શશિકલા મહેલમાંથી જેલમાંઃ ચાર વર્ષ કેદ અને રૂ. ૧૦ કરોડ દંડ

Wednesday 15th February 2017 05:26 EST
 
 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શશિકલા સામેના ૨૧ વર્ષ જૂના આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચુકાદો આપતાં ચાર વર્ષ કેદ અને રૂ ૧૦ કરોડના દંડની સજા યથાવત્ રાખી હતી. શશિકલાને ચાર વર્ષ જેલની સજા થઇ હોવાથી હવે તે આવતા ૧૦ વર્ષ સુધી શાસનધૂરા નહીં સંભાળી શકે. સુપ્રીમ કોર્ટના જજ પિન્કી ચંદ્રા અને અમિતાવ રોયની બે જજની બેન્ચે પરસ્પર ચર્ચા કરીને આઠ જ મિનિટમાં ટ્રાયલ કોર્ટની સજા યથાવત્ રાખતો ચુકાદો સંભળાવ્યો હતો.
શશિકલા દોષિત ઠરતા તેઓ મુખ્ય પ્રધાન બની નહીં શકે. ટ્રાયલ કોર્ટની ચાર વર્ષની જેલની સજાને સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો હતો. બન્ને જજે એકમતે આ ચુકાદો આપ્યો હતો. બેન્ચે બેંગલૂરુની ટ્રાયલ કોર્ટ સમક્ષ તાત્કાલિક આત્મસમર્પણ કરવા શશિકલાને નિર્દેશ આપ્યો હતો. આ પછી એક શક્યતા હતી કે, ગોલ્ડન-બે રિસોર્ટમાં રહેલા ધારાસભ્યોને 'મુક્ત' કરાવવા અભિયાન હાથ ધરવામાં આવશે. અને આવું જ થયું હતું. જોકે ધારાસભ્યોએ રિસોર્ટમાંથી બહાર નીકળવાનો ઇન્કાર કરતાં વીજળી કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું.

શશિકલાને દસકાનું સત્તાગ્રહણ

શશિકલાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ પ્રમાણે, સજા ભોગવ્યા બાદ વધુ છ વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી શકે નહીં. આમ શશિકલા આગામી દસ વર્ષ સુધી સત્તા પર નહીં આવી શકે. જોકે, ચાર વર્ષ બાદ બહાર આવીને 'પ્રોક્સી' બેસાડી શકે છે.

તામિલનાડુમાં તણાવભરી સ્થિતિ

મંગળવારે સવારથી તામિલનાડુમાં સસ્પેન્સનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ચુકાદા બાદ આ માહોલ તણાવમાં ફેરવાઈ ગયો હતો. અહીં એઆઇએડીએમકે કાર્યાલયની બહાર તથા ગોલ્ડન-બે રિસોર્ટની બહાર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચેન્નાઈના પોએસ ગાર્ડન નિવાસસ્થાન ખાતે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એઆઇએડીએમકેના મુખ્યાલયે પણ ચાંપતી સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

પન્નીરસેલ્વમ જૂથમાં આનંદ

આવકથી વધુ સંપત્તિના કેસમાં શશિકલા સામે ચૂકાદો આવ્યા બાદ પન્નીરસેલ્વમ જૂથમાં આનંદનો માહોલ છે. પન્નીરસેલ્વમના ઘરની આગળ સમર્થકો ખુશી મનાવી હતી. ઢોલ-નગારા અને આતશબાજી સાંભળવા મળ્યા હતા. જ્યારે ગોલ્ડન-બે રિસોર્ટ બહાર ફટાકડાં લઈને પહોંચેલા શશિકલા કેમ્પના સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.

આવક કરતાં વધુ સંપત્તિ

શશિકલા સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો છે. આ કેસમાં જયલલિતા, શશિકલા, તેમના બે સંબંધી વી. એન. સુધારન અને ઈલાવરસી સહિત ચાર લોકો આરોપ હતા. જોકે, જયલલિતાનું નિધન થઈ ગયું હોવાથી તેમનું નામ કાઢી નાખ્યું હતું.
કેસની સુનાવણી પ્રભાવિત ન થાય તે માટે તામિલનાડુની બહાર બેંગલૂરુમાં આ કેસની સુનાવણી થઈ હતી. ટ્રાયલ કોર્ટે વર્ષ ૨૦૧૪માં જયલલિતા તથા શશિકલાને દોષિત ઠરવ્યા હતા. તેમને ચાર વર્ષની સજા ફટકારી હતી અને રૂ. ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. હાઈ કોર્ટે મે ૨૦૧૫માં જયા તથા શશિકલા સહિત ચાર દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. શશિકલા પર ૩૨ બનાવટી કંપનીઓ ઊભી કરીને રૂપિયા સગેવગે કરવાનો આરોપ છે.

નેતા પદે પલાનીસ્વામી

સુપ્રીમ કોર્ટે ભલે શશિકલાની સજા યથાવત રાખી હોય, પરંતુ શશિકલાએ કોર્ટમાં સરેન્ડર કરતાં પહેલા ઈકે પલાનીસામીને એઆઇએડીએમકેના ધારાસભ્યોના જૂથના નેતા બનાવી દીધા છે. પલાનીસ્વામી ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
બીજી તરફ શશિકલાએ પન્નીરસેલ્વમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તામિલનાડુના ગવર્નર સી વિદ્યાસાગર રાવે પલાનીસ્વામી મળવા માટે સાંજનો સમય આપ્યો હતો.

કોણ છે પલાનીસ્વામી?

પલાનીસ્વામીનો જન્મ ૨ માર્ચ, ૧૯૫૪ના રોજ થયો છે. તેઓ કોંગુ ક્ષેત્રના સલેમ જિલ્લાના ઈદાપડી વિસ્તારમાંથી ધારાસભ્ય છે. ઈદાપડી સીટ પરથી તેઓ ૧૯૮૯, ૧૯૯૧, ૨૦૧૧ અને ૨૦૧૬માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જયલલિતા સરકારમાં તેઓ પ્રધાન હતા. તેમને મિનિસ્ટર ફોર હાઈવેઝ એન્ડ માઈન પોર્ટ્સની જવાબદારી મળી હતી. જ્યારે જયલલિતાને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે પન્નીરસેલ્વમ ઉપરાંત પલાનીસ્વામીનું પણ નામ આવ્યું હતું. બાદમાં પન્નીરસેલ્વમને સીએમ બનાવાયા હતા. પલાનીસ્વામી ગૌંડર કમ્યુનિટીમાંથી આવે છે. આ બેકવર્ડ જાતિને થેવર કમ્યુનિટીની સાથે પક્ષની સૌથી મોટી વોટ બેંક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શશિકલા થેવર સમુદાયનાં છે.

મેં તકલીફ ઉઠાવી છેઃ શશિકલા

આવકથી વધારે સંપત્તિના મુદ્દે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ ભાવુક થઈને શશિકલા નટરાજને કહ્યું કે જ્યારે જ્યારે અમ્મા અને પાર્ટી પર સંકટ આવ્યું ત્યારે મેં તકલીફો ઉઠાવી છે. આ વખતે પણ હું તકલીફો સહન કરી લઈશ. ફેંસલા બાદ તેણે રિસોર્ટમાં બંધક બનાવાયેલા ધારાસભ્યો સાથે વાતચીત
કરી હતી.

અમ્માના ઘરનું મેમોરિયલ

પન્નીરસેલ્વમે થોડા દિવસો અગાઉ કહ્યું કે તે જયલલિતાના ઘર પોયસ ગાર્ડનને એક સ્મારક બનાવશે. તેના પર શશિકલા જૂથે વાંધો ઉઠાવ્યો હતો. શશિકલા જૂથનું કહેવું હતું કે પોયસ ગાર્ડન એક પ્રાઈવેટ પ્રોપર્ટી હોવાથી સરકાર ત્યાં સ્મારક ન બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે હાલ શશિકલા પોયસ ગાર્ડનમાં જ રહે છે. ચૂકાદો આવ્યા બાદ શશિકલાએ તાત્કાલિક આ ઘર ખાલી કરવું પડશે.

અમ્માના મોતની તપાસ કરાવાશે

પન્નીરસેલ્વમે શશિકલા પર આરોપ લગાવ્યો હતો જયલલિતા ૭૫ દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યાં તે દરમિયાન એક વખત તેને મળવા જવા દેવાયા નહોતા. તેમણે કહ્યું, અમ્માની મોતને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે તેનો જવાબ મળવો જોઈએ. બાદમાં એક તપાસ પંચ બનાવવાની જાહેરાત કરી હતી જે મુજબ હવે આ કેસમાં નવેસરથી તપાસ કરાવશે કે નહીં તે પણ જોવાનું રહેશે.

પન્નીરસેલ્વમ ગદ્દાર છે

એઆઈએડીએમકેમાં પડેલું ભંગાણ અને તામિલનાડુની સરકારનો પ્રશ્ન હાલમાં તો ઉકેલાય તેમ જણાતું નથી. પન્નીરસેલ્વમ પોતાનાં જૂથને મજબૂત કરવામાં વ્યસ્ત છે ત્યાં શશિકલા પોતાનાં જૂથને જકડી રાખવા મથી રહ્યાં છે. સોમવારે તેમણે પોએસ ગાર્ડન પાસે આવેલાં પોતાનાં ઘરમાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું કે, કોઈએ ડરવાની જરૂર નથી. આપણો પક્ષ મજબૂત છે. પન્નીરસેલ્વમ ગદ્દાર છે અને તેનો અસલી ચહેરો હવે સામે આવી ગયો છે. તે પક્ષને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે. અમે ૩૩ વર્ષમાં આવા હજાર પન્નીરસેલ્વમ જોયા છે. હું તેનાથી ડરતી નથી.

હાઇ કોર્ટમાં એફિડેવિટ

સોમવારે રાજ્ય સરકારના ચીફ પ્રોસિક્યુટરે મદ્રાસ હાઈ કોર્ટને જણાવ્યું કે, બે રિસોર્ટમાં રાખવામાં આવેલા ૧૧૯ ધારાસભ્યોની સાથે પોલીસ અને રેવન્યૂ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે. સરકારે આ નિવેદનો સાથે એક એફિડેવિટ પણ કોર્ટમાં રજૂ કરી છે. નવાઈની વાત એ છે કે, સરકારની એફિડેવિટ અને તેમાં જણાવેલી સંખ્યા જુદી હતી. શશિકલાએ દાવો કર્યો હતો કે, ૧૨૯ ધારાસભ્યો તેમની સાથે છે પણ સરકારે કોર્ટને જણાવ્યું કે, ૧૧૯ ધારાસભ્યોનાં નિવેદન લેવામાં આવ્યાં છે. બીજી બાજુ રિસોર્ટમાં પુરાયેલા આઠ ધારાસભ્યોને ફૂડ પોઈઝનિંગ થતાં ડોક્ટરો દોડાવાયા હતા.

ગવર્નર પ્રશ્ન હલ કરેઃ એજી

ભારતના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, તામિલનાડુની સ્થિતિ વિસ્ફોટક છે. ગવર્નર દ્વારા આ સ્થિતિને સમજીને નિર્ણય કરવામાં આવે તે યોગ્ય છે. તેઓ અઠવાડિયામાં જ આ સ્થિતિનો ઉકેલ લાવે અને સાસંદોનો ફ્લોરટેસ્ટ કરાવે તે આવશ્યક છે. તેમણે વધુ જણાવ્યું કે, ગવર્નરે જ વિધાનસભામાં તાકીદનું સત્ર બોલાવીને આ ગૂંચનો ઉકેલ લાવવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter