઝી આંદોલનના પડઘારૂપે મોદીએ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ માટે ફ્રી કોચિંગની જાહેરાત કરી હતી. તેમણે એક કરોડ યુવકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાલીમ આપવાની તથા ઓલિમ્પિક સહિતની રમતગમતની સ્પર્ધાઓ માટે પાંચથી 15 વર્ષના બાળકો માટે રાષ્ટ્રવ્યાપી નેશનલ ટેલેન્ટ હન્ટ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. તો મોદીએ તેમના સંબોધનમાં દેશવાસીઓને ‘દિમાગી નક્સલો’ સામે સાવધ રહેવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે સશસ્ત્ર માઓવાદીઓનો તો આપણે સફાયો કરી નાખ્યો છે પરંતુ દિમાગી નક્સલો સામે સાવધ રહેવાની જરૂર છે.
લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ 75 મિનિટ ચાલ્યું હતું, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ટૂંકુ હતું અને તેમના સતત 13 ભાષણોમાં ચોથા ક્રમાંકનું સૌથી ઓછા સમયનું ભાષણ હતું. આ સંબોધન ગયા વર્ષના રેકોર્ડબ્રેક 103 મિનિટના ભાષણથી ઘણુ નાનું હતું, 2014માં તેમનું પ્રથમ સ્વતંત્રતા દિવસનું ભાષણ 65 મિનિટનું હતું તો 2023માં 92 મિનિટનું હતું.
યુવાનો સર્વોચ્ચ પ્રાથમિકતા
મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતા કહ્યું કે યુવાનો અમારી સર્વોચ્ચ પ્રથામિકતા છે. યુવાનોને આધુનિક ટેકનોલોજી સાથે એઆઇની તાલીમ અપાશે. એક વર્ષમાં એક કરોડ યુવાનોને એઆઇથી તાલીમબદ્ધ કરાશે. આ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને મફત ઓનલાઈન કોચિંગ આપવા દેશભરમાં નેટવર્ક સ્થપાશે.
મોદીએ પોતાના ભાષણમાં યુવાનો માટે ‘યુવા શક્તિ’, ‘સાથીઓ’, ‘નૌજવાન’ અને ‘યુવા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે ‘યુવા’ શબ્દનો 20 વખત ઉપયોગ કર્યો હતો, જેમાં પાંચ વખત ‘યુવા શક્તિ’ અને ‘યુવા સામર્થ્ય’ જેવા શબ્દો દ્વારા યુવાનોની તાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુવાનોને ‘નૌજવાનો’ કહીને 22 વખત અને ‘સાથીઓ’ કહીને 10 વખત સંબોધિત કર્યા હતાં.
ઓલિમ્પિક માટે દેશવ્યાપી ટેલેન્ટ હન્ટ
મોદીએ કહ્યું કે 2036માં ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરાશે તે પહેલાં દેશભરમાં ગામેગામ જઈને સ્પોર્ટસમાં ટેલેન્ટ ધરાવતા યુવાનોની શોધ કરાશે. સ્પોર્ટસ પ્રતિભાઓને શોધીને તેમને ખાસ તાલીમ અપાશે. 5થી 15 વર્ષનાં બાળકોમાં સ્પોર્ટસ અને રમતગમતની પ્રતિભા શોધાશે. દરેક ક્ષેત્રે નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરાશે. જે રમતોમાં આપણી કુશળતા નથી તેવી રમતોમાં વધુ તાલીમ સાથે યુવાનોને તૈયાર કરાશે.
નક્સલવાદનો સફાયો થયો...
મોદીએ કહ્યું કે નક્સલવાદે હજારો યુવાનોની જિંદગી છીનવી લીધી છે અને તેમને બરબાદ કર્યા છે. માતાપિતાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. કેટલાક લોકોએ દેશના બંધારણનું ટુકડા કર્યા અને દેશનાં નાગરિકોની તેમજ સુરક્ષા કર્મીઓ શહીદ થઈ ગયા. નક્સલવાદે દેશની જમીનોને લોકોનાં લોહીથી તરબોળ કરી દીધી હતી. 2014માં અમે કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી દેશને આ ખતરામાંથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. આજે દેશમાં નક્સલીઓને શ્વાસ લેવાની જગ્યા મળતી નથી. તેમનાંમાં છેલ્લા શ્વાસ લેવાની તાકાત બચી નથી. અમે તેનો સંપૂર્ણ ખાતમો બોલાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આજકાલ વિકાસ, વિશ્વાસ અને પ્રયાસનો તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે.
... પણ ‘દિમાગી નક્સલવાદ’થી બચવું પડશે
વડાપ્રધાન મોદીએ આંતરિક સુરક્ષા અને નક્સલવાદ અંગે જણાવ્યું હતું કે જંગલોમાં પેદા થતા સશસ્ત્ર નક્સલવાદથી દેશને મુક્ત કરવામાં મોટી સફળતા મળી છે, પરંતુ હવે દેશ સામે ‘દિમાગી નક્સલ’ની નવી અને ગંભીર પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ છે, જેના પ્રત્યે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. આવા લોકોને સમાજથી અલગ કરવા પડશે.
વડાપ્રધાન મોદીના આ નિવેદન અંગે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે અગાઉ વિરોધીઓને ‘અર્બન નક્સલ’ કહેવામાં આવતાં હતાં અને હવે તેમને ‘દિમાગી નક્સલ’ કહેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે તો વળી ‘દિમાગી નક્સલ’ હોવાનું ગર્વ વ્યક્ત કર્યું હતું.


