નવી દિલ્હીઃ પાટનગરમાં ઐતિહાસિક લાલ કિલ્લા નજીક સોમવારે નમતી સાંજે થયેલા પ્રચંડ વિસ્ફોટે આખા દેશને હચમચાવી નાંખ્યો છે. ચાલતી કારમાં થયેલા વિસ્ફોટે જાણે અચાનક જ દિલ્હીને થંભાવી દીધું હતું. સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ નજીક થયેલા આ વિસ્ફોટમાં 13નાં મૃત્યુ થયાં છે અને 25થી વધુને ઇજા થઇ છે. વિસ્ફોટ બાદ ચીસાચીસ, સળગતી ગાડીઓ અને લપકારા મારતી અગન-જવાળાએ ભયાવહ દૃશ્ય સર્જ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ)ને સોંપાઇ છે. મોડી રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લઇને જાણકારી મેળવી હતી.
મંગળવારે રાત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે વિસ્ફોટ થયાને 30 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ વિસ્ફોટ સાથે સંકળાયેલા મહત્ત્વના પ્રશ્નો હજુ વણઉકેલ છે. જેમ કે, શું આ વિસ્ફોટ આતંકવાદી કૃત્ય હતું? વિસ્ફોટ કેવી રીતે થયો? વિસ્ફોટ કોને ટાર્ગેટ બનાવીને કરાયો હતો? અખબારી માધ્યમોમાં અટકળો અનેક થઇ રહી છે, પણ તપાસનીશો દ્વારા આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન અપાયું નથી.


